Charchapatra

બેનંબરીના ચલણમાં ગાંધીનો આદર્શ જ ઉગારશે?

અનૈતિક હકીકતો ‘‘બેનંબરી’’ કહેવાય છે. ‘‘બ્લેક મની’’ કે કાળું નાણું’’ બેનંબરી સંપત્તિ ગણાય છે. છેતરપિંડી કરનાર, નકલી, બનાવટી વ્યકિત ‘‘બેનંબરી’’ સિદ્ધ થાય છે. અયોગ્ય વિજાતીય સંબંધવાળું પાત્ર પણ ‘‘બેનંબરી’’ તરીકે ઓળખાય છે. પરવાનગી વગરની સંસ્થા અને તેનાં વ્યવહાર, વ્યવસ્થા ‘‘બેનંબરી’’ જ રહે છે.  જેની પાસે અધિકાર હોય તે અધિકારી બને છે, પણ હવે તો સરકારી અધિકારી તરીકે પણ બેનંબરી વ્યકિત પોતાની જાતને સ્થાપિત કરી ખોટા વ્યવહારો કરે છે. ભ્રષ્ટાચાર આદરે છે.

નકલી અધિકારીઓ બનાવટી, નાટકીય રૂઆબ દેખાડી વાણી-ચાતુર્યથી ધાક જમાવી દરોડા પાડી મોટી રકમ પડાવે છે. બેનંબરી વ્યવહાર માટે ખોટા દસ્તાવેજ, ખોટા ચોપડા, ખોટી નોંધણી સામાન્ય બાબત છે. ગંદા રાજકારણમાં આવા પ્રયોગો થતા રહે છે. રમખાણો અને રક્તપાત કરાવનારાઓનો બેનંબરી જ્ય જ્યકાર અને પ્રચાર પણ થતો રહે છે. બેનંબરી ટોળાં એકત્રિત કરી શકાય છે. જેને ભાડુતી મજૂરો કહી શકાય. બેનંબરી પ્રચાર માટે પણ સુલભ છે. બેનંબરી બાબતોની યાદી અસીમ છે.

સામાજિક, રાજનૈતિક અને ધાર્મિક ક્ષેત્રે મોટા પાયે આડંબરનું આવરણ સ્વચ્છ પરિસ્થિતિને દૂર રાખે છે. દાનેશ્વરી શ્રીમંતો અંદરખાને બેનંબરી રીતરસમ અપનાવે છે. ધર્મધામોમાં અબજો રૂપિયા, સોનું, ચાંદી કેદ થઈ જાય છે. કાળાબજાર, ભેળસેળ સાથે વેપાર ગંદા ધનવૈભવને પોષે છે. કરચોરીથી બેનંબરી ધન એકઠું થતું રહે છે. પોતાનું ધન સંતાડવા પોતે સંતાઈ જઈને બીજાને નામે આર્થિક તંત્ર ચલાવે છે.

બેંક ઉઠાંતરી, ઠગાઈ જેવાં કર્મો સમાજ અને દેશને કમજોર બનાવે છે તેમની બેનંબરી હરકતોથી. વિદેશોમાંથી આતંકવાદીઓને અબજોનું ભંડોળ મળે છે, જે બેનંબરી જ હોય છે. દુશ્મન દેશો સાથે ગુપ્ત સંબંધો અને તેમના માટેની જાસૂસી દેશદ્રોહી પ્રવૃત્તિ તો છે જ, પણ તે સાથે બેનંબરી વિલાસ પણ જન્માવે છે. લોકશાહી દેશમાં ચૂંટણીઓ થતી રહે છે અને તેમાં રાજકીય પક્ષો ચૂંટણી ભંડોળ કરોડો રૂપિયાનું એકત્રિત કરે છે અને તે બિનહિસાબી, બેનંબરી રહે છે, એવા ધનના જોરે ગણતંત્ર માટે ઘાતક એવી પક્ષાંતર પ્રવૃત્તિ થતી રહે છે.

પક્ષપલટુને મળેલા કરોડો રૂપિયા બેનંબરી જ રહે છે. જ્યારે આવા બેનંબરિયાઓના પાપનો ઘડો ફૂટી જવા પર હોય છે ત્યારે તેઓ દેશ છોડીને નાસી જાય છે. રાષ્ટ્રપિતા ગાંધીજીનું જીવન ઉઘાડી કિતાબ જેવું હતું. આર્થિક બાબતો તેમને અંગત રીતે સ્પર્શતી ન હતી અને અંગત જીવનની બ્રહ્મચર્ય પ્રયોગ સાથેની તમામ બાબતો તેમણે સાર્વજનિક કરી હતી. પોતાની વગથી કોઈનેય ખોટો લાભ અપાવ્યો ન હતો. જો તેમના આદર્શો અપનાવાય તો બેનંબરી વ્યવહાર દૂર થઈ જાય.
સુરત     -યૂસૂફ એમ. ગુજરાતી          – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top