નવી દિલ્હી: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ સુપર 8માં આજે તા. 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી મેચ રમવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ આજે ગ્રોસ આઈલેટના ડેરેન સેમી સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી રમાશે. ભારત સત્તાવાર રીતે સેમી ફાઇનલમાં નથી પહોંચ્યું પરંતુ અંતિમ ચારમાં પહોંચવાની ખૂબ નજીક છે. ઓસ્ટ્રેલિયા સામેની જીત સાથે તે સેમિફાઇનલમાં પહોંચી જશે અને ગ્રુપ 1માં પોતાનું ટોચનું સ્થાન પણ સુરક્ષિત કરી લેશે.
એકંદરે ગ્રૂપ-1નું સમીકરણ એકદમ રસપ્રદ બન્યું છે. આ ગ્રુપની ચારેય ટીમો હજુ પણ સેમીફાઈનલની રેસમાં છે. જો કે, આ ચારમાંથી માત્ર બે ટીમોને જ સેમિફાઇનલમાં જવાની તક મળશે. ગ્રુપ-2માંથી સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ગ્રૂપ-1નું લેટેસ્ટ સમીકરણ જાણો.
ભારતઃ ટીમ ઈન્ડિયાની સ્થિતિ ઘણી મજબૂત છે અને જો તે ઓસ્ટ્રેલિયા સામે ઓછા માર્જિનથી હારી જાય તો પણ તેને વધારે અસર નહીં થાય. જો ભારત ટોચ પર રહેશે તો સેમિફાઇનલમાં તેનો સામનો ઇંગ્લેન્ડ સામે થશે. જો તે બીજા સ્થાને રહેશે તો તેનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે. ભારતે 27 જૂને ગુયાનામાં તેની સેમિફાઇનલ મેચ રમવાની છે. જો ભારત-ઓસ્ટ્રેલિયા મેચ ધોવાઇ જાય તો પણ ભારત ટોચ પર રહેશે.
ભારતીય ટીમ ત્યારે જ બહાર થઈ શકે છે જ્યારે તેને ઓસ્ટ્રેલિયા સામે મોટી હારનો સામનો કરવો પડે અને અફઘાન ટીમ બાંગ્લાદેશ સામે મોટા માર્જિનથી જીતે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન નેટ રન રેટના આધારે ભારતને પાછળ છોડી શકે છે. જો ઓસ્ટ્રેલિયા ભારતને ઓછામાં ઓછા 31 રનથી હરાવશે તો અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે 93 રનથી જીત મેળવવી પડશે. ભારતનો નેટ રન રેટ હાલમાં +2.425 છે .
ઑસ્ટ્રેલિયા: અફઘાનિસ્તાન સામે તેની આઘાતજનક હાર બાદ ઑસ્ટ્રેલિયા ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. જો તે ભારત સામે હારી જશે તો તેને બાંગ્લાદેશના સમર્થનની જરૂર પડશે. આવી સ્થિતિમાં જો બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવશે તો ત્રણ ટીમોના બે-બે પોઈન્ટ હશે અને નેટ રન રેટના આધારે નિર્ણય લેવામાં આવશે. ભારત-ઓસ્ટ્રેલિયા મેચ ધોવાઈ જાય તો પણ ઓસ્ટ્રેલિયાને ખતરો રહેશે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન પાસે બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં પહોંચવાની તક રહેશે. ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ હાલમાં +0.223 છે .
બાંગ્લાદેશઃ ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનની જીતે બાંગ્લાદેશને બળ આપ્યું છે. બાંગ્લાદેશને પણ ભારતની મદદની જરૂર પડશે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહેશે તો બાંગ્લાદેશને અફઘાનિસ્તાન સામે મોટી જીત હાંસલ કરવી પડશે. બાંગ્લાદેશનો નેટ રન રેટ હાલમાં -2.489 છે.
અફઘાનિસ્તાનઃ ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ અફઘાનિસ્તાનનું મનોબળ ઉંચુ છે. અફઘાન ટીમે આશા રાખવી પડશે કે ભારત ઓસ્ટ્રેલિયાને હરાવશે અથવા મેચ ધોવાઇ જશે. આવી સ્થિતિમાં તે બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે હારે છે તો અપેક્ષા રાખવી જોઈએ કે ઓસ્ટ્રેલિયા ભારત સામે મોટા માર્જિનથી હારી જશે. જો ઓસ્ટ્રેલિયા ભારત સામે જીતશે તો અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે મોટા અંતરથી જીતવું પડશે. અફઘાનિસ્તાનનો નેટ રન રેટ હાલમાં -0.650 છે .