Business

અનુષ્કા શર્મા અભિનેત્રી તરીકે દાવ ડિકલેર કરી દેશે?

શું અનુષ્કા શર્મા હવે ફકત નિર્માત્રી બનીને જ રહી જશે? તે જાન્યુઆરીમાં દિકરી વામિકાની મા બની હતી. હવે નવ મહિના પછી પણ અનુષ્કા અભિનય માટે ફ્રી નથી થઇ? કે પછી હવે નિર્માત્રી તરીકે જ કામ કરવા માંગે છે? ભૂતકાળમાં શર્મિલા ટાગોર, હેમા માલિનીથી માંડી ડિમ્પલ કાપડીયા કે કાજોલમા બની તો પણ તેમના ચાહકોને ખબર નથી પડી. તેઓ એ રીતે પ્રેગનન્સી ટાઇમ પ્લાન કરતી કે હજુ તેમની ફિલ્મો રજૂ થાય ત્યાં સુધીમાં ફરી શૂટિંગ પર આવી ગઇ હોય. અનુષ્કા પણ આમ તો પ્લાન કરવામાં માને છે એટલે જ નિર્માત્રી તરીકે પણ સફળ રહી છે ને વિરાટ કોહલી સાથેના લગ્ન પણ સરસ રીતે આગળ ચાલી રહ્યા છે. ફિલ્મ જગતમાં જેમના લગ્નોને સફળ ગણવામાં આવે છે તેમાં અનુષ્કા-વિરાટ છે. વિરાટ એવો ય નથી કે તેને કામ કરતા રોકે તો શું અનુષ્કા જ હવે તૈયાર નથી?

અત્યારની અભિનેત્રીઓમાં સૌથી સફળ રહી હોય તેમાંની તે એક છે. ‘રબને બના દી જોડી’થી માંડી આજ સુધીની કારકિર્દીમાં તેની નિષ્ફળ ફિલ્મો ગણો તો ‘મટરુ કી બીજલી કા મંડોલા’, ‘બોમ્બે વેલ્વેટ’, ‘સુઇધાગા’, ‘ઝીરો’ વગેરે જ ગણી શકો. જયારે સફળતાના લિસ્ટમાં ‘બેન્ડ બાજા બારાત’, ‘લેડીઝ વર્સિસ રિકી બહલ’, ‘જબ તક હૈ જાં’, ‘પીકે’, સુલ્તાન, ‘એનએચ 10’, ‘દિલ ધડકને દો’, ‘એ દિલ હે મુશ્કિલ’, ‘પરી’, ‘સંજુ’ વગેરે છે. જો કે હીરોઇન તરીકે છેલ્લી સફળ ફિલ્મ ‘સંજુ’ જ ગણી શકો પણ તે તો રણબીર કપૂરની ફિલ્મ હતી. બાકી તેનો પ્રભાવ હોય ને સફળ રહી હોય એવી છેલ્લી ફિલ્મોમાં 2016ની ‘સુલતાન’ અને ‘એ દિલ હે મુશ્કિલ’ છે. તેની મહત્નની ભૂમિકાવાળી છેલ્લી રજૂ થયેલી ફિલ્મ ‘સૂઇ ધાગા’ છે જે સફળ નહોતી ને ઝીરો’માં તો કેટરીના કૈફ પણ હતી.

અનુષ્કા શરૂથી જ ઓછી ફિલ્મોમાં કામ કરતી આવી છે અને ‘એનએચ-10’થી નિર્માત્રી બની પછી તો ઓર ધીમી પડી ગઇ છે. જો કે ત્યાર પછી ‘ફીલ્લોરી’, ‘પરી’ અને ‘બુલબુલ’ ફિલ્મ ઉપરાંત ગયા વર્ષે ‘પાતાલ લોક’ વેબ સિરીઝ બનાવેલી. આમાંથી ‘બુલબુલ’ હજુ રજૂ નથી થઇ પણ તેમાં તે અભિનેત્રી નથી. હમણાં તે ‘માઇ’ નામની વેબસિરીઝ બનાવી રહી છે જેમાં સાક્ષી તન્વર મુખ્ય ભૂમિકામાં છે. બીજી ‘કાલા’ પણ નેટફલિકસ માટે બનાવી રહી છે તેમાંય તે અભિનય નથી કરતી. તો તેણે કરવુ છે શું? હા, એવું જરૂર કહેવાય છે કે તે અર્જૂન કપૂર સાથે ‘કનેડા’ નામની ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં દિલજીત ડોસાંજ પણ છે. તે ઝૂલન ગોસ્વામીની બાયોપીક પણ કરશે એવું સંભળાયા કરે ે. તરુણ મનસુખાનીની એક ફિલ્મમાં કામ કરશે એવી ય વાત જ છે. સ્વયં અનુષ્કા પણ પોતાની ફિલ્મો વિશે કશું કહેતી નથી. બાકી શાહરૂખ, સલમાન, આમીર કે રણબીર કપૂર સાથે તેની જોડી ચર્ચામાં રહી છે. તેને ટોપ હીરો સાથે જ ફિલ્મો મળતી રહી છે. અલબત્ત તેના ટોપના સ્ટાર્સ વધારે ફિલ્મોમાં કામ કરતા નથી.

હમણાં વિરાટ કોહલીની કારકિર્દી ધીમી પડી છે તેનું પરિણામ હશે? તેને પોતાની ફિલ્મોમાં ચમકાવવાનો આગ્રહ રાખનાર આદિત્ય ચોપરાની ય આવનારી કોઇ ફિલ્મમાં અનુષ્કા નથી. મૂળ અયોધ્યાની અનુષ્કા ધાર્મિક વૃત્તિની છે ને સાથે બિઝનેસમાંય એકસપર્ટ છે. તો એ બધું કરશે ને અભિનય બાજુ પર કરશે? કરીના પણ આ દરમ્યાન મા બની અને તે ફરી ફિલ્મોમાં ન દેખાય તો કદાચ ચાલે. અનુષ્કા 33ની તો કરીના 41ની છે. જો કે કરીનાની તો બે ફિલ્મો આવી રહી છે ને હંસલ મહેતાની ફિલ્મમાં તે આવવાની છે. મતલબ કે તે તો કામે ચડી ગઇ, તો શું અનુષ્કાએ ઇનિંગ ડિકલેર કરવી છે?

Most Popular

To Top