એક સમય એવો હતો કે સાઉથની અભિનેત્રીની હિન્દી ફિલ્મોની કારકિર્દી જીતેન્દ્ર સાથે શરૂ થતી. હવે અજય દેવગણની અભિનેત્રીઓ પર નજર રાખજો. હિન્દી ફિલ્મોની કોઇ અભિનેત્રી પસંદ કરવાની હોય તો તે તબુને જ પ્રથમ પસંદ કરશે પણ એ સિવાય જો અભિનેત્રી હોય તો સમજવાનું કે તે સાઉથની હશે. ‘શિવાય’ ફિલ્મમાં સાયેશા, ‘હિંમતવાલા’માં તમન્ના ભાટિયા, ‘સીંઘમ’માં કાજલ અગ્રવાલ, ‘દે દે પ્યાર દે’માં રકુલ પ્રીત સીંઘ, ‘ભુજ: પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં પ્રણિતા સુભાષ અને હવે ‘મેદાન’માં કિર્થી સુરેશ, ‘ચાણકય’માં નયનતારા પછી ‘ભોલા’માં અમલા પોલને તેણે તક આપી છે.
અમલા પોલ તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોની ટોપની અભિનેત્રી છે. 2009ની ‘નીલાથમારા’થી તેણે આરંભ કરેલો અને જોતજોતામાં તે ચર્ચાસ્પદ અને સફળ અભિનેત્રી બની ગઇ. ‘સીંધુ સમાવેલી’ ફિલ્મમાં તેણે સુંદરીની ભૂમિકા ભજવેલી જેના સસરા સાથે સંબંધ હોય છે. તે સમજી ગયેલી કે વિવાદાસ્પદ બન્યા વિના લોકોની નજર આપણા પર જતી નથી. પછી તો મોહનલાલ, રામચરણ, અલ્લુ અર્જુન વગેરે સાથેની તેની ફિલ્મોએ બોક ઓફિસને ગજાવી. અત્યારે પણ તે ‘ક્રિસ્ટોફર’, ‘દ્વિજા’, ‘અદુજીવથમદ, ‘અધો અંધા પાર્વતી પોલા’માં કામ કરી રહી છે.
અજય દેવગણે ‘ભોલા’ ફિલ્મ કે જે તમિલ ફિલ્મ ‘કૈથી’નીરિમેક છે તેમાં અમલા પોલને પોતાની સાથે ચમકાવી રહ્યો છે. અજય હમણાં બે અભિનેત્રીઓવાળી ફિલ્મો બનાવે છે ત્યારે એક મુંબઇની અને બીજી સાઉથની અભિનેત્રી પસંદ કરે છે. ‘ભોલા’નો તે દિગ્દર્શક પણ છે અને ટી. સિરીઝ, રિલાયન્સ એન્ટરટેઇન્મેટ સાથે સહનિર્માતા પણ છે. 30 માર્ચ 2023માં રજૂ થનારી આ ફિલ્મ અમલાને નવી તક આપશે. અલબત્ત આ પહેલા અમલાએ હિન્દીમાં કામ કર્યું છે પણ તે રંજીશ હી સહી’ નામની વેબ સિરીઝ હતી જે મહેશ ભટ્ટના પરવીન બાબી સાથેના સંબંધ આધારીત હતી અને અમલાએ આમના પરવેઝના નાતે પરવીન બાબી ભૂમિકા જ ભજવેલી.
પણ ફિલ્મ તરીકે પ્રથમ ‘ભોલા’ છે. અમલા પોલ અજય દેવગણ સાથે હિન્દી ફિલ્મોમાં શરૂઆત કરવાથી ખુશ છે અને આ ફિલ્મમાં અજય દિગ્દર્શક પણ છે તેથી વધારે ખુશ છે. હમણાં વારાણસીમાં તેનું શૂટિંગ ચાલી રહ્યું છે ને અમલા તેમાં વારાણસીની યુવતી બની છે. પોતે મૂળ તમિલ ફિલ્મમાં ન હતી પણ તમિલ ફિલ્મમાં જે પાત્ર હતું તેને તે બરાબર જાણે છે એટલે હિન્દીમાં વધારે સરળતા ઉભી થઇ છે. મતલબ એ થયો કે આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય, દિપીકા પાદુકોણ, ક્રિતી સેનોન જો સાઉથની ફિલ્મોમાં કામ કરી રહી છે તો સાઉથની અભિનેત્રીઓ હિન્દીમાં કામ કરી રહી છે. અમલા પોતાની સફળતા માટે મહેનત કરનારી અભિનેત્રી છે એટલે ‘ભોલા’ પાસે તે અપેક્ષા રાખે છે. •