અજય દેવગને ફરી એક વખત સાબિત કરી દીધું કે તે મહેમાન કલાકાર તરીકે પણ મુખ્ય હીરો જેટલી પ્રશંસા મેળવી શકે છે. આલિયાની મુખ્ય ભૂમિકાવાળી ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ ની જેમ જ નિર્દેશક એસ.એસ. રાજામૌલીની ‘RRR’ માં નાની ભૂમિકા હતી અને એવી શંકા વ્યક્ત થતી હતી કે રામચરણ અને જુનિયર NTR જેવા દક્ષિણના સુપરસ્ટાર્સની ફિલ્મમાં તેની ખાસ નોંધ લેવાશે નહીં પણ આખી ફિલ્મમાં એની ભૂમિકા મહત્ત્વની હતી અને એણે જે રીતે નિભાવી એ જોઇને દર્શકોના પૈસા વસૂલ થઇ ગયા છે. અજયને ભૂમિકાઓની પસંદગી માટે દાદ મળી રહી છે. ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ માં ગંગુબાઇને શક્તિશાળી સ્ત્રી બનાવવા પાછળ રહીમ લાલાનો હાથ હતો. એ ભૂમિકા ભજવવા તેને રૂ.૧૧ કરોડ ચૂકવવામાં આવ્યા હતા. તેનું કારણ એ છે કે પાત્રમાં પ્રવેશ કરવા તે શૂટિંગના એક કલાક પહેલાં આવીને તૈયારી કરતો હતો. રોહિત શેટ્ટીની રણવીર સિંહની મુખ્ય ભૂમિકાવાળી ‘સિમ્બા’માં પણ તે છવાઇ ગયો હતો. આ વર્ષ અજય દેવગનનું રહેશે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આ વર્ષે રજૂ થયેલી મહેમાન ભૂમિકાવાળી બંને ફિલ્મો હિટ રહી છે અને OTT પરની પહેલી વેબસીરિઝ ‘રુદ્ર: ધ એજ ઓફ ડાર્કનેસ’ માં પણ તેને પસંદ કરવામાં આવ્યો છે ત્યારે હીરો તરીકે તેની અડધો ડઝન ફિલ્મો રજૂ થવાની છે. સૌથી પહેલી 29 મી એપ્રિલે અમિતાભ બચ્ચન સાથેની ‘રનવે 34’ આવશે. બીજી ફિલ્મ ‘મેદાન’ 3 જૂને આવશે. જેમાં તે ફૂટબોલ કોચ તરીકે દેખાશે. 15 મી જુલાઇએ રજૂ થનારી રણવીરસિંહની ‘સર્કસ’ માં અજય મહેમાન ભૂમિકામાં દેખાશે. ઇન્દ્રકુમારના નિર્દેશનમાં સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની ‘થેન્ક ગોડ’ 29 મી જુલાઇએ રજૂ કરવામાં આવશે. વર્ષના અંતમાં ‘દ્રશ્યમ-2’ આવશે. મલયાલમ ‘દ્રશ્યમ’ ની હિન્દી રીમેકની સફળતા પછી તેના બીજા ભાગની બહુ ઉત્સુક્તાથી રાહ જોવામાં આવી રહી છે. નિર્દેશક લવ રંજનની એક અનામ ફિલ્મમાં રણબીર કપૂર સાથે પણ અજય કામ કરી રહ્યો છે. નિર્દેશક રોહિત શેટ્ટી આ વર્ષે અજય સાથે ‘સિંઘમ 3’ નું શૂટિંગ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે. આજના યુવા હીરો સાથે અજય દેવગન સારી જમાવટ કરી રહ્યો છે. અક્ષયકુમારની ફિલ્મો મોટી સંખ્યામાં આવી રહી છે ત્યારે અજય કદાચ આ વર્ષે તેને દર મહિને સ્પર્ધા પૂરી પાડશે.
સંજય દત્ત કારકિર્દીના સૌથી ખતરનાક લુકમાં ડરાવી શકશે?
સંજય દત્ત મજબૂરીમાં ગુંડાની ભૂમિકાઓ કરી રહ્યો છે? આવો સવાલ થવાનું કારણ એ છે કે ‘ KGF: ચેપ્ટર 2’ ના પ્રચાર દરમ્યાન સંજય દત્તે કહ્યું હતું કે તે રોમેન્ટિક ભૂમિકાઓ કરવા માગે છે પરંતુ ગુંડાની જ ભૂમિકાઓ વધુ મળી રહી છે. જો કે, તેણે જ્યારે પણ વિલનની ભૂમિકા કરી છે ત્યારે પ્રભાવિત કર્યા છે. સંજયને ગુંડાની ભૂમિકાઓ કરવાનું ગૌરવ પણ છે. ફિલ્મની ‘અધીરા’ ની ભૂમિકા માટે તેણે ઘણી મહેનત કરી હતી. તેણે રોજ 25 kg વજનનો મેટલનો ડ્રેસ પહેરવો પડતો હતો. 62 વર્ષની ઉંમરે પણ તે વર્કઆઉટ કરે છે. કેન્સર સામેની લડાઇમાં જીત મેળવીને ફરી વ્યસ્ત થયેલા સંજય દત્તે મરતા દમ સુધી અભિનય કરવાની વાત કરી છે. કેન્સરમાંથી સ્વસ્થ થયા પછી ફિલ્મનું શૂટિંગ કરવાનું સરળ ન હતું. પરંતુ અભિનય પ્રત્યેના લગાવને કારણે જ કામ કરી શક્યો છે. તેને 45 વર્ષમાં કરેલી ભૂમિકાઓથી સંતોષ છે. ‘KGF ૨’ માં તેનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક લુક છે. સંજયે ભૂમિકા માટે જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું છે. તે બહુ ડરામણો લાગે છે. એમ કહેવાય છે કે સંજયને બહુ મોટો વિલન બનાવવામાં આવ્યો છે અને યશ તેની સામે કેવી રીતે જીતી શકશે એ જાણવાનું રસપ્રદ બની રહેશે. 14 મી એપ્રિલે રજૂ થનારી ફિલ્મના ટ્રેલરમાં ‘તલવાર ચલાકર ખૂન બહાકર જંગ લડના તબાહી નહીં, તરક્કી હોતી હૈ, ઉસમેં લાશેં બેકાર નહીં જાતી, ચાહીએ તો ગીધ્ધોં સે પૂછ લે’ જેવા દમદાર સંવાદ છે. ‘KGF 1’ ફિલ્મે સંજયને હચમચાવી દીધો હતો. ‘KGF 1’ થી બોલિવૂડમાં ઘણું બધું બદલાયું હતું. સંજય બોલિવૂડ અને ટોલિવૂડ જેવા ભાગ પાડવામાં માનતો નથી. તે માત્ર ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવા માગે છે. તે ‘KGF 2’ માં દક્ષિણના યશ સાથે કામ કરીને યુવા પ્રતિભાઓને આવકારી રહ્યો છે. તે કહે છે કે હું યશને જોઉં છું ત્યારે મારા યુવાનીના દિવસો યાદ આવે છે. યશ, રણબીર, રામચરણ, જુનિયર NTR અને યુવા અભિનેતાઓને જોઇને ગર્વ થાય છે. સંજય ‘KGF 2’ ઉપરાંત રવીના ટંડન સાથે જ પારિવારિક કોમેડી ફિલ્મ ‘ગુડચડી’, અક્ષયકુમારની ઐતિહાસિક ‘પૃથ્વીરાજ’ અને રણબીર કપૂરની ‘શમશેરા’ માં મહત્ત્વની- ભૂમિકાઓ નિભાવી રહ્યો છે.