વિશ્વમાં શસ્ત્રોનાં કારખાનાં ધમધમતાં રાખવા માટે યુદ્ધો કરાવવાં જરૂરી હોય છે. શસ્ત્રો બનાવતી બહુરાષ્ટ્રીય કંપનીઓ એટલી બધી શક્તિશાળી હોય છે કે તે પોતાનાં શસ્ત્રો વેચવા દેશોની સરકારોને પણ યુદ્ધ કરવા પ્રેરિત કરી શકે છે. દુનિયામાં આજે રશિયા-યુક્રેન, ઇઝરાયેલ-હમાસ અને હૌથી-યેમેન વચ્ચે યુદ્ધો ચાલી રહ્યાં છે ત્યારે વધુ એક યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ યુદ્ધ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેનું હશે. વર્તમાનમાં સોના અને ચાંદીના ભાવોમાં જે આગઝરતી તેજી દેખાઈ રહી છે, તેનું મુખ્ય કારણ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધની સંભાવના છે. જો ઇરાન ઇઝરાયેલ પર હુમલો કરે તો અમેરિકા ઇઝરાયેલની મદદે આવશે. બીજી બાજુ ઇરાનને ચીન જેવી મહાસત્તાનો ટેકો છે, માટે આ યુદ્ધ આગળ જતાં વિશ્વયુદ્ધમાં પણ તબદિલ થઈ શકે છે.
તા. ૧ એપ્રિલના રોજ ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની એમ્બેસી સંકુલ પર હવાઈ હુમલો કર્યો ત્યારથી ઈરાને ઈઝરાયેલ સામે બદલો લેવાની પ્રતિજ્ઞા કરી છે. ઈઝરાયેલના આ હુમલામાં ઈરાનના એક ટોચના જનરલ અને અન્ય છ ઈરાની સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. આનાથી ગાઝાયુદ્ધ દ્વારા પહેલેથી જ તણાવગ્રસ્ત પ્રદેશમાં તણાવ વધ્યો છે. જો કે ઈઝરાયેલે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું હતું કે ઈઝરાયેલને સજા થવી જ જોઈએ, કારણ કે તે ઈરાની ધરતી પર હુમલો કરવા સમાન હતું.
પેલેસ્ટાઈન પહેલાંથી જ ઈઝરાયેલ સામેના યુદ્ધમાં છે. હવે ઈરાન, લેબનોન અને ઈજીપ્ત જેવા દેશો પણ આ યુદ્ધમાં કૂદી શકે છે. આવી સ્થિતિમાં અમેરિકા, રશિયા અને ચીન પણ પ્રવેશ કરશે. બીજી તરફ ઈરાન પર હુમલાની સ્થિતિમાં ઈસ્લામિક દેશો એકત્ર થઈ શકે છે. હાલમાં ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા, પાકિસ્તાન-ઈરાન, પાકિસ્તાન-અફઘાનિસ્તાન, ચીન-તાઈવાન, ચીન-ફિલિપાઈન્સ અને ભારત-ચીન વચ્ચેનો તણાવ ચરમ બિંદુ પર છે. આવી સ્થિતિમાં જો ઈરાન ખરેખર ઈઝરાયેલ પર હુમલો કરે તો તેનાથી ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા વધી શકે છે.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ ૧૯૭૯ની સાલથી ચાલી આવે છે. ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ થઈ હતી ત્યારે ઈરાનમાં પશ્ચિમને પડકારતું નેતૃત્વ ઉભરી આવ્યું ત્યારથી ઈરાને ઈઝરાયેલને નષ્ટ કરવાની વાત શરૂ કરી દીધી હતી. ઈરાનનો આરોપ છે કે ઈઝરાયેલે મુસ્લિમોની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. ઈરાન પણ ઈઝરાયેલને એક દેશ તરીકે માન્યતા આપતું નથી. ઇઝરાયલ સામે તણાવનાં મૂળ પહેલેથી જ સ્થાપિત થઈ ગયાં હતાં, પરંતુ તે દરમિયાન ઇઝરાયેલ-હમાસ યુદ્ધે તેને વધુ ચિનગારી ચાંપી હતી. ઈરાન ગાઝા પર ઈઝરાયેલના હુમલાનો વિરોધ કરે છે. તેણે ઘણી વખત ઇઝરાયેલને ગાઝાયુદ્ધને રોકવા અથવા ઈરાની હુમલાનો સામનો કરવા માટે તૈયાર રહેવાનો પડકાર પણ આપ્યો હતો. હવે જ્યારે ઈઝરાયેલે સીરિયાના દમાસ્કસમાં ઈરાની દૂતાવાસ પર હુમલો કર્યો છે ત્યારે ઈરાનને યુદ્ધમાં કૂદી પડવાનો મોકો મળી ગયો છે.
ઈરાન દ્વારા ઈઝરાયલ વિરુદ્ધ સંભવિત કાર્યવાહી મધ્ય પૂર્વ સહિત સમગ્ર વિશ્વમાં ખનિજ તેલની કિંમત પર ગંભીર અસર કરી શકે છે. આ યુદ્ધ મધ્ય પૂર્વના ઘણા દેશોમાં વિસ્તરી શકે છે. તેલના ભાવમાં આગ લાગવાની સાથે ફુગાવો તેની ટોચે પહોંચી શકે છે. વિશ્વમાં ઊર્જા અને ખોરાકની મોટી કટોકટી આવી શકે છે. ઘણા દેશોમાં હજારો લોકોને ભૂખમરો જેવી પરિસ્થિતિનો સામનો કરવાની ફરજ પડી શકે છે. ખનિજ તેલનું બજાર અસ્થિર હોઈ શકે છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પહેલાંથી જ છેલ્લા છ મહિનાથી મધ્ય પૂર્વમાં અશાંતિ અને અસ્થિરતા ફેલાવી ચૂક્યું છે.
ગાઝા પટ્ટીમાં મૃત્યુ, વિનાશ અને તબાહીએ માનવતા માટે પણ એક મોટું સંકટ ઊભું કર્યું છે. ભારત સહિત તમામ દેશો મધ્ય પૂર્વના દેશોને લઈને એડવાઈઝરી જારી કરી રહ્યા છે. રશિયા અને જર્મનીએ ઈરાન અને ઈઝરાયેલ માટે તેમની ફ્લાઈટ રદ કરી દીધી છે. સાથે જ મધ્ય પૂર્વના દેશોને સંયમ રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયેલ અને ઈરાનને પણ ધીરજ રાખવાની અપીલ કરવામાં આવી છે.
આ યુદ્ધના જોખમને જોઈને ભારતે ઈરાન અને ઈઝરાયેલમાં રહેતા કે કામ કરતા પોતાનાં નાગરિકોને પણ એલર્ટ કર્યાં છે અને આ બંને દેશોમાં ન જવાની એડવાઈઝરી જારી કરી છે. વિશ્લેષકોનું કહેવું છે કે લગભગ ૧૮ હજાર ભારતીયો ઈઝરાયેલમાં અને ચાર હજાર ઈરાનમાં રહે છે. જો યુદ્ધ શરૂ થાય છે તો તેમને બહાર કાઢવાનો મોટો પડકાર હશે. તાજેતરમાં હજારો ભારતીય કામદારો ઈઝરાયેલ જવાની તૈયારી કરી રહ્યા છે. ઇઝરાયેલ ઇચ્છે છે કે લગભગ એક લાખ ભારતીય કામદારો પેલેસ્ટાઇનની જગ્યા ભરે. આ માટે ભારત અને ઈઝરાયેલની સરકારોએ હજારો ભારતીયોની ભરતી કરી છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલ ન જવા માટે ભારત દ્વારા જારી કરવામાં આવેલી આ એડવાઈઝરી આ ભારતીયો માટે મોટો ઝટકો છે.
યુએસ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા ૧૧ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલ રિપોર્ટ દર્શાવે છે કે ઇઝરાયેલ પર કોઇ પણ ઇરાની હુમલો મિસાઇલ, ડ્રોન અથવા બંનેના મિશ્રણ દ્વારા થઈ શકે છે. એજન્સીએ કહ્યું કે ઈરાનના ડ્રોન અને મિસાઈલ દળોને ઝડપથી વધારવામાં આવી રહ્યા છે. ઈરાન પાસે એવાં શસ્ત્રો છે જે ૨,૦૦૦ કિ.મી. સુધીના ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. વર્લ્ડ ફાયર પાવર ઈન્ડેક્સ અનુસાર ઈરાન વિશ્વનો ૧૪મો સૌથી શક્તિશાળી દેશ છે, જ્યારે ઈઝરાયેલ ૧૭મા નંબર પર છે. બંને દેશોની સેનાની વાત કરીએ તો ઈરાન પાસે ૬.૧૦ લાખ સક્રિય સૈનિકો છે, જ્યારે ઈઝરાયેલ પાસે માત્ર ૧.૭૦ લાખ સૈનિકો છે. એર પાવરમાં ઈઝરાયેલની સેના ઈરાન કરતાં આગળ છે. ફાઈટર જેટની વાત કરીએ તો ઈઝરાયેલ પાસે ૨૪૧ છે જ્યારે ઈરાન પાસે માત્ર ૧૮૬ છે. આમાં ઈઝરાયેલ પાસે દુનિયાના સૌથી શક્તિશાળી F-16 અને F-35 ફાઇટર જેટ એરક્રાફ્ટ પણ છે. જમીન દળોની સરખામણીમાં ઈરાન પાસે ઈઝરાયેલ કરતાં વધુ ટેન્ક છે. ઈઝરાયેલી ટેન્કની કુલ સંખ્યા ૧૩૭૦ છે જ્યારે ઈરાની ટેન્કની કુલ સંખ્યા ૧૯૯૬ છે. ઈઝરાયેલ પાસે ૬૫૦ ઓટોમેટિક આર્ટિલરી યુનિટ છે, જ્યારે ઈરાન પાસે માત્ર ૫૮૦ છે.
ઈરાનનું નૌકાદળ ઈઝરાયેલના નૌકાદળ કરતાં વધુ શક્તિશાળી છે. ઈરાન પાસે કુલ ૧૦૧ યુદ્ધજહાજોનો કાફલો છે, જ્યારે ઈઝરાયેલ પાસે માત્ર ૬૭ છે. સબમરીનની વાત કરીએ તો ઈરાન પાસે ૧૯ અને ઈઝરાયેલ પાસે પાંચ સબમરીન છે. ઈઝરાયેલ પાસે પણ પરમાણુ બોમ્બ હોવાનું માનવામાં આવે છે. જો ઈરાન હુમલો કરશે તો ઈઝરાયેલ તરત જ જવાબી કાર્યવાહી કરશે, જેને લઈને ઈરાન ચિંતિત છે. ઈરાન પાસે શહીદ ડ્રોન પણ છે, જે તે રશિયાને સપ્લાય કરે છે. ભારતની ચૂંટણીમાં બેરોજગારીનો મુદ્દો મહત્ત્વનું સ્થાન ધારણ કરી રહ્યો છે તેવી પરિસ્થિતિમાં ભારતનાં બેરોજગારોને ઇઝરાયેલ મોકલવાં પડે તે પણ ભારત સરકારની નિષ્ફળતાનો પુરાવો છે.
ભારત અને ઇઝરાયેલ વચ્ચે ભારતનાં મજૂરોની ભરતી બાબતના કરાર ગયા વર્ષના મે મહિનામાં થયા હતા. ત્યાર બાદ ઓક્ટોબરમાં હમાસ સાથે યુદ્ધ શરૂ થયું હતું. યુદ્ધના કારણે હજારો પેલેસ્ટીનીઓ ઇઝરાયેલ છોડીને ચાલ્યા ગયા હોવાથી ઇઝરાયેલમાં મજૂરોની તંગી પેદા થઈ હતી. ભારતે ઇઝરાયેલ સાથેની દોસ્તીના નાતે તે તંગી પૂરી કરવાનું બીડું ઝડપ્યું હતું. યુદ્ધ ચાલુ હતું તો પણ ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં ભારતનાં મજૂરોનો પહેલો જથ્થો ઇઝરાયેલ રવાના કરવામાં આવ્યો હતો. ભારતમાં તે માટે મજૂરોની ભરતીના કેમ્પ પણ લગાવવામાં આવ્યા હતા. ભારતમાં બેકારી વધી ગઈ હોવાથી નોકરીની આશામાં હજારો ભારતીય યુવાનો ઇઝરાયેલ પહોંચી ગયાં હતાં. હવે તેમની જિંદગી જોખમમાં છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.