નવસારી : ડોલવણ ગામના સાસરિયાઓએ પરિણીતા પાસે દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપી માર મારી ઘરમાંથી કાઢી મુકતા પરિણીતાએ સાસરિયાઓ વિરૂદ્ધ નવસારી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
- નવસારીની પરિણીતાએ પુત્રીને જન્મ આપતા ડોલવણના સાસરિયાઓ તિરસ્કારભર્યું વર્તન કર્યુ
- ‘તું છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાંખીશ’ કહી ધમકી આપતા પોલીસ ફરિયાદ
મળતી માહિતી મુજબ, નવસારી છાપરા રોડ પર બોલતીઘર સચ્ચિદાનંદ એપાર્ટમેન્ટના રામેશ્વરીબેનને તાપી જિલ્લાના ડોલવણ ગામે રહેતા હિતેશભાઈ રમેશભાઈ પટેલ સાથે પ્રેમ હતો. જેથી તેઓએ પરિવારજનોની જાણ બહાર લગ્ન કર્યા હતા. જોકે તેઓ બંને પોતાના ઘરે જ રહેતા હતા. ત્યારબાદ રામેશ્વરીબેનની માતાને લગ્નનું સર્ટિફિકેટ મળતા તેણીના લગ્ન વિશે જાણ થઈ હતી. જેથી રામેશ્વરીબેનના પરિવારજનોએ હિતેશભાઈના પરિવારજનોને ધામધૂમથી લગ્ન કરવા માટે પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ હિતેશભાઈના પરિવારજનોએ સ્વીકાર્યું ન હતું. જેથી હિતેશભાઈ રામેશ્વરીબેન સાથે ઘરજમાઈ બનીને રહેતા હતા. ત્યારબાદ તેઓએ હિન્દુ રીતરિવાજ મુજબ આશાપુરી મંદિરમાં લગ્ન કર્યા હતા.
લગ્ન જીવન દરમિયાન રામેશ્વરીબેને પુત્રીને જન્મ આપ્યો હતો. જે બાબતે હિતેશભાઈ રામેશ્વરીબેન સાથે ઝઘડો કરી માર માર્યો હતો. ત્યારબાદ ફરી રામેશ્વરીબેને પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ હિતેશભાઈ કોઈ જવાબદારી નિભાવતા ન હતા. હિતેશભાઈએ લગ્ન વખતે પિયરપક્ષ તરફથી મળેલા ઘરેણાં ગીરવે મૂકીને લોન લીધી હતી. દરમિયાન હિતેશભાઈના પરિવારજનો સાથે સમાધાન થઈ જતા રામેશ્વરીબેન પતિ હિતેશભાઈ સાથે તેના સાસરે રહેવા માટે ગઈ હતી. જ્યાં પતિ હિતેશભાઈ, સસરા રમેશભાઈ અને સાસુ લક્ષ્મીબેન રામેશ્વરીબેન સાથે ઝઘડો કરી ત્રાસ આપતા હતા.
પતિ હિતેશભાઈ કામધંધો કરતા નહીં હોવાથી રામેશ્વરીબેન પાસેથી દહેજની માંગણી કરી હતી. જેથી રામેશ્વરીબેનના પરિવારજનોએ 4 લાખ રૂપિયા આપ્યા હતા. જે રૂપિયાથી હિતેશભાઈએ ડોલવણમાં ઝેરોક્ષ, સ્ટેશનરી અને ટી-શર્ટ વેચાણની દુકાન ખોલી હતી. દરમિયાન ઝેરોક્ષની દુકાનમાં કામ કરવા આવતી મહિલા શીતલબેન સાથે આડાસંબંધ હોવાનું રામેશ્વરીબેને તેમના ઘરમાં નજરે જોયું હતું. જે બાબતે રામેશ્વરીબેન હિતેશભાઈને સમજાવતા હિતેશભાઈ અને શીતલબેને રામેશ્વરીબેનને માર માર્યો હતો.
જે બાબતે સસરા રમેશભાઈએ કહ્યું હતું કે, ‘મારો દીકરો તો પચ્ચીસ સાથે અફેર રાખશે, તારે રહેવું હોય તો રહે, નહીં તો જતી રહે’ તેમ કહી ઝઘડો કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ પતિ હિતેશભાઈએ રામેશ્વરીબેનને ‘તું છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાંખીશ’ તેવી ધમકી આપી હતી. આ બાબતે રામેશ્વરીબેને નવસારી મહિલા પોલીસ મથકે પતિ, સસરા, સાસુ અને શીતલબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.એલ. પટણી કરી રહ્યા છે.