વડોદરા: મકરપુરા વિસ્તારમાં મધ્યમ વર્ગના પરિવારમાં પુત્રના લગ્નના તદ્દન ટુક સમય બાદ ગૃહકલેશ સર્જાતા પુત્રવધૂ ને માતા પિતા તુલ્ય સાસુ-સસરા પણ બોજારૂપ લાગવા લાગ્યા હતા. રોજરોજના ઝઘડાનો અંત લાવવા માટે મનોજ પત્ની કવિતાને લઇ અલગ રહેવા જતો રહ્યો હતો. એકના એક પુત્ર ના દુર્વ્યવહાર થી પારાવાર દુઃખી થઈ ગયેલા મોભીનું અકાળે અવસાન થતા આધેડ ઉંમરે જ પત્ની એકલા પડી ગયા.પતિના પેન્શનના સહારે પોતાનું ગુજરાન ચલાવીને એકલી અટૂલી પત્નિ જિંદગી પસાર કરી રહી હતી. છતા પણ અલગ રહેતી પુત્રવધૂનો ત્રાસ ઓછો થયો ન હતો. માથાભારે પુત્રવધુ અવાર-નવાર માતા સમાન સાસુનું અપમાન કરી ઝઘડો કરતી હતી.
ભાદરવા માસમાં શ્રાદ્ધના દિવસો ચાલતા હોવાથી એકનો એક પુત્ર મૃતક પિતા અને પૂર્વજોને શ્રાદ્ધ અર્પણ કરે તેવી માતાએ ઈચ્છા વ્યક્ત કરીને દીકરાને જણાવ્યું હતું , માં બાપના તમામ ઋણ ચૂકવવાના બદલે પુત્રે જણાવી દીધુ કે હુ આવી અંધશ્રદ્ધામાં માનતો જ નથી. અશ્રુભરી આંખે માતાએ હાથ જોડીને અનેક વખત આજીજી કરી, ત્યારે પુત્રએ જણાવ્યું હતું કે, મારે ઘેર સમય મળશે એટલે વિધિ કરીશ. પરંતુ, માતાને શ્રાદ્ધ પક્ષમાં જ વિધિ કરાવવી હતી અને આ અગાઉ તેમનાં પતિ જીવિત હતા, ત્યારે તેઓ પણ આજ સમયે વિધિ કરતા હતા.
જેથી તેઓને શ્રાદ્ધ પક્ષમાં વિધી કરાવવી હતી. વિધવાએ પોતાના પુત્રને સમજાવવા માટે અભયમ ટીમને ફોન કરીને મદદ માંગી હતી. અભયમ ટીમે પુત્રને જણાવ્યું હતું કે, અમે આ વિધિ કરવા દબાણ કરતા નથી. પરંતુ, માતાની શ્રદ્ધા છે. તો તેમને શાંતિ મળે અને ધાર્મિક વિધિ કર્યાંનો સંતોષ મળે તે માટે પણ માતાનું માન રાખવું જોઇએ. જેથી દીકરો વિધિ કરવા માટે તૈયાર થયો હતો. અભયમ ટીમે માહિતી મેળવી તેઓને જણાવ્યું હતુ કે, આપની અનુકૂળતા હોય તો અમાસનાં દિવસે સર્વ પિતૃઓનું શ્રાદ્ધ આવે છે. તે દિવસે પણ વિધિ કરી શકાય.આ ઉપરાંત માતા એકલાજ છે. તેમની કાળજી લેવી અને સાથે રાખવા તેવી ફરજનું પુત્ર પુત્રને ભાન કરાવતા પુત્ર પણ માની ગયો હતો.