સંતરામપુર તા.17
સંતરામપુરના આંજણવા ગામમાં પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે સંતરામપુર પોલીસે પતિ – સાસુ સામે ગુનો નોંધ્યો હતો.
બાલાસિનોરમાં રહેતા બળદેવભાઈ મોહનભાઈ મહેરાની દિકરી ઉષાબહેનના લગ્ન 23મી મે, 2021ના રોજ સંતરામપુર તાલુકાના આંજણવા ગામમાં રહેતા જયંતિ મોહનભાઈ ભોઇના દિકરા હાર્દિક સાથે કર્યાં હતાં. હાર્દિક હાલોલ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આ લગ્ન બાદ ઉષાબહેન સાસુ, સસરા અને પતિ સાથે રહેતાં હતાં. ઉષાબહેનને સને 2023ના વર્ષમાં દિકરીને જન્મ પણ આપ્યો હતો. પરંતુ તે મૃત્યુ પામી હતી. આ ઘટનાની દોઢેક મહિના પછી ઉષાબહેન અને હાર્દિક લુણાવાડા ભોઇવાડામાં ભાડે રહેવા ગયાં હતાં. દરમિયાનમાં 7મી ડિસેમ્બર,23ના રોજ સવારના ઉષાબહેને તેમના પિતા બળદેવભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, મારા પતિ ચાર દિવસથી નોકરી પરથી ઘરે આવતાં નથી. લુણાવાડા રહેવા આવ્યા ત્યારથી તે ખોટા ખોટા વહેમ રાખી માનસિક ત્રાસ આપી રહ્યા છે. આથી, તેના પિતાએ બાલાસિનોર બોલાવી લીધાં હતાં. બાદમાં સમાધાન કરી ઉષાબહેનને સાસરીમાં લઇ ગયાં હતાં. દરમિયાનમાં ઉત્તરાયણના દિવસે સવારના નવેક વાગે ઉષાબહેનનો ફોન આવ્યો હતો. જેમાં તેઓ રડતા હતા અને જણાવ્યું હતું કે, સાસુ અને પતિ તુ અહીયા શું કામ આવી છે ? તેવી બોલી મને ત્રાસ આપે છે. તેમ જણાવ્યું હતું. આથી, પિયરીયા તુરંત તેમની સાસરીમાં પહોંચ્યાં હતાં. જ્યાં સમજાવટથી કામ લીધું હતું. પરંતુ 16મી જાન્યુઆરીના રોજ ફરી હાર્દિક અને ઉષાબહેન વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં હાર્દિકે તું અહીયા કેમ આવી છે ? તું અહીંયાથી જતી રહે મારે તને રાખવી નથી. તેમ કહી અવાર નવાર ફોન કરી ત્રાસ આપતો હતો. આથી, તેના પિતા બળદેવભાઈએ બે દિવસ બાદ લેવા આવવાનું કહ્યું હતું. પરંતુ થોડા સમય બાદ ઉષાબહેનને સાસુએ ફોન કરી જણાવ્યું કે ઉષાબહેને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આથી, ચોંકી ગયેલા તેના પિતા તાત્કાલિક બાલાસિનોરથી નિકળી સંતરામપુર પહોંચ્યાં હતાં. આ અંગે તેઓએ સંતરામપુર પોલીસ મથકે હાર્દિક જયંતી ભોઇ અને સુમીતાબહેન જયંતી ભોઇ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લગ્નજીવનમાં ઉષાબહેનને સાત મહિને એક દિકરીનો જન્મ પણ થયો હતો. પરંતુ તેનું અવસાન થયું હતું.
સંતરામપુરમાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
By
Posted on