વડોદરા : છેલ્લા કેટલાક સયમથી ગેસની બોટલ બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાક લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે એક વિચિત્ર અને દુ:ખદ ઘટના સામે આવી છે જેમાં ગેસ લાઈન લીકેજ થતા ધડાકો થયો હતો. જેમાં ગેસ લાઇનમાં લીકેજ બાદ થયેલા ધડાકા મા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા માતા પુત્રને સારવાર અર્થે ખસડેવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 3 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,શનિવારે મોડી રાત્રે ગોત્રી વિસ્તારમાં આવેલા ચંદ્વમોલેશ્વર નગરમાં આવેલા એક મકાનની ગેસ લાઈનમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થયો તે સમયે ઘરમાં માતા અને 3 વર્ષનો પુત્ર હાજર હોવાથી ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી ગંભીર રીતે દઝાયેલા માતા-પુત્રને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે વહેલી સવારે ૩ વર્ષીય વિવાન બારોટનું અકાળે મોત નિપજયું છે. તબિબો દ્વારા બાળકની સતત સારવાર કરવામાં આવી હોવા છતાં તેને બચાવી શક્યા નહોતા.
મહત્વનું છે કે, ગઈકાલે મોડી સાંજે બનેલી ઘટના અંગે જાણ થતા આસપાસના લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઘરમાં લાગેલી આગને કાબૂ કરી હતી. જે બાદ ફાયરના અધિકારીઓ સયાજી જનરલ હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા હતા. જે બાદ ઈજાગ્રસ્ત લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ગઈકાલ સાંજ સુધી માતા અને પુત્રની સ્થિતિ સ્થિર હતી. જો કે, આજે વહેલી સવારે 3 વર્ષીય વિવાન બારોટનું મોત થયું છે. જ્યારે માતાની હજી પણ સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ બાળકના મૃત્યુ બાદ સયાજી હોસ્પિટલના તંત્ર દ્વારા પોસ્ટમોટર્મની કાર્યવાહી હાથ કરવામાં આવી છે.