સંતરામપુર: સંતરામપુર નગરમાં વિકાસના કામો અંગેની દર વર્ષે અધધધ.. નાણાં નગરપાલિકામાં આવે છે. પરંતુ આ વિકાસના કામો ગુણવતતાયુકત, ટકાઉ અને પ્લાન એસ્ટીમેન્ટ મુજબ નહીં કરાતાં હોવાનો આક્ષેપો થઇ રહ્યાં છે. આથી, તાત્કાલિક ઉચ્ચસ્તરીય ટીમ નીમી કામોની ગુણવત્તાની તપાસ કરવા નગરજનોમાં માગણી ઉઠી છે.
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં.1માં હાલ કુરેટા રોડથી સંત જુના તળાવમાં પાણી લઈ જવાની નહેરની કામગીરી મંજુર થતાં આ નહેરની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર દ્વારા મીલીભગતથી આ નહેરની કામગીરી વ્યવસ્થિત કરી ન હોવાનો ગણગણાટ ઉભો થયો છે. આ કામગીરીમાં વપરાયેલી સીમેન્ટ, લોખંડ હલકી કક્ષાનો વપરાતાં સામાન્ય વરસાદના પાણીથી આ નહેરનો કેટલોક ભાગ અચાનક ધરાશયી થઈ જતાં આ નહેરની કામગીરીની પોલ ખૂલી પડી ગઈ છે. આ તુટી ગયેલી નહેરના ભાગને તાબડતોબ યુદ્ધના ધોરણે કોઈને બનાવની જાણ થાય નહીં તે રીતે મીલીભગત હેઠળ રીપેરીંગની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરી દેવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
સંતરામપુર નગરમાં કરોડો રૂપિયા ખર્ચીને હાલમાં જ બનેલા કોમ્યુનીટી હોલના બાંધકામની કામગીરી પણ હલકી કક્ષાની અને ગુણવતતાયુકત નહીં જણાતી હોઈ આ કોમ્યુનિટિ હોલ નગરપાલિકા સંતરામપુર દ્વારા મંજુર કરેલા પ્લાન, એસ્ટીમેન્ટ મુજબની કામગીરી થઇ છે કે કેમ ? તેની ચકાસણી કરાય તેવી પણ માંગ ઉઠી છે અને આ કોમ્યુનીટી હોલની પ્લાન એસ્ટીમેન્ટ મુજબની કામગીરી કોઈ બાકી રહેલ છે કે કેમ ? તેની ચકાસણી કરાય તેની પણ માંગ ઉઠી છે. વોર્ડ નં. 1 સંતમાં પ્રાથમિક શાળાની પાછળ આવેલી કોતર પર સંરક્ષણ દિવાલની કામગીરી કરાઇ છે. તે કામગીરીમાં સરકાર દ્વારા કરોડો રૂપિયા આ યોજનામાં અપાયેલાનું નગરમાં ચર્ચાઇ રહ્યું છે. આ કામગીરી બરાબર થયેલી ન હોવાથી આ સંરક્ષણ દિવાલની ગુણવત્તાની અને આ કામગીરી કામના પ્લાન એસ્ટીમેન્ટ મુજબનું કામ થયેલું છે કે કેમ ? તેની ચકાસણી કરાય તેની પણ માંગ ઉઠી છે.