Sports

કોહલીએ આ વેસ્ટ ઈન્ડિઝ પ્લેયરની માતાનું સપનું પૂર્ણ કર્યું, મેચ બાદ ભેટી પડ્યો

નવી દિલ્હી: ભારત (India) અને વેસ્ટ ઈન્ડિઝ (WI) વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 1-0થી આગળ છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 438 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ (Virat Kohli) સૌથી મોટી ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીએ તેની 500મી મેચમાં 76મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. વિરાટ કોહલી માટે આ ક્ષણ ખૂબ જ ખાસ હતી કારણકે આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. આ મામલામાં તેણે સચિન તેંડુલકરને પણ પછાડી છોડી દીધો છે. વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની ઇનિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે. મેચ પુરી થયા બાદ કોહલી WIની પ્લેયરની માતાને મળ્યો હતો. વિરાટને જોઈને ખેલાડીની માતા ઈમોશનલ થઈ ગઈ હતી.

આ ખેલાડીની માતા રડી પડી
વિરાટ કોહલીએ પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં 121 રન બનાવ્યા હતાં. મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર જોશુઆ ડા સિલ્વાએ વિરાટ કોહલીને કહ્યું હતું કે તે ઈચ્છે છે કે તે આ મેચમાં સદી ફટકારે. તેણે એમ પણ કહ્યું કે તેની માતા વિરાટ કોહલીને જોવા માટે જ સ્ટેડિયમમાં આવી છે. વિરાટ કોહલીને જોવા માટે સ્ટેડિયમમાં આવેલી જોશુઆ ડા સિલ્વાની માતાએ પહેલા જ તેના પુત્રને કહી દીધું હતું કે તે માત્ર વિરાટ કોહલી માટે જ સ્ટેડિયમમાં આવી રહી છે. હવે તેનું બીજું સપનું સાકાર થયું છે. મેચ પુરી થયા બાદ જોશુઆ ડા સિલ્વાની માતા વિરાટ કોહલીને મળ્યા અને તેમને મળ્યા બાદ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું વિરોધી ટીમના ખેલાડીઓ હોવાં છતાં તેઓ અને તેમના પરિવારના સભ્યો વિરાટ કોહલીના ફેન છે.

વિરાટને મળ્યા બાદ જોશુઆની માતાએ શું કહ્યું?
વિરાટ કોહલીને મળવા સ્ટેડિયમ પહોંચેલી જોશુઆ ડા સિલ્વાની માતાએ તેને ગળે લગાવી અને તેની શાનદાર બેટિંગ બદલ અભિનંદન પાઠવ્યા હતાં. વિરાટ કોહલીને મળ્યા બાદ તેની માતાએ કહ્યું કે તે અને તેનો પુત્ર જોશુઆ વિરાટ કોહલીના મોટા પ્રશંસક છે. તે તેના માટે એક મોટી ક્ષણ હતી. તેની માતાએ પણ કહ્યું કે વિરાટ તેના દેશમાં ક્રિકેટ રમી રહ્યો છે તે ખૂબ જ સારી વાત છે. આ સિવાય BCCIએ વિરાટ કોહલીને લઈને તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં ફેન્સ વિરાટ કોહલીની બેટિંગના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

Most Popular

To Top