Comments

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અદાણી અને અંબાણી એન્ડનાં નામ શા માટે ભૂંસી નાખવામાં આવ્યાં?

ક્રિકેટમાં જે બે છેડેથી બોલરો બોલિંગ કરે છે તેના સામાન્ય રીતે નામો હોય છે. આ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના કિસ્સામાં પેવેલિયન અને નર્સરી એન્ડ્સ છે. લંડનના અન્ય મહાન મેદાન, ધ ઓવલના એક છેડાનું નામ પણ સભ્યોના પેવેલિયનના નામ પરથી રાખવામાં આવ્યું છે, જ્યારે બીજા છેડાનું નામ તેમના નજીકના ભૂગર્ભ સ્ટેશન, વોક્સહોલના નામ પર રાખવામાં આવ્યું છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપણી પાસે અનુક્રમે મેમ્બર્સ એન્ડ અને ગ્રેટ સધર્ન સ્ટેન્ડ છે.

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પેવેલિયન એન્ડ અને હાઈકોર્ટનો છેડો જોવા મળે છે. આવાં શ્રેષ્ઠ નામો ઓલ્ડ ટ્રેફોર્ડમાં હોઈ શકે છે, જેના અંતમાં બે મહાન ઝડપી બોલરોનું સન્માન કરવામાં આવે છે, જેમનું આ હોમ ગ્રાઉન્ડ હતું. અર્થાત્… બ્રાયન સ્ટેથમ અને જિમી એન્ડરસન. ઓછા આકર્ષક હતા, પરંતુ આમ છતાં સમજી શકાય તેવા અને કદાચ એ હકીકતને ધ્યાનમાં રાખીને કે રમતને પ્રાયોજકોની આવશ્યકતા છે. વાનખેડે સ્ટેડિયમના બે છેડાનાં નામ, અનુક્રમે ગરવારે અને ટાટા છે.

જે બે છેડાથી બોલરો બોલિંગ કરે છે તેને વિશેષ નામો આપવાથી ઓછામાં ઓછા ત્રણ ઉદ્દેશો પૂરા થાય છે. સૌ પ્રથમ તે દર્શકોને મેદાન પર પહોંચવામાં, જે ચોક્કસ સ્ટેન્ડમાં તેમની ટિકિટ મળી છે ત્યાં તેમની બેઠકો શોધવામાં મદદ કરે છે. બીજું, તે ગ્રાઉન્ડ પર ન હોય તેવા ચાહકો માટે પ્રસારિત કોમેન્ટ્રીને વધુ રંગીન બનાવે છે. ખાસ કરીને લાઇવ ટેલિવિઝન પહેલાંના દિવસોમાં, ઓવલ ખાતેની એક ટેસ્ટ મેચ દરમિયાન રેડિયો પર એક બોલરનું ‘વોક્સહોલ એન્ડ તરફથી આવતાં…’ સાંભળવું અદ્ભુત હતું. ત્રીજું, ખેલાડીઓને, ખાસ કરીને ટીમના કપ્તાનને મદદ કરે છે, જેઓ સ્થાનિક ભૂસ્તરશાસ્ત્ર અને માઇક્રોકલાઇમેટના જ્ઞાનથી જાણે છે કે, મેચના કયા તબક્કે, કયા પ્રકારના બોલરની તરફેણ કરી શકાય છે.

ક્રિકેટ સ્ટેડિયમના છેડા પર જે નામો લખેલાં હોય છે તે જરૂરી નથી કે તે પથ્થર પર લખેલાં હોય. તેઓ બદલી શકે છે અને ક્યારેક બદલે પણ છે. ચેન્નાઈની ઉત્તરે બે હજાર માઇલ દૂર રહીને (રેડિયો પ્રસારણ અને પ્રિન્ટના પુરાવાઓ પરથી) મને જાણ થઈ હતી કે ચેપોક સ્ટેડિયમનો એક છેડો ‘વાલાજાહ રોડ’ એન્ડ તરીકે ઓળખાતો હતો. નામે આકર્ષણ અને રહસ્ય બંને જન્માવ્યાં અને મને યાદ છે કે મેં અનુભવેલ ખાસ રોમાંચ જ્યારે પાંત્રીસ વર્ષનો એક પુખ્ત વ્યક્તિ હોવાના નાતે હું ચેન્નાઈમાં એક ઓટો-રિક્ષામાં ચડ્યો, જે મને વાલાજાહ રોડ સુધી લઈ ગયો. કેટલાંક વર્ષો પહેલાં તમિલનાડુ ક્રિકેટ એસોસીએશને ભૂતપૂર્વ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટરની યાદમાં વાલાજાહ રોડ એન્ડનું નામ બદલીને વી.પટ્ટાભિરામન રાખવાનું પસંદ કર્યું હતું. જો કે, કારણ કે તે લોકકથાઓ અને લોકપ્રિય ચેતનામાં અંકિત છે. આથી જૂના નામનો ઉપયોગ થતો રહ્યો છે.

જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 2021માં જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને તે વર્ષના ફેબ્રુઆરીમાં તેની પ્રથમ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમને જાણવા મળ્યું હતું કે બે છેડાને અદાણી અને અંબાણી નામ આપવામાં આવ્યું હતું. આ શોધે મારામાં આનંદ, આક્રોશનું વિચિત્ર મિશ્રણ ઊભું કર્યું. તાજેતરનાં વર્ષોમાં આ બે ઉદ્યોગપતિઓ માટે પહેલેથી જ નોંધપાત્ર ટીકાત્મક ટિપ્પણીઓ થઈ હતી. ભારત સરકારના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ, દેશમાં પ્રચલિત ‘કલંકિત મૂડીવાદના 2એ મોડલ’નો ઉલ્લેખ કરવા સુધી ગયા હતા. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારની નીતિઓને ‘હમ દો, હમારે દો’ તરીકે બોલતા જૂના કુટુંબ નિયોજન સૂત્ર પર ચતુરાઈપૂર્વક પ્રહારો કર્યા હતા.

ટેલિવિઝન પર નવા અમદાવાદ સ્ટેડિયમમાં તે પ્રથમ ટેસ્ટ જોતાં મેં જોયું કે તેના સ્પોન્સર્સની ઓળખ સ્કોરબોર્ડની ઉપરના કાંકરેટ પર દરેક છેડે એક-એક દેખાતી હતી. તેમની ઉપર મોટા અક્ષરે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ લખેલું હતું. આ રીતે આ બંને ઉદ્યોગપતિઓનાં નામ જાહેરમાં વડા પ્રધાનના નામ સાથે જોડવામાં આવ્યાં હતાં. હું ટેસ્ટ ક્રિકેટનો પક્ષધર છે, જે ઇન્ડિયન પ્રીમિયર લીગ જોતો નથી. આથી હું એ બાબતની પુષ્ટિ કરી શકતો નથી કે આઈપીએલ 2022 દરમિયાન જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ હતું અને ટૂર્નામેન્ટની ફાઇનલ પણ હોસ્ટ કરવામાં આવી હતી.

જો કે, જ્યારે આગામી માર્ચ 2023ના બીજા સપ્તાહમાં ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં ટેસ્ટ મેચ યોજાઈ હતી ત્યારે મને જાણવા મળ્યું કે જ્યારે અદાણી એન્ડ હજી પણ અકબંધ હતો ત્યારે હવે અંબાણી એન્ડનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તેને જિયો એન્ડ કહેવામાં આવતું હતું. આ પુનઃબ્રાંડિંગનું એક કલાત્મક કાર્ય હતું, જેણે વ્યાવસાયિક ઉત્પાદનને સામે અને કેન્દ્રમાં રાખ્યું હતું, જ્યારે તે કુટુંબને દૂર રાખ્યું હતું. એવું લાગતું હતું કે, અંબાણી હવે મોદી સાથે હવે આટલા સીધા જોડાયેલા રહેવા માંગતા નથી. જો કે, અદાણી કનેક્શનને સાર્વજનિક રાખવામાં સંતુષ્ટ જણાતા હતા, પરંતુ વફાદારીના ચિહ્ન છે કે અભિમાનનું તે કોઈ કહી શકતું નથી.

હું આઈપીએલને ધિક્કારતો હોવા છતાં હું ક્યારેક-ક્યારેક દેશો વચ્ચે મર્યાદિત ઓવરોની મેચ જોઉં છું. હું આ વર્લ્ડ કપની શરૂઆતની મેચ ચૂકી ગયો હતો, પરંતુ 14મી ઑક્ટોબરના શનિવારે ભારત પાકિસ્તાન સામે રમ્યું ત્યારે કેટલાક કલાકોની રમત જોઈ હતી. મેં રસપૂર્વક નોંધ્યું કે, અમદાવાદ સ્ટેડિયમના બે છેડા હવે કોઈ નામ ધરાવતા નથી. સાઇટસ્ક્રીન, જેમાં એક સમયે અનુક્રમે ‘અદાણી એન્ડ’ અને ‘અંબાણી/જિયો એન્ડ’ હતા, તે કોઈ પણ અક્ષર વગર સફેદ હતી. બીજી તરફ, ઉપરના સ્તર પરના કોંક્રીટમાં ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ હજી પણ ભવ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

અદાણી અને અંબાણી નામો આ અચાનક ભૂંસી નાખવા વિશે ઘણા પ્રશ્નો છે, જે ક્રિકેટપ્રેમી કે જેઓ સત્ય શોધનાર પણ છે તે પૂછવા માંગે છે. અદાણી અને અંબાણીએ આ છેડાઓને પોતાના રાખવા માટે પ્રારંભિક વિશેષાધિકાર માટે કેટલી ચુકવણી કરી? જ્યારે પાછળથી તેમનાં નામ દૂર કરવામાં આવ્યાં ત્યારે શું તેમને કંઈ વળતર આપવામાં આવ્યું હતું? શું આ અંગે તેઓની સલાહ પણ લેવામાં આવી હતી? જેને એક વાર અમદાવાદ સ્ટેડિયમમાં આટલી હિંમતભેર પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં તે નામો ક્રિકેટ, બિઝનેસ અને રાજકારણ વચ્ચેનાં જોડાણો સંપૂર્ણપણે ભૂંસી નાખવા પાછળ કોણ જવાબદાર હતું? સંભવ છે કે અદાણી અને અંબાણીના અંતને ખતમ કરવાનો વિચાર વડા પ્રધાન કાર્યાલયમાંથી આવ્યો હોય, સંબંધિત ઉદ્યોગપતિઓ તરફથી નહીં. આથી કદાચ બે વ્યક્તિગત ઉદ્યોગપતિઓ સાથે વડા પ્રધાનના આ જાહેર જોડાણને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લોર્ડ્સ, ઓલ્ડ ટ્રેફોર્ડ, ઈડન ગાર્ડન્સ અને ચેપોકની જેમ અમદાવાદના મુખ્ય ક્રિકેટ સ્ટેડિયમમાં પણ એક સમયે ચોક્કસ નામ ધરાવતા બે છેડા હતા. તે હવે નથી. શું આ સ્થિતિ ચાલુ રહેશે? અથવા જેઓ ગુજરાત અને ભારતમાં ક્રિકેટ ચલાવે છે તેઓ જે ઉદ્યોગપતિઓ સાથે તેમની પોતાની પ્રતિષ્ઠા જોડવામાં ખુશ હતા તેમના માટે અન્ય વિકલ્પ શોધી શકશે? એક ક્રિકેટપ્રેમી મિત્રનું માનવું છે કે અમદાવાદમાં હવે બે અંતિમ છેડાનું નામ ગુજરાતી મૂળના બે મહાન ક્રિકેટરો વિનુ માંકડ અને કે.એસ. રણજીતસિંહજીના નામ પર હોવા જોઈએ. અન્ય (અને રાજકીય રીતે વધુ સતર્ક) મિત્ર માને છે કે મત આકર્ષિત કરવાનાં કારણોસર મોદી શાસન તેમના બદલે આંબેડકર અને સાવરકરના નામ પર નામ રાખવાનું પસંદ કરી શકે છે.

 સ્ટેડિયમનું નામકરણ શું હોવું જોઈએ. સાર્વજનિક ખુશામતનાં આવાં પ્રદર્શનો અગાઉ હિટલરનું જર્મની, સ્ટાલિનનું રશિયા અને કિમ ઇલ સુંગના ઉત્તર કોરિયા જેવા સરમુખત્યારશાહી શાસન સુધી જ મર્યાદિત હતાં, જ્યાં સત્તામાં સરમુખત્યારનાં નામો રાખવા માટે રમતગમતનાં સ્થળો બનાવવામાં આવ્યાં હતાં. લોકશાહી હોવાનો દાવો કરતા દેશમાં આવું પહેલાં ક્યારેય શક્ય નહોતું.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top