નવી દિલ્હી: કોવિડ મહામારીથી બચવા ઉપયોગમાં લેવાયેલી કોવિશિલ્ડ વેક્સિન માટે ઈશ્યુ કરાયેલા CoWIN સર્ટિફિકેટ્માંથી એકાએક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો છે. તાજેતરમાં ઉઠેલા વિવાદ બાદ વડાપ્રધાનનો મોદો સર્ટીફિકેટ પરથી દૂર કરાતા તરેહ તરેહની ચર્ચા ઉઠી છે. આખરે આ મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી છે.
સેન્ટ્રલ હેલ્થ ડિપાર્ટમેન્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવીને કોવિડ-19 રસીકરણ માટેના કો-વિન (CoWIN) પ્રમાણપત્રોમાં અનેક ફેરફાર કર્યા છે. અગાઉ આ પ્રમાણપત્રોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે કોરોના વાયરસને કાબુમાં લેવા માટે ભારતના સામૂહિક સંકલ્પની પુષ્ટિ કરતા અવતરણનો સમાવેશ થતો હતો જેમાં લખ્યું હતું, ‘સાથે મળીને, ભારત કોવિડ-19 સામે લડશે.
હવે આ પ્રમાણપત્રોમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને નામ હટાવી દેવામાં આવ્યા છે. ટ્વિટર યુઝર્સ એવું અનુમાન લગાવી રહ્યાં છે કે વેક્સિનના સર્ટિફિકેટમાં ફેરફાર કોવિશિલ્ડની આડઅસરોના અહેવાલ બહાર આવ્યા તેના લીધે કરાયો છે, જે એસ્ટ્રાઝેનેકા સાથેના લાયસન્સિંગ કરાર હેઠળ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) દ્વારા બનાવવામાં આવી હતી.
ભારતમાં ઘણા લોકોએ તેમના વેક્સિન સર્ટિફિકેટ તપાસ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ સતત ચર્ચા કરી રહ્યા છે કે હવે કો-વિન (CoWin) સર્ટિફિકેટમાં વડા પ્રધાન મોદીની કોઈ તસવીર નથી. ઘણા યુઝર્સે આ બાબતે ટ્વિટ પણ કરી છે.
જો કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારીઓએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે કે ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે લાગુ કરવામાં આવી રહેલી આદર્શ આચાર સંહિતા ના લીધે વેક્સિનના સર્ટિફિકેટ્સમાંથી પીએમ મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે કોવિડ રસીકરણ સર્ટિફિકેટ્માંથી મોદીની તસવીર હટાવવામાં આવી હોય. 2022માં પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં ઈશ્યૂ કરાયેલા રસીકરણ પ્રમાણપત્રોમાંથી મોદીનો ફોટો પણ દૂર કરવામાં આવ્યો હતો. તે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આ કાર્યવાહી ફરજિયાત કરવામાં આવી હતી.