Comments

શિક્ષણજગતના પ્રશ્નો પરત્વે સભાનતા કેમ નથી!

શિક્ષણના પાયામાં તર્ક છે, જિજ્ઞાસા છે, પ્રશ્ન છે અને આપણને ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જે  ચાલે છે તે વિષે કોઈ પ્રશ્ન જ નથી થતો. ક્યારેક તો એવું લાગે છે કે અત્યારે સમાજને  શિક્ષિત કરવા વાલીઓને જગાડવા શાળાઓ શરૂ કરવી જોઈએ. ગુજરાતમાં બારમા સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આમ તો કોરોનાને કારણે  માસ પ્રમોશન અપાયું છે પણ માર્કશીટ મળવાની છે. ટકા આવવાના છે અને આ માર્કસ,  આ ટકા નક્કી કરવાની સરકારે ફોર્મ્યુલા જાહેર કરી છે. સરકારના શિક્ષણ વિભાગે જાહેર  કરેલી ફોર્મ્યુલા વિષે ક્યાંય ચર્ચા નથી થઈ તે આશ્ચર્યકારક છે. આખી ફોર્મ્યુલામાં  પરિણામનો મુખ્ય આધાર દસમાના બોર્ડનું પરિણામ છે. હવે દસમાના બોર્ડની પરીક્ષાઓ  માધ્યમિક શિક્ષણને અંતે આવે છે. પાંચ વર્ષ પછી શાળામાં દાખલ બાળક પંદર વર્ષનો થાય  ત્યારે આવે છે અને દસમા ધોરણમાં જનરલ એજ્યુકેશન હોય છે. આર્ટસ, કોમર્સ, સાયન્સ  એમ પ્રવાહ હોતા નથી.

દુનિયાભરના શિક્ષણવિદો માને છે કે ભારતમાં તરુણાવસ્થાની શરૂઆતમાં બોર્ડ પરીક્ષા  આવે છે માટે બાળક તેમાં યોગ્ય દેખાવ નથી કરી શકતો. માનસશાસ્ત્રીય અભ્યાસોમાં  એવું જાણવા મળ્યું કે જો બાળક પંદરના બદલે સોળમા વર્ષે બોર્ડ પરીક્ષા આપે તો પરિણામ  જૂદું આવે. માટે જ નવી શિક્ષણ નીતિમાં પાંચ વર્ષ પૂરાં થયા પછી શાળામાં પ્રવેશનો  નિયમ બદલવામાં આવ્યો છે અને છ વર્ષ પૂરાં થાય પછી પહેલા ધોરણમાં પ્રવેશ  આપવાનો છે. એટલે જો દસમાના બોર્ડની પરીક્ષા ચાલુ રહે તો તે વિદ્યાર્થીને સોળમા વર્ષ  આપવાની થાય! જો કે આમ તો દસમું બોર્ડ નાબૂદ કરવાની વાત છે, પણ તેનો અમલ થાય  ત્યારે ખરો!

ખેર, મૂળ વાત એ કે આપણે બારમાના પરિણામમાં દસમાના પરિણામના પચાસ ટકા  ગણવાનું નક્કી કર્યું છે. હવે દસમામાં એક તો જનરલ એજ્યુકેશન હોય. આર્ટસ, કોમર્સ,  સાયન્સ ન હોય! વળી ઉંમર પણ તરુણાવસ્થાની શરૂઆતની હોય. ચંચળતા હોય! અને  દસમા તથા બારમાનું અભ્યાસ-તથા પરીક્ષણનું સ્તર (લેવલ) જ જૂદું છે. એટલે દસમાનો  મોટો આધાર બારમા માટે યોગ્ય નથી! જો છેલ્લાં દસ વર્ષના દસમા-બારમાના પરિણામની  તુલના કરશો તો જણાશે કે ગામડાં કરતાં શહેરના વિદ્યાર્થીઓ વધુ પાસ થયાં હશે! બીજું  ગ્રાન્ટેડ અને સરકારી શાળાના વિદ્યાર્થી કરતાં અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં વિદ્યાર્થી  વધુ પાસ થયાં હશે તેમના ટકા પણ વધારે હશે અને સૌથી અગત્યનું એ જોવા મળશે કે  દસમામાં એંશીથી નેવું ટકા લાવનારા ઈંગ્લીશ મીડિયમ શાળાનાં મોટા ભાગનાં બાળકો  બારમામાં પંચાવનથી પાંસઠ ટકામાં હશે!

આના કારણ એ છે કે દસમાની પરીક્ષામાં ટૂંકા પ્રશ્નો, જોડકાં, ખાલી જગ્યા જેવા પ્રશ્નો  વધારે હોય છે. પ્રશ્નોમાં માહિતી વધારે-તર્ક ઓછો હોય છે. જ્યારે બારમામાં વર્ણનાત્મક  પ્રશ્નો આવે છે, તર્ક આવે છે, રજૂઆત આવે છે. વિજ્ઞાન પ્રવાહમાં સિલેબસ ખૂબ મોટો અને  બાયોલોજી, ભૌતિકશાસ્ત્ર કે ગણિત વિસ્તારપૂર્વક ભણવાના હોય છે. દસમામાં ગોખણપટ્ટી કરીને હેતુલક્ષી પ્રશ્નોની પ્રેક્ટિસ કરીને ઊંચા ટકા લાવનારાં બાળકો  બારમાના પરિણામમાં નીચા આવી જાય છે. આની સામે દસમાની જ પરીક્ષામાં સમજણપૂર્વક ટ્યુશન વગર, મુક્ત રીતે ભણીને પાંસઠ સિત્તેર ટકા લાવનારા બારમામાં ખૂબ સારા  માર્કસ મેળવે છે.

એવા અનેક કિસ્સા છે જ્યાં દસમાના ઓછા ટકા આવ્યા હોય એ  અગિયારમાંથી જ ઊંચા ટકાએ આગળ વધે! તો આ પરિણામ આવા વિદ્યાર્થીઓને અન્યાય  કરશે. શહેરના ઉચ્ચ મધ્યમ વર્ગનાં બાળકો ખાનગી ઈગ્લીશ મીડિયમનાં બાળકો અને  ટ્યુશન ક્લાસિસ કે પર્સનલ ટ્યુશનથી દસમામાં ઊંચા ટકા મેળવનારા આપોઆપ ઊંચા  ટકા મેળવશે અને બારમા પછીની તમામ લાઈનમાં તેમને અગ્રતાક્રમ મળશે! પણ  ગુજરાતમાં શિક્ષણની ચીવટપૂર્વક ચિંતા જ ક્યાં છે! પરિણામ જેવો જ મુદ્દો ફી નો છે. વળી શાળાઓની ફી માટે તો ક્યારેય ક્યાંક કંઈક બોલાય  છે, પણ કોલેજોની ફી માટે તો કોઈ બોલતું જ નથી! પ્રેક્ટિકલ નથી થતા છતાં લેબોરેટરી ફી  છે.

રમતગમત બંધ છે છતાં રમતગમત ફી છે સાંસ્કૃતિક કાર્યક્રમ બંધ છે છતાં સાંસ્કૃતિક  કાર્યક્રમ ફી છે. લાયબ્રેરી વાપરવાની નથી છતાં લાયબ્રેરી ફી છે. સૌથી મોટી વાત તો એ છે  કે ગુજરાત હાઈકોર્ટ જે ચુકાદો આપ્યો હતો તેમાં પણ માત્ર શિક્ષણ ફી ઊઘરાવવાની મંજૂરી  આપવાની વાત હતી! તો આ બધા પ્રકારની ફી ઊઘરાવવી તે માનનીય ન્યાયાલયના  આદેશની આવમાનના ન કહેવાય? પણ ના! ના વિપક્ષના સેવકો ને સંતાનોનાં  માતા-પિતા કોઈ કરતાં કોઈ શાળા-કોલેજોની આ ફી સામે અવાજ ઊઠાવતા નથી.

હવે જો સમાજના મોટા વર્ગને જે સ્પર્શે છે તે પ્રશ્નો માટે જ કોઈ બોલતું ન હોય તો શિક્ષક  અધ્યાપકોના અટકેલા ઈજાફા, સાતમા પગારપંચના અમલ, ત્રિપલ સી પરીક્ષા અને હિન્દી  ફરજીયાતના મુદ્દા કે પેન્શન ઉપર ઊતરી જવા છતાં છ-છ મહિનાથી જેમનું પેન્શન શરૂ  નથી થતું એવા કર્મચારીના પ્રશ્નો માટે તો કોણ બોલશે? આ તો બધા વ્યક્તિગત પ્રશ્નો  થયા! સૌની પીડા સૌ જાણે! આ શાળા કોલેજો ફી ઊઘરાવે છે પણ પોતાના  શિક્ષક-અધ્યાપકને પગાર ચૂકવે છે?-કોણ પૂછે છે!

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top