નવી દિલ્હી: ટેસ્લાના CEO એલોન મસ્કએ ChatGPT નિર્માતા OpenAI અને તેના CEO સેમ ઓલ્ટમેન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. એલોન મસ્કએ આક્ષેપ કર્યો છે કે ઓપન એઆઈએ માનવતાના લાભ માટે AI વિકસાવવાના તેના મૂળ મિશનને છોડી દીધું છે. હવે તે માત્ર પૈસા કમાવવા પર ધ્યાન આપી રહી છે.
- એલોન મસ્કએ ઓપનએઆઈ અને સેમ ઓલ્ટમેન સામે કેસ કર્યો
- કંપની પર AI સિસ્ટમ બનાવવાના તેના લક્ષ્ય સાથે સમાધાન કરવાનો આરોપ છે
- મસ્કનો આરોપ છે કે ઓપન એઆઈ માઈક્રોસોફ્ટની ક્લોઝ્ડ સોર્સ સબસિડિયરી બની ગઈ છે
એલોન મસ્કનો આરોપ છે કે કંપનીએ લોકોની ભલાઈ માટે AI સિસ્ટમ બનાવવાના તેના ઉદ્દેશ્ય સાથે સમાધાન કર્યું છે. આ કેસ ખાસ કરીને ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન અને પ્રમુખ ગ્રેગ બ્રોકમેનને ટાર્ગેટ કરે છે. મસ્કનો આરોપ છે કે કંપની ઓપન સોર્સ યુનિટ રહેવાને બદલે માઈક્રોસોફ્ટની ક્લોઝ્ડ-સોર્સ પેટાકંપની બની ગઈ છે.
કેસમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઓપનએઆઈના વર્તમાન અભિગમથી માઇક્રોસોફ્ટને નોંધપાત્ર નાણાકીય નફો થવાની અપેક્ષા છે. મસ્ક દાવો કરે છે કે માઈક્રોસોફ્ટનું ધ્યેય GPT-4 લોકોને મોટા નફા પર વેચવાનું છે. OpenAI એ અમેરિકન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની છે. આ કંપનીએ AI ટેક્નોલોજીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ચેટબોટ સેવા શરૂ કરી હતી. તેનું નામ ચેટ જીપીટી છે.
ચેટ જીપીટીએ ખૂબ જ ઓછા સમયમાં સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. તેણે ગૂગલ, સેમસંગ અને માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓને પણ પાછળ છોડી દીધી છે. મસ્ક લાંબા સમયથી માને છે કે AGI માનવતા માટે ગંભીર ખતરો છે. ઓલ્ટમેન 2019 માં OpenAI ના CEO બન્યા હતા. OpenAI એ 22 સપ્ટેમ્બર 2020 ના રોજ માઇક્રોસોફ્ટને તેના જનરેટિવ પ્રીટ્રેઇન્ડ ટ્રાન્સફોર્મર (GPT)-3 ભાષા મોડલને વિશિષ્ટ રીતે લાઇસન્સ આપવા માટે માઇક્રોસોફ્ટ સાથે કરાર કર્યો હતો.