Charchapatra

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશે કઠોર પ્રતિક્રિયા કેમ?

તાજેતરમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા- કન્યાકુમારીથી કશ્મિર સુધીની પૂર્ણ થઈ જેની માહિતી ટી.વી. માધ્યમો અને વર્તમાનપત્રો થકી મળી. આજ સંદર્ભે ગુજરાત સરકારમાં મહત્વની જગ્યા ઉપરના નાની ઉમરના રાજકારણી ભાઈ તરફથી કહેવાયું કે, પદ યાત્રાથી દાઢી વધે, બુદ્ધિ ના વધે. આ પ્રકારની વાત કરવી એ યોગ્ય ન કહેવાય. પદયાત્રા આ દેશનું ભૂષણ છે. અનેકો યાત્રા થઈ. જેમાં મહાત્માજીની દાંડી યાત્રા પણ ખરી. સમાચાર માધ્યમો દ્વારા જે જાણ થઈ છે તેમાં રાહુલ ગાંધી ફક્ત ચાર જોડી કપડાં સાથે રાખતા હતાં.

એઓ ધારે તો દૈનિક કપડાં બદલી શકે! પરંતુ સત્તા, સંપત્તિ કે મોજશોખ થકી દેખાડો કરવામાં તેઓ માનતા હોય એમ નથી એવુ લાગે છે. પદયાત્રા પુરી થઈ. તેઓ બુદ્ધિપૂર્વક વિચારનારા ગંભીર વ્યક્તિ તરીકે બહાર આવ્યા છે. દેશ અને દુનિયાના વિવિધ રાજકીય, આર્થિક, પ્રવાહોથી અવગત થઈ તે ઉપર પોતાના સ્પષ્ટ વિચાર રજૂ કરે છે. દેશની હાલની પરિસ્થિતમાં ખૂબ જ ચિંતા કરનારી બાબતો બેધડક રજુ કરે છે. અહંકારર ધૂળમાં મટી જાય એવા અનેકો દાખલ આપણી સામે છે જ!
નવસારી – મનુભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પ્રશ્નપત્ર ફૂટી જવાની ઘટનાઓ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે લાખો ઉમેદવારો 31 જાન્યુ.23ના રોજ પરીક્ષા આપવાના હતા. આ દિવસે જ પ્રશ્નપત્ર ફૂટી જવાથી પરીક્ષા રદ કરવાની જાહેરાત થતા જ નોકરી વાંચ્છુ ઉમેદવારોની પરીક્ષા માટેની તૈયારી માહિતીમાં ગઈ. ગુજરાતમાં પ્રશ્નપત્રો ફૂટી જવાના કિસ્સા વારંવાર બને છે. પરીક્ષાઓ રદ થવાથી અનેક પ્રશ્નો ઉભા થાય છે.  આના ઉપાય તરીકે પ્રથમ તો પ્રશ્નપત્રો સરકારી છાપખાનામાં જ છપાવા જોઈએ. જેથી ખર્ચ સરકારમાં જ ઉધારાય. વળી સરકારી કર્મચારીને નોકરી જવાની બીકે પ્રશ્નપત્ર ફૂટવાનો પ્રશ્ન ન રહે.

સરકારી છાપખાનું હોવા છતાં ખાનગી છાપખાનામાં કામ કેમ કરાવવામાં આવે છે તે સામાન્ય માણસના મગજમાં બેસતું નથી. બીજા ઉપાય તરીકે એક પ્રશ્નપત્રના બદલે એક જ વિષયના વિકલ્પે અલગ અલગ ત્રણ પ્રશ્નપત્રો તૈયાર કરવા જોઈએ જેથી જે પ્રશ્નપત્ર ફૂટી જાય ત્યારે અન્ય બે પ્રશ્નપત્રોમાંથી એક રજુ કરીને પરીક્ષા ચાલુ રાખી શકાય. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર પ્રશ્નપત્ર ફોડનાર અને ખરીદનાર ટુંકમાં આ ગુનામાં સંડોવાયેલ સરકારી કર્મચારી સહીત દરેકને આકરામાં આકરી સજા થવી જોઈએ. ગુજરાતમાં પરીક્ષાના પ્રશ્નપત્રો ફુટવાના વારંવારના બનાવોથી ગુજરાતની છાપ ખરડાઈ રહી છે. હવે તેને સ્વચ્છ બનાવવાના આવશ્યક પગલા લેવાની આવશ્યકતા હાલમાં ઉભી થઈ છે.
ગાંધીનગર – ભગવાનભાઈ ગોહેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top