‘જો તુમકો હો પસંદ, વહી બાત કહેંગે, તુમ દિનકો અગર રાત કહો, હમ રાત કહેંગે’. ફિલ્મી ગીતની આ પંકિત ખુશામતખોરીનું સચોટ ઉદાહરણ બની રહે છે. ધન સંપત્તિ, રાજસત્તા, ધર્મસત્તા, ભયદશા, પ્રેમાકર્ષણ જેવી અનેક બાબતો સ્વાર્થવશ વ્યકિતને ખુશામતખોરી માટે પ્રેરે છે. એકંદરે તો ખુશામત સામા પક્ષનું નુકસાન જ કરે છે. સત્ય હકીકત પર પરદો નાંખી, ટીકા ટાળી ખુશામત કરતાં રહેવાથી સામા પક્ષને ભૂલોનું ભાન થતું નથી, મિથ્યા પ્રશંસામાં પ્રસન્ન રહે છે. આથી અત્યંત લોકપ્રિય, પ્રભાવશાળી નહેરૂજી પોતાની ટીકાના અભાવને જોઇ ‘નેશનલ હેરલ્ડ’માં ખોટા નામથી પોતાની વિરુધ્ધ ટીકા છપાવી લોકશાહીની જરૂરિયાતની દિશામાં પણ કામ કરતા હતા.
ઉપરાંત પોતાના પ્રધાનમંડળમાં વિપક્ષી, વિરોધીને પણ સ્થાન આપતા હતા. સંત કવિઓએ પણ ‘નિંદક નિયરે રાખીએ’ બોધ આપ્યો છે. ‘ખુશામત’ શબ્દને ‘ખુશામદ’ ઉચ્ચારીએ ત્યારે ખુશ અને આમદ મિશ્રિત બની ટીકાને આવકારનો બોધ આપે છે. ચંચળ માનવ મનને ખુશામત વહાલી લાગે છે અને તે પ્રગતિ અવરોધક બની જાય છે, ભૂલ સુધારની તક ગુમાવે છે. પિત્તળને સુવર્ણ કહી દેવાથી તે સોનું બની જતું નથી કે તેની કિંમત વધી જતી નથી, તે જ રીતે સોનાનું મૂલ્ય પણ ઘટી જતું નથી.
ઓછી સમજવાળા રાજનેતાઓનું રીમોટ કંટ્રોલ સરકારી અધિકારીઓના હાથમાં હોય છે અને તેઓ રાજનેતાઓની ખુશામત કરતા રહે છે. એક તરફ આવા રાજનેતાઓ જનકલ્યાણની વાતો કરે છે, શુદ્ધ ખાણીપીણીનો અનુરોધ કરે છે, તે માટે ‘પેકીંગ’ જરૂરી છે અને ‘પેકેજીંગ’ પર જી.એસ.ટી.નો બોજ લાદી દઇ છૂટી વસ્તુ ગરીબો,શ્રમિકોને ખરીદવા પર મજબૂર કરે છે.એક અવળી અસર ડેરી ઉદ્યોગ પર પણ થશે. જનસાધારણનું આરોગ્ય જોખમાશે. ખુશામતખોર સલાહકારો સરકારને ખોટે માર્ગે વાળે છે, મુઠ્ઠીભર ધનિકો પણ તેમાં ભાગ ભજવે છે. હોસ્પિટલના રૂમ ભાડા પર, દૂધ, દહીંની થેલી પર કરવેરા વેરી બની રહેશે. રાજનેતાઓ, શાસકો પ્રજાહિતમાં જ રહે અને ખુશામત, લોભ, લાલચ, સ્વાર્થને વશ ન થાય, ખુશામતને સમજી જાય તો જ ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ કહી શકાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ન્યાય આપવાની બાબતમાં ઝડપી પ્રક્રિયા થાય એ જરૂરી
આપણા દેશમાં કોર્ટમાં કેસનો નિકાલ ઝડપથી થતો નથી. ઠરાવ પર ઠરાવ પડે છે. જો કોઇ સામાન્ય ગુનેગાર હોય તો એના ગુનાની સજા કરતાં વધુ સજા એને થઇ જાય છે. એનું કારણ એ છે કે ઘણા કેસો પેન્ડીંગ છે. એ સામાન્ય ગુનો કરનારનો કેસ ઝડપથી નીકળતો નથી અને તારીખ પે તારીખવાળું તો ખરું જ. એક નમ્ર સૂચન મહિનામાં બે શનિવારે કોર્ટ બંધ રહે છે તે ચાલુ રહે તેમ કરવું જોઇએ. ગ્રામ પંચાયતમાં સરપંચની સાથે પોલીસ પટેલની પોસ્ટ પણ પહેલાં હતી તેને ચાલુ કરવી જોઇએ. જેથી સામાન્ય પ્રશ્નો પરના ઝઘડાનો નિકાલ પોલીસ પટેલ જ કરી શકે. વ્યકિતએ પોલીસ સ્ટેશને જવાની જરૂર ન રહે. વકીલોએ પણ વધુ ઠરાવ ન પડે એ માટેના પ્રયત્નો કરવા જોઇએ. ન્યાયાલય ઓછાં હોય તો તેની સંખ્યા વધારી દેવી જોઇએ. જજોની નિમણૂક વધુ કરવી જોઇએ જો ઘટતા હોય તો. વકીલોનો તો રાફડો ફાટયો છે તેમ છતાં ન્યાય આપવામાં મોડું થાય છે એ હકીકત છે. કેટલીક વખત વ્યકિતને સાચો ન્યાય મળતો નથી ત્યારે તે ઉપલી કોર્ટમાં જાય છે. આમ વધુ સમય નીકળી જાય છે. દિવાની કેસ તો વધુ સમય સુધી ચાલે છે. માણસ વૃધ્ધ થઇ મૃત્યુની નજીક પહોંચે ત્યારે તેને ન્યાય મળે છે તો એને એનો આનંદ ન થશે. એ વ્યકિત પૈસા ખર્ચીને ખુવાર થઇ ગયેલો હોય છે. ન્યાય આપવાની પ્રક્રિયા ઝડપી થવી જરૂરી છે એ નિ:શંક હકીકત છે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે