Charchapatra

વૃધ્ધો તરફ આટલી ઘૃણા કેમ?

તા. 11-12-23ના ‘ગુજરાતમિત્ર’માં કોઇ ચર્ચાપત્રીએ વૃધ્ધો માટે જે વિશેષણ વાપર્યાં છે તે જોતાં લાગે છે કે શું આ ચર્ચાપત્રીની વૃધ્ધાવસ્થા નહિ આવવાની હોય? વેવલાવેડા, ચિકણા, વાંકદેખા સિનિયરની સડેલી તૂટીફૂટી પહેરવાવાળા, પારકી પંચાત કરવાવાળા, વ્યાજ ગણવાવાળા, સ્વભાવે વેદિયા, નઠારી કુટેવો ધરાવવાવાળા, કરકસરિયા, કચકચિયા, પારકી પંચાત કરવાવાળા જેવા કંઇક વિશેષણ લગાડી વૃધ્ધોનું અપમાન કરતાં હાશ થયું. અલબત્ત તેનો વૃધ્ધો સાથે હશે કે પછી અનુભવ થયો હશે કે પછી વૃધ્ધોનો ચિતાર રજૂ કર્યો હશે? અનાયાસે પણ વૃધ્ધના દિલને ઠેસ લાગે તેવું લખવું મારી દૃષ્ટિએ વ્યાજબી નથી જ. ચર્ચાપત્રી મિત્રે સિફતપૂર્વક આદરણીય વડિલ કદીયે હવે જોવા નહિ મળે તેમ લખ્યું છે. હળવાશથી સ્હેજ રીતે વાંચવા લખ્યું છે તે જુદી વાત છે.

ચર્ચાપત્રો વાંચવા માટે એક ખાસ વર્ગ પણ છે, જેમ યુવાનો, વડીલો, મહિલાઓ અને સામાજિક કાર્યકરો રાજકીય નેતા અને અધિકારીઓ વાંચે છે, જેમાં જે તે વિભાગ પ્રત્યે ફરિયાદ હોય તો તેનો નિકાલ જે તે ખાતા મારફત થાય છે. કયાંય પણ કોઇ ખાતાકીય રીતે રાજકીય રીતે કે પછી કોઇ પણ પ્રકારના અન્યાય સામે રક્ષણ મળે છે. ‘ગુજરાતમિત્ર’માં આવતા લખાણનો બહુ મોટો પ્રભાવ પડે છે. મારું મંતવ્ય ચર્ચાપત્ર કોઇ દ્વેષભાવથી કે ઇર્ષાભાવથી નથી લખ્યું. માત્ર ચર્ચાપત્રીનું ધ્યાન દોરવા જ લખ્યું છે. નાઝીર દેખૈયા જે એક શેર છે કે એવા ન વેણ કાઢે કો કોઇના દિલને દુ:ખ લાગે કઠણ વાણી ઉપર બધો આધાર છે માનવીનો.
બાબરા    – મુકુંદરાય ડી. જસાણી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મહિલા ન્યાયાઘીશ દ્વારા સ્વેચ્છા-મૃત્યુ માટેની અરજી
ઉત્તરપ્રદેશ બુલડોઝર ન્યાય ઉપરાંત પણ ઘણી રીતે સમાચારમાં રહે છે અને આવા આપણે ન કલ્પેલ ઘણા સમાચારોને કારણે આ રાજ્ય અવારનવાર પેપરના પાને ઝળકતું રહે છે. પરંતુ હમણાં એક–બે દિવસ પહેલાં જ સમાચાર વાંચવા મળ્યા કે ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાની બારાબંકી કોર્ટનાં એક મહિલા જજે ત્યાંના અન્ય જજો દ્વારા સતત થતી જાતિય સતામણીને કારણે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટીસ પાસે સ્વેચ્છા-મૃત્યુની પરવાનગી માંગી. આ અગાઉ એમણે ૨૦૨૨માં ઉત્તરપ્રદેશની હાઇકોર્ટનો અને સુપ્રીમ કોર્ટનો પણ ન્યાય મેળવવા પ્રયત્ન કરેલ, પરંતુ  કશેથી ન્યાય ન મળતાં કે કોઇ પગલાં ન લેવાતાં આખરે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટીસ પાસે સ્વેચ્છા-મૃત્યુની પરવાનગી માંગવા અરજી કરી. 

મહિલા જજના આ પ્રકારના સમાચાર પ્રથમ વખત વાંચવા મળ્યા એથી માની લઇએ કે  ઉત્તરપ્રદેશની અને અન્ય રાજ્યોની અન્ય કોર્ટોમાં મહિલા જજો સંપૂર્ણ સુરક્ષિત હશે/છે. અલબત્ત સુપ્રીમ કોર્ટે આ બાબતે અલ્હાબાદ હાઇકોર્ટને આ અંગે તપાસ કરી રીપોર્ટ કરવાના  આદેશ આપ્યા છે પરંતુ એનો નિકાલ ક્યારે આવશે એ તો તપાસ કરનાર અધિકારી અને તપાસનો આદેશ આપનાર જ જાણે, પરંતુ લોકોને ન્યાય આપતી કોર્ટમાં કાયદાનાં જાણકાર મહિલા જજ પણ અન્ય જજો વચ્ચે સુરક્ષિત ન હોય તો ન્યાયની યાચિકા કરનાર અરજદારોની તો શું પરિસ્થિતિ હશે એ વિચાર માંગી લે એવો સવાલ છે. અત્યાર સુધી કુમળી બાળકીઓ અને મહિલાઓના શારીરિક શોષણ અને અત્યાચારના સમાચારો પ્રગટ થતા જ રહે છે, પરંતુ કાયદાની રખેવાળી કરતી વ્યક્તિએ આ બાબતે ફરિયાદ કરી હોય એવું સાંભળવામાં કે વાંચવામાં આવ્યું નથી. આશા રાખીએ કે ન્યાયની રખેવાળી કરતી સંસ્થાના આ પહેલા અને છેલ્લા સમાચાર બની રહે. પુરુષનું અસ્તિત્વ નારીને જ આભારી છે એટલું જ દરેક વ્યક્તિ યાદ રાખે તો આવા બનાવો ન બને અથવા આવા બનાવોનું પ્રમાણ ઘટવાની શક્યતા ઘણી વધી જાય.સુરત         – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top