રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઈ છે. એરપોર્ટના ટર્મિનલ-1 પર વરસાદના કારણે છત પડી જવાને કારણે ત્યાં હાજર અનેક કાર દટાઈ ગઈ છે, જ્યારે કારમાં હાજર એક અને બહાર 7 લોકો ઘાયલ પણ થયા છે. સ્થિતિને જોતા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઇજાગ્રસ્ત એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું. પરિસ્થિતિને જોતા ટર્મિનલ 1 થી બપોરે 2 વાગ્યા સુધી ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
વરસાદના કારણે ઈન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનસ-1ની છત પડી ગઈ હતી અને તેમાં અનેક વાહનો ફસાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, આ અકસ્માત સવારે 5.30 વાગ્યે થયો હતો. દુર્ઘટનાની માહિતી મળતા જ દિલ્હી ફાયર સર્વિસની 3 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, ફોટા અને વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જો લોકો નીચે હોત તો, કેટલી જાનહાની થઈ હોત. ફોટામાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કારમાં ડ્રાઈવર સીટ પર જ મોટો થાંભલો પડતા ફસાઈ ગયો છે, જેનું સારવાર પહેલા જ મોત નિપજ્યું છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ ઘટના પર નજર રાખી રહ્યા છે. એક્સ પર પોસ્ટ કરતાં તેણે લખ્યું કે, હું દિલ્હી એરપોર્ટના ટર્મિનસ-1ની છત પડી જવાની ઘટના પર નજર રાખી રહ્યો છું. આ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. નુકસાનને કારણે, એરપોર્ટ વહીવટીતંત્રે ટર્મિનલ 1 થી ફ્લાઇટ્સ અસ્થાયીરૂપે બંધ કરી દીધી છે. આ સાથે, દેશભરમાં 28 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અહીં વાત એ છે કે, આ એરપોર્ટને દુનિયાના શ્રેષ્ઠ એરપોર્ટ પૈકીનું એક માનવામાં આવે છે અને વાત અહીં એક એરપોર્ટની છત તૂટવાની નથી વાત છે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીમાં ભારતની છબી ખરાબ થવાની વાત છે.
આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને સતત ધમધમતુ રહે છે. આ ઘટનાએ દુનિયાભરના પ્રવાસીઓને તેમની સલામતિ માટે તો વિચારતા કરી જ દીધા હશે. હવે આરોપ પ્રત્યારોપનો દૌર શરૂ થઇ ગયો છે. કોંગ્રેસ ભાજપ ઉપર આરોપોની વર્ષા કરી રહી છે તો બીજી તરફ ભાજપે કહ્યું હતું કે, આ છત તો યુપીએની સરકાર હતી ત્યારે બની હતી પરંતુ બીજી વાત એ પણ છે કે, તે સમયે નાગરિક ઉડ્યન મંત્રી પ્રફુલ્લ પટેલ હતા અને હાલમાં તે એનડીએ ગઠબંધનનો જ એક ભાગ છે. તો બીજી તરફ બિહારમાં એક શર્મનાક ઘટના લાંબા સમયથી આકાર લઇ રહી છે. અહીં એક પછી એક છ પુલ તૂટી પડ્યા છે.
જેના કારણે રાજકારણ ગરમાયું છે. એવામાં બિહારમાં વધુ એક નિર્માણાધીન પુલનો ભાગ તૂટી પડવાની ઘટના બની છે, મધુબનીમાં નિર્માણાધીન પુલનો ગર્ડર તૂટી ગયો છે. ગર્ડરનું કાસ્ટિંગ બે દિવસ અગાઉ 26 જૂને થયું હતું. અહેવાલ મુજબ આ ઘટના મધેપુર બ્લોકમાં બેજા કોસી ડેમ ચોકથી મહાપટિયા તરફના મુખ્ય માર્ગ પર લાલવારી પાસે બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. આ ઘટના ત્યારે બની જ્યારે ગર્ડરનું શટરિંગ કરવામાં આવ્યું હતું, જે પાણીમાં ધોવાઈ ગયું હતું.
મધેપુર બ્લોકની ભૂતિયા બાલન નદીમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. 2.98 કરોડના ખર્ચે બની રહેલા 4 પિલરના બ્રિજમાં 2 પિલર વચ્ચેના બીમને મોલ્ડ કરવા માટે શટરિંગ કરવામાં આવ્યું હતું. ભૂતિયા બાલન નદીમાં વધુ પડતું પાણી આવતાં શટરિંગ ગર્ડર પાણીમાં ધોવાઈ જવાથી પડી ગયું છે. ગર્ડર પડ્યા બાદ વિભાગના કાર્યપાલક અને મદદનીશ ઈજનેરે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. કોન્ટ્રાક્ટરે પાણી સુકાઈ જતાં ફરીથી બીમ બનાવવાની વચન આપ્યું છે.
આ બ્રિજથી થોડા અંતરે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ એશિયાનો સૌથી લાંબો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ અંગે ભારત સરકાર દ્વારા પ્રાયોજિત બિહાર સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના કાર્યપાલક ઈજનેર, મદદનીશ ઈજનેર અને જુનિયર ઈજનેરે જણાવ્યું હતું કે ગર્ડર નાખ્યા બાદ નદીના પાણીના સ્તરમાં અચાનક જ નોંધપાત્ર વધારો થયો હતો. જેના કારણે તેમાં લગાવેલ સેન્ટરિંગ પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયું અને ગર્ડર પડી ગયું હતું. તેમણે જણાવ્યું હતું કે નદીનું જળસ્તર ઘટે ત્યારે નવો ગર્ડર બનાવીને નાખવાની સૂચના કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે. જેના પર સેન્સરે તેની મંજૂરી આપી દીધી છે.
બિહારમાં છેલ્લા કેટલાક દિવસોમાં પુલ તૂટી પડવાની ઘણી ઘટનાઓ બની છે. રાજ્યમાં 10 દિવસમાં ચાર પુલ ધરાશાયી થયા છે. જેમાં સિવાન, અરરિયા, પૂર્વ ચંપારણ અને કિશનગંજમાં પુલ ધરાશાયી થયા છે. અહીં બિહારના પુલ નથી ધોવાઇ રહ્યાં ભારતની ઇજ્જત પણ ધોવાઇ રહી છે. સરકારી કોન્ટ્રાક્ટરોના કામમાં જ આવી લાપરવાહી વાપરવામાં આવે છે. કોઇ વાત સ્વીકારે કે નહીં સ્વીકારે પરંતુ આ સનાતન સત્ય છે. મુંબઇમાં હજારો માળ ઊંચી ઇમારતો બને છે તેમાં તો કોઇ દિવસ વરસાદના કારણે આટલી મોટી સમસ્યા ઊભી થવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો નથી. શા માટે માત્ર સરકારી કામોમાં જ આવું જોવા મળી રહ્યું છે. તેની ગુણવતાની ચકાસણી થતી હશે કે કેમ તે પણ એક સવાલ છે.