હમણાં જ કેન્ટકી સ્ટેટની લાઈબ્રેરીમાંથી વિકટર ફ્રેન્કલનું ‘‘મેન્સ સર્ચ ફોર મીનિંગ’’ પુસ્તક વાંચ્યું. વિકટર ફ્રેન્કલ હોલોકોસ્ટમાંથી બચી ગયેલા ઓસ્ટ્રિયાના ન્યુરોલોજીસ્ટ અને સાઈકોલોજીસ્ટ હતાં. તેમના સમગ્ર પરિવારને કોન્સેન્ટ્રેશન કેમ્પમાં મૂકી દેવાયા હતા. પત્ની એલીનોરને બીજા કેમ્પમાં મૂકવામાં આવી, જ્યાં તે મૃત્યુ પામી. માતાની તો વિકટરની સામે જ હત્યા કરાઈ. રોજ નવો દિવસ ઊગે ત્યારે મૃત્યુ પસાર થઈ ગયું છે એમ વિચારીને વિક્ટર હંમેશા પોઝિટીવ રહેતાં. તેમણે આ પુસ્તકમાં લખ્યું છે કે જેની પાસે ‘‘શા માટે જીવવું છે’’ એનો જવાબ છે તેઓ કોઈપણ રીતે જીવનને નકારતા નથી. જો આપણી પાસે જીવવાનું સાચું કારણ મળે તો અનેક સંકટો અને તકલીફો સહન કરી શકીએ છીએ.
એક પ્રભાતે ઊગેલું પુષ્પ સાંજે મુરઝાઈને ખરી પડવાનું છે એ સત્ય જાણતું હોવા છતાં તે ડાળી સાથે જોડાઈને તેની સુગંધ ચોમેર ફેલાવતું રહે છે, તે જ રીતે મનુષ્ય પણ એક દી’ ખરી પડવાનો છે, પણ ખરી પડતાં પહેલાં તે જગતને શું આપી શકે એમ વિચારે એ જ મનુષ્યના અસ્તિત્વનો અર્થ છે. આ વિશ્વમાં કોઈને પણ સતત અનુકૂળ સંજોગો મળતા જ નથી. પણ પ્રતિકૂળ સંજોગો સ્વીકારીને આપણા જીવનનો હેતુ શોધીને અન્યને મદદરૂપ થઈએ, અન્યની સેવા કરીએ, પ્રેમ આપીએ કે કોઈની આશાને ઉજ્જવળ બનાવીએ તો આપણું જીવન સાર્થક છે એમ સમજવું.
યુ.એસ.એ – ડૉ.કિરીટ ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.