ભારતના બંધારણની ૧૪ મી કલમ કહે છે કે કાયદાની દૃષ્ટિએ ભારતનાં તમામ નાગરિકોને સમાન ગણવાં જોઈએ, પણ હકીકતમાં તેવું બનતું નથી. ભારતમાં ગરીબો અને તવંગરો માટે કાયદાઓ તો સમાન છે, પણ તેનો અમલ સમાન રીતે કરવામાં આવતો નથી. ઘણાં ગરીબો મામૂલી ગુના માટે દાયકાઓ સુધી જેલમાં સબડે છે, કારણ કે તેમની પાસે વકીલો રોકવાના રૂપિયા હોતા નથી; પણ સલમાન ખાન જેવા તવંગરો કરોડો રૂપિયાના ખર્ચે વકીલો રોકીને ગુનો પુરવાર થયા પછી પણ જામીન પર છૂટી જાય છે.
ભારતનો આમ નાગરિક તો કાયદાની દૃષ્ટિએ ભેદભાવનો ભોગ બને તે સમજી શકાય તેવી વાત છે, પણ હવે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ કક્ષાના નાગરિક પણ તેનો ભોગ બની રહ્યા છે. સુપ્રિમ કોર્ટના કોલેજિયમ દ્વારા તાજેતરમાં નવ વ્યક્તિને સુપ્રિમ કોર્ટના જસ્ટિસ બનાવવા માટે ભલામણ કરવામાં આવી હતી. ત્રિપુરા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ અકિલ કુરેશી તેમાંના અનેક કરતાં સિનિયર હોવા છતાં તેમને બાકાત રાખવામાં આવ્યા હતા; કારણ કે કેન્દ્ર સરકાર ચાહતી નથી કે તેઓ સુપ્રિમ કોર્ટના જજ બને. જસ્ટિસ કુરેશીને બાકાત રાખવાનું કારણ એ છે કે તેઓ વર્તમાન સરકારની વિરુદ્ધ હોવાની છાપ ધરાવે છે. જો હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ પણ અન્યાયનો ભોગ બનતા હોય તો દેશમાં હવે ન્યાય મળવાની આશા કેવી રીતે રાખી શકાય?
તાજેતરમાં સુપ્રિમ કોર્ટના જસ્ટિસ રોહિંટન નરીમાન રિટાયર થયા ત્યારે ચીફ જસ્ટિસ એન.વી. રામન્નાએ તેમને બિરદાવતાં કહ્યું હતું કે ‘‘ન્યાયતંત્રની રક્ષા કરવામાં તેઓ સિંહ સમાન હતા.’’ જસ્ટિસ નરીમાન જ્યાં સુધી સુપ્રિમ કોર્ટના કોલેજિયમમાં હતા ત્યાં સુધી તેમણે જસ્ટિસ અકિલ કુરેશીની નિમણૂક સુપ્રિમ કોર્ટમાં કરવાનો આગ્રહ રાખ્યો હતો, જેને કારણે છેલ્લા ૨૨ મહિનાથી સુપ્રિમ કોર્ટમાં એક પણ નવા જજની નિમણૂક કરવામાં આવી નહોતી. જસ્ટિસ નરીમાન રિટાયર થયા તે પછી કોલેજિયમે શિયાળની જેમ કેન્દ્ર સરકારની આજ્ઞાનો અમલ કર્યો છે.
ભારતની હાઈ કોર્ટોમાં કે સુપ્રિમ કોર્ટમાં કોઈ જજની નિમણૂક કરવી હોય તો તેનો નિર્ણય સુપ્રિમ કોર્ટના પાંચ સિનિયર જજોની પેનલ કરે છે, જેને કોલેજિયમ કહેવામાં આવે છે. આ કોલેજિયમ જે ભલામણ કરે તેને આધારે કેન્દ્ર સરકાર દ્વારા જજોની નિમણૂકની વિધિ કરવામાં આવતી હોય છે. જો સરકારને કોલેજિયમનો કોઈ નિર્ણય પસંદ ન હોય તો તે કોલેજિયમને એક વખત ફેરવિચારણા કરવાની વિનંતી કરી શકે છે.
જો કોલેજિયમ ફેરવિચારણા કરીને પણ પોતાનો નિર્ણય ન બદલે તો સરકાર સમક્ષ તેનો અમલ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. સુપ્રિમ કોર્ટના કોલેજિયમની પરંપરા છે કે તેમાં બધા નિર્ણય સર્વાનુમતે લેવામાં આવે છે. જસ્ટિસ નરીમાન જ્યાં સુધી સુપ્રિમ કોર્ટના કોલેજિયમમાં હતા ત્યાં સુધી તેમણે આગ્રહ રાખ્યો હતો કે કર્ણાટકના ચીફ જસ્ટિસ અભય આકાને અને ત્રિપુરાના ચીફ જસ્ટિસ અકિલ કુરેશીને સુપ્રિમ કોર્ટમાં નિમણૂક નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ બીજાં કોઈ નામો પર સંમતિ આપશે નહીં. તેમની આ જીદને કારણે ચીફ જસ્ટિસ શરદ બોબડેના સમયમાં સુપ્રિમ કોર્ટમાં કોઈ નિમણૂક થઈ શકી નહોતી.
જસ્ટિસ નરીમાન કોલેજિયમના સભ્ય હતા. કોલેજિયમમાં તેમના ઉપરાંત ચીફ જસ્ટિસ રામન્ના, જસ્ટિસ ખાનવિલકર, જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ લલિતનો સમાવેશ થતો હતો. જસ્ટિસ નરીમાન રિટાયર થયા તે પછી તેમના સ્થાને કોલેજિયમમાં જસ્ટિસ નાગેશ્વર રાવને લેવામાં આવ્યા હતા. જસ્ટિસ નરીમાન રિટાયર થયા તેના ગણતરીના દિવસોમાં કોલેજિયમની મીટિંગ મળી હતી અને તેમાં સર્વાનુમતે નવ નામો નક્કી કરીને કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવ્યાં હતાં.
તેમાં કર્ણાટકના ચીફ જસ્ટિસ અભય આકાનું નામ હતું, પણ ત્રિપુરાના ચીફ જસ્ટિસ અકિલ કુરેશીનું નામ બાકાત રાખવામાં આવ્યું છે. તેના પરથી લાગતું હતું કે ચીફ જસ્ટિસ રામન્નાએ કેન્દ્ર સરકાર સાથે ઘર્ષણમાં ઊતરવાને બદલે સોદાબાજી કરી હતી. કેન્દ્ર સરકારે જસ્ટિસ અભય આકા સામેનો વિરોધ ગૌણ બનાવ્યો હતો, જેના બદલામાં જસ્ટિસ અકિલ કુરેશીનો ભોગ લઈ લેવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારને ત્રિપુરા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ અકિલ કુરેશી સામે શું વાંધો છે? તે સમજવા માટે તેમના ભૂતકાળમાં જવું પડશે. ૨૦૧૦ માં જસ્ટિસ કુરેશી જ્યારે ગુજરાત હાઈ કોર્ટના જજ હતા ત્યારે તેમણે સોહરાબુદ્દીન શેખના મર્ડર કેસમાં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટનો આદેશ ઊલટાવીને ગુજરાતના તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહને બે દિવસ માટે જેલમાં મોકલી આપ્યા હતા. અમિત શાહ અત્યારે ભારતના ગૃહ મંત્રી બન્યા હોવાથી તેમને જસ્ટિસ કુરેશી સામે વાંધો છે.
૨૦૧૨ માં જ્યારે કેન્દ્રમાં યુપીએનું શાસન હતું અને નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે ગુજરાતના તત્કાલીન ગવર્નર કમલા બેનિવાલે ગુજરાત સરકારની નામરજી છતાં રિટાયર્ડ જસ્ટિસ આર.એ. મહેતાને ગુજરાતના લોકાયુક્ત તરીકે નિમણૂક આપી દીધી હતી. ૧૯૮૬ ના ગુજરાત લોકાયુક્ત કાયદા હેઠળ ગવર્નરને આવી સત્તા આપવામાં આવી હતી, પણ ગુજરાત સરકાર લોકાયુક્ત ચાહતી ન હોવાથી તેણે જસ્ટિસ મહેતાની નિમણૂક સામે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
યોગાનુયોગ આ અરજી જસ્ટિસ અકિલ કુરેશીની પાસે આવી હતી. તેમણે ગવર્નર દ્વારા લોકાયુક્તની નિમણૂકને કાયદેસરની ગણાવીને ગુજરાત સરકારની અરજી કાઢી નાખી હતી. ગુજરાત સરકારે તેની સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી, પણ ત્યાં પણ ગુજરાત સરકાર હારી ગઈ હતી. ત્યાર પછી પણ ગુજરાત સરકારે જસ્ટિસ મહેતાને ઓફિસ કે સ્ટાફ નહોતા આપ્યા, જેથી કંટાળીને તેમણે લોકાયુક્ત તરીકે ચાર્જ સંભાળી લેવાનો ઇનકાર કરી દીધો હતો.
ઉપરોક્ત બંને કેસમાં જસ્ટિસ કુરેશીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહની વિરુદ્ધમાં ચુકાદાઓ આપ્યા હોવાથી તેઓ તેમની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા; પણ હાઈ કોર્ટના જજોને બરતરફ કરવાનું બહુ કઠિન હોવાથી તેઓ સમસમીને બેસી ગયા હતા. ૨૦૧૮ ના નવેમ્બરમાં ગુજરાત હાઈ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ સુભાષ રેડ્ડીને સુપ્રિમ કોર્ટમાં મોકલવામાં આવ્યા ત્યારે ચીફ જસ્ટિસની જગ્યા ખાલી પડી હતી. ત્યારે જસ્ટિસ અકિલ કુરેશી ગુજરાત હાઈ કોર્ટમાં સૌથી સિનિયર હતા તો પણ તેમને કાર્યવાહક ચીફ જસ્ટિસ ન બનાવવા પડે તે માટે તેમની બદલી મુંબઈ હાઈ કોર્ટમાં કરીને તેમનાથી જુનિયર જસ્ટિસ દવેને કાર્યવાહક ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા.
તેના વિરોધમાં ગુજરાત હાઈ કોર્ટના વકીલોના સંગઠને હડતાળ પાડી હતી ત્યારે તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સમાધાન કરાવતાં આશ્વાસન આપ્યું હતું કે જસ્ટિસ કુરેશીને ટૂંક સમયમાં કોઈ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવશે. થોડા સમય પછી જસ્ટિસ કુરેશીનું નામ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું પણ કેન્દ્ર સરકારે તેનો પણ વિરોધ કર્યો હતો. તેણે કોલેજિયમના નિર્ણયનો અમલ કરવાને બદલે તેને ફેરવિચારણા કરવાની વિનંતી કરી હતી. સુપ્રિમ કોર્ટના કોલેજિયમે પણ સરકાર સામે ઝૂકીને જસ્ટિસ કુરેશીને મધ્ય પ્રદેશને બદલે ત્રિપુરાની હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવ્યા ત્યારે પણ તેમની સાથે અન્યાય થયો હતો. જસ્ટિસ કુરેશીની કથા પરથી ખ્યાલ આવે છે કે સરકાર સુપ્રિમ કોર્ટના જજોને કઠપૂતળી સમજે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.