રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાનાં પત્ની નવાઝ મોદી સાથે છૂટાછેડાની જાહેરાત પછી સિંઘાનિયાનો પરિવાર લાઈમલાઈટમાં છે. છૂટાછેડાના સમાધાનના ભાગરૂપે નવાઝ મોદીએ સિંઘાનિયાની રૂ. ૧૧,૬૦૦ કરોડની મિલકતમાંથી ૭૫ ટકાની માગણી કરી છે. ગૌતમ સિંઘાનિયાના પિતા અને રેમન્ડના ભૂતપૂર્વ એમ.ડી. વિજયપત સિંઘાનિયા પોતાના પુત્ર ગૌતમને બદલે પુત્રવધૂ નવાઝ મોદીના સમર્થનમાં આવ્યા છે. વિજયપત સિંઘાનિયા એક સમયે સમગ્ર રેમન્ડ સામ્રાજ્ય ચલાવતા હતા.
તે સમયે તેઓ ભારતના સૌથી અમીર માણસોમાંના એક હતા; પરંતુ આજે તેઓ ભાડાંના એપાર્ટમેન્ટમાં રહે છે. ૮૫ વર્ષીય સિંઘાનિયાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘‘હું જાણું છું કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ પતિની ૫૦% મિલકત આપોઆપ પત્ની પાસે જાય છે. ગૌતમ સિંઘાનિયા ક્યારેય હાર માનવાનો નથી, કારણ કે તેનું સૂત્ર દરેકને ખરીદવું અને બધું ખરીદવું છે. તેણે મારી સાથે આવું જ કર્યું. મારી પાસે તેની સાથે લડવા માટે એવા પૈસા ન હતા એટલે તેણે બધું જ ખરીદી લીધું હતું. આ રીતે લડીને, મને નથી લાગતું કે નવાઝ મોદી વધુ મેળવશે.’’
વિજયપત સિંઘાનિયા એક સમયે મુકેશ અંબાણી કરતાં વધુ ધનવાન હતા, કારણ કે જ્યારે વિજયપત પહેલેથી જ રેમન્ડ ગ્રુપના માલિક હતા ત્યારે અંબાણી ખૂબ જ નાના હતા. પરંતુ તેમના નસીબે વળાંક લીધો ત્યારે તેના પુત્રે તેમને તેમના ઘરમાંથી કાઢી મૂક્યા હતા. અત્યારે વિજયપત સિંઘાનિયા પોતાના મોભાને યોગ્ય જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે વિજયપત સિંઘાનિયાએ તેમની કંપનીના તમામ શેર ગૌતમ સિંઘાનિયાના નામે લખી આપવાની ભૂલ કરી હતી. ત્યારથી તેમના સંબંધોમાં તિરાડ પડવા લાગી હતી. એક સમયે એક જમીનના ટુકડાને લઈને ઝઘડો એટલો વધી ગયો કે ગૌતમે વિજયપત સિંઘાનિયાને તેમના જ ઘરમાંથી બહાર ફેંકી દીધા હતા. આજે વિજયપત સિંઘાનિયા તે ભૂલનો પસ્તાવો કરી રહ્યા છે.
રેમન્ડ ગ્રુપના ચેરમેન રહી ચૂકેલા વિજયપત સિંઘાનિયાએ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું હતું, પરંતુ તેમની ઉંમરને કારણે તેમનું અંગત જીવન ખૂબ જ પીડાદાયક બની ગયું છે, જેનું દર્દ તેમણે પોતાની આત્મકથા ‘એક અધૂરું જીવન’માં વ્યક્ત કર્યું છે. તેમની આત્મકથામાં તેમણે લખ્યું છે કે ‘‘તેમણે તેમના જીવનમાં જે સૌથી મોટો પાઠ શીખ્યો છે તે એ છે કે વ્યક્તિએ તેમનાં બાળકો વચ્ચે મિલકતની વહેંચણી કરતી વખતે ખૂબ જ સાવધ રહેવું જોઈએ અને તેમના જીવનકાળ દરમિયાન ક્યારેય પણ તેમનાં બાળકોને મિલકત ન આપવી જોઈએ.
તમારી મિલકત તમારાં બાળકોને આપવી જોઈએ પરંતુ તમારા મૃત્યુ પછી જ. હું ઈચ્છું છું કે હું જેવા દિવસો જીવી રહ્યો છું તેવા દિવસો કોઈ માતાપિતાએ જોવા ન પડે.’’એક સમયે રેમન્ડ જેવા જૂથનું સંચાલન કરનાર વિજયપત સિંઘાનિયાને વર્ષ ૨૦૧૫માં મોટો આંચકો લાગ્યો હતો જ્યારે પરિવારમાં મિલકતના વિવાદને કારણે તેમને તેમના કામ પરથી હટાવવામાં આવ્યા હતા. આનાથી પણ મોટું દુ:ખ એ હતું કે તેમને તેમના પૈતૃક ઘરની બહાર જવું પડ્યું અને ત્યારથી વિજયપત સિંઘાનિયા તેને પાછું મેળવવા માટે લડી રહ્યા છે.
વિજયપત સિંઘાનિયાએ પોતાની આત્મકથામાં જણાવ્યું છે કે તેઓ સંપૂર્ણપણે એકલા પડી ગયા હતા. ‘‘મને મારી પોતાની ઓફિસમાં જવાથી રોકી દેવામાં આવ્યો છે, જ્યાં મારા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને મારી સાથે સંબંધિત વસ્તુઓ રાખવામાં આવી છે. આ ઉપરાંત મારે મુંબઈ અને લંડનમાં મારી કાર ઘરે મૂકીને જવું પડ્યું છે અને મને મારા સેક્રેટરી સાથે વાત કરવાની પણ મંજૂરી નથી.’’આત્મકથામાં તેમણે કહ્યું છે કે ‘‘એવું લાગે છે કે રેમન્ડના કર્મચારીઓને ઉપરથી આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ તેમની સાથે વાત ન કરે અને તેમને ઓફિસમાં પ્રવેશ ન આપે.’’
પ્રખ્યાત સિંઘાનિયા પરિવારમાં જન્મેલા વિજયપત સિંઘાનિયાને બાળપણથી જ તમન્ના હતી કે તેઓ એક દિવસ પરિવારનો વ્યવસાય સંભાળશે. કપડાંના કારણે વિશ્વભરમાં એક અલગ ઓળખ ધરાવતી રેમન્ડ કંપનીની સ્થાપના ૧૯૨૫માં થઈ હતી. તેનો પહેલો રિટેલ શોરૂમ ૧૯૫૮માં મુંબઈમાં ખોલવામાં આવ્યો હતો. કપડાં સિવાય રેમન્ડ કંપની ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ અને એવિએશનના ક્ષેત્રમાં પણ કામ કરતી હતી. વિજયપત સિંઘાનિયાએ ૧૯૮૦માં રેમન્ડ કંપનીનો હવાલો સંભાળ્યો હતો અને ત્યાર બાદ તેને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. ૧૯૮૬માં વિજયપત સિંઘાનિયાએ રેમન્ડની પ્રીમિયમ બ્રાન્ડ પાર્ક એવન્યુ શરૂ કરી હતી. તેમણે ફેશનેબલ કપડાંની નવી શ્રેણી શરૂ કરી અને ૧૯૯૦માં ઓમાનમાં દેશની બહાર કંપનીનો પ્રથમ વિદેશી શોરૂમ ખોલ્યો હતો.
વિજયપત સિંઘાનિયા આકાશને ચાહતા હતા અને જ્યારે તેઓ તેનો પીછો કરવા નીકળ્યા ત્યારે તેમણે વિમાનચાલક તરીકે બે વિશ્વ રેકોર્ડ બનાવ્યા હતા. તેઓ મુંબઈના શેરિફ બન્યા હતા અને થોડો સમય માટે પ્રોફેસર પણ રહ્યા. વિજયપત સિંઘાનિયા કહે છે કે તેઓ બરાબર જાણતા નથી કે તેઓ ક્યારે ઉડાનના પ્રેમી બની ગયા, પરંતુ જ્યારે પણ તેમણે વિમાનને ટેકઓફ કે લેન્ડિંગ કરતાં જોયું ત્યારે તેઓ રોમાંચથી ભરાઈ જતા હતા.
જ્યારે તેઓ નાના હતા ત્યારે પ્લેન ઉડાડવાની લઘુતમ ઉંમર ૨૧ વર્ષની હતી. આ ઉંમરે પહોંચ્યાના માત્ર ૧૧ દિવસ પછી તેમણે બોમ્બે ફ્લાઇંગ ક્લબમાં તેમની પ્રથમ ફ્લાઇંગ તાલીમ મેળવી હતી. આ પછી તેમની પાસે પ્લેન ઉડાડવાનું લાયસન્સ હતું પરંતુ તેઓ પોતાનું પ્લેન ઉડાવવા માંગતા હતા. અંતે તેમણે ૧૯૭૦ના દાયકામાં ૯૨,૦૦૦ રૂપિયામાં સિંગલ એન્જિનનું એરક્રાફ્ટ ખરીદ્યું હતું અને ઉડાડ્યું હતું. વિજયપત સિંઘાનિયાની ઘણી વિરલ સિદ્ધિઓમાં બ્રિટનથી ભારતમાં એકલા માઈક્રોલાઈટ એરક્રાફ્ટ ઉડાવવાનો પણ સમાવેશ થાય છે.
૧૯૮૮માં તેમણે વિશ્વવિક્રમ સ્થાપીને ૨૩ દિવસ સુધી હોટ એર બલૂનમાં દરિયાની સપાટીથી ૬૯,૮૫૨ ફૂટ ઉપર ઉડનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા.તેમણે ૧૯૯૪માં ઈન્ટરનેશનલ એરોનોટિક ફેડરેશન દ્વારા આયોજિત રેસમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. આ રેસમાં તેણે ૨૪ કલાકમાં ૩૪ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ જીત પર તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેંકટરામને તેમને ભારતીય વાયુસેનાના એર કોમોડોરની માનદ પદવી એનાયત કરી હતી.
એક સમયે ૧૨ હજાર કરોડ રૂપિયાની સંપત્તિના માલિક વિજયપત સિંઘાનિયાને આજે ભાડાંનાં મકાનમાં રહેવું પડે છે. વર્ષ ૨૦૧૫માં વિજયપત સિંઘાનિયાએ તેમની કંપનીના તમામ શેર તેમના પુત્રને આપી દીધા હતા. તે સમયે શેરની કિંમત ૧,૦૦૦ કરોડ રૂપિયા હતી. વિજયપત સિંઘાનિયાનો આરોપ છે કે સીએમડી હોવાનો ફાયદો ઉઠાવીને તેમના પુત્ર ગૌતમે તમામ સંપત્તિ તેના નામે કરી લીધી હતી.
આ વિવાદ એક ફ્લેટને લઈને શરૂ થયો હતો, જેને વિજયપત સિંઘાનિયા વેચવા માંગતા હતા, પરંતુ તેમના પુત્ર ગૌતમ તેને વેચવા માંગતા ન હતા. જાણકારોનું કહેવું છે કે આ વિવાદ એટલો વધી ગયો કે તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને ગૌતમે વિજયપત સિંઘાનિયાને નજરઅંદાજ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી તેમની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થતાં તેમને ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી હતી. તાજેતરમાં તેમણે મલબાર હિલમાં સ્થિત પુનર્વિકસિત ૩૬ માળના જે.કે. હાઉસમાં ડુપ્લેક્સનો કબજો મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.