National

ઓપરેશન જિંદગી: રેટ હોલ માઇનિંગ, 2014માં પ્રતિબંધિત પદ્ધતિ બની આશાની કિરણ

ઉત્તરકાશી: ટનલમાં (Tunnel) ફસાયેલા મજૂરોને બચાવવા માટે ચાલી રહેલા ઓપરેશન જિંદગીનો (Operation Zindagi) આજે 17મો દિવસ છે. ત્યારે મજૂરોને બચાવવાના પ્રયત્નો નિષ્ફળ જતા હવે પ્લાન બી (Plan B) ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. ટનલમાં ફસાયેલા અમેરિકન ઓગર મશીનને બહાર કાઢ્યા બાદ હવે ઉંદરના દરની જેમ માઈનિંગનો આશરો લેવામાં આવ્યો છે. જેની ઉપર 2014માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સોમવારથી રેટ હોલ માઇનિંગ દ્વારા 4-5 મીટર ડ્રિલ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સાથે જ ટનલની ઉપર વર્ટિકલ ડ્રિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 42 મીટર જેટલું ખોદકામ કરવામાં આવ્યું છે. જેમાં 1 મીટર પહોળી પાઇપ નાખવામાં આવશે. જેની મદદથી કામદારોને ટનલની ઉપરથી બચાવવામાં આવશે.

ઉત્તરકાશીની ટનલમાં મજૂરો લગભગ 60 મીટરના અંતરે ફસાયેલા છે. ઓગર મશીને 48 મીટર સુધી ડ્રિલ કર્યું હતું. ત્યાર બાદ મશીન ટનલમાં ફસાઈ ગયું હતું. જેને કાપીને બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેટ હોલ માઇનિંગના નિષ્ણાંતોએ જાતે મેન્યુઅલી ખોદકામ શરૂ કર્યું છે. સોમવારથી ચાર-પાંચ મીટર ખોદકામ કરવામાં આવ્યું છે. તેમજ હવે માત્ર 7-8 મીટર ખોદકામ બાકી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

2014માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મજૂરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેટ હોલ માઇનિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. NGT દ્વારા લગાડવામાં આવેલા પ્રતિબંધ છતાં ગેરકાયદે રેટ હોલ માઇનિંગ કરવામાં આવે છે. દર વર્ષે મેઘાલયમાં રેટ હોલ માઇનિંગ દરમિયાન ઘણા મજૂરો જીવ ગુમાવે છે. માટે રેટ હોલ માઇનિંગના વિષયમાં હંમેશા વિવાદ થતો રહ્યો છે. ઉત્તરાખંડ સરકારના નોડલ ઓફિસર નીરજ ખૈરવાલે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે બચાવ સ્થળ પર લાવવામાં આવેલા લોકો રેટ હોલ માઇનિંગ કરનાર નથી પરંતુ આ ટેકનિકના નિષ્ણાંત છે.

સિલ્ક્યારા ટનલમાં બાકી બચેલું ખોદકામ મેન્યુઅલી કરવામાં આવી રહ્યું છે. જેમાં ટનલ નિર્માણમાં વિશેષ કુશળતા ધરાવતા વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે. જેને રેટ હોલ માઇનર્સ કહેવામાં આવે છે. રેટ હોલ માઇનિંગ ખૂબ જ સાંકડી ટનલોમાં કરવામાં આવે છે. મૂખ્યત્વે કોલસો કાઢવા માટે ખાણિયાઓ આડી ટનલમાં સેંકડો ફૂટ નીચે ઉતરે છે. તેનો ઉપયોગ ખાસ કરીને મેઘાલયના કેટલાક વિસ્તારોમાં કોલસો કાઢવા માટે થાય છે.

ઓગર મશિન ફસાયા બાદ મેન્યુઅલ હોરીઝોન્ટલ ડ્રિલિંગ માટે ખાનગી કંપનીઓની બે ટીમોને ટનલ પાસે તૈનાત કરવામાં આવી છે. એક ટીમમાં 5 નિષ્ણાંતો છે. જ્યારે બીજી ટીમમાં 7 નિષ્ણાંતો છે. આ 12 સભ્યોને અલગ અલગ ટીમોમાં વહેંચવામાં આવ્યા છે. આ ટીમો બાકીનો કાટમાળ બહાર કાઢશે. ત્યાર બાદ 800 મીમી વ્યાસનો પાઇપ ટનલમાં નાખવામાં આવશે. જેની મદદથી NDRFની ટીમો કામદારોને બહાર કાઢશે.

Most Popular

To Top