World

કેમ યુગાન્ડાની જેલમાં બંધ છે ભારતીય ઉદ્યોગપતિની દીકરી?, ભાજપના સાંસદ સાથે છે સીધો સંબંધ

નવી દિલ્હીઃ ભારતીય અરબપતિની દીકરી યુગાન્ડાની જેલમાં કેદ હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતના ઉદ્યોગપતિ નવીન જિંદાલના પરિવાર સાથે સીધો સંબંધ ધરાવતી યુવતી છેલ્લાં 20 દિવસથી યુગાન્ડા જેવા નાના દેશની જેલમાં છે. આ સમાચાર ભારતીય મીડિયા સુધી પહોંચ્યા બાદ સરકાર સફાળી જાગી છે અને યુવતીને છોડાવવાના પ્રયાસ શરૂ કર્યા છે.

દેશના અબજોપતિ ઉદ્યોગપતિની પુત્રી અને દિગ્ગજ ઉદ્યોગપતિ નવીન જિંદાલના પરિવાર સાથે સીધો સંબંધ ધરાવતી વસુંધરા ઓસવાલ છેલ્લા 20 દિવસથી યુગાન્ડાની જેલમાં બંધ છે. વસુંધરાને શૂઝથી ભરેલા રૂમમાં કેદ રાખવામાં આવી છે.
વસુંધરા પંજાબના અબજોપતિ બિઝનેસમેન પંકજ ઓસવાલની પુત્રી છે. વસુંધરા 3જી ઓક્ટોબરથી યુગાન્ડાના કમ્પાલા શહેરમાં સ્થિત જેલમાં બંધ છે. વસુંધરાના પરિવારના સભ્યોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે વસુંધરાને ખોટા આરોપ હેઠળ જેલમાં બંધ કરવામાં આવી છે.

વસુંધરા પર શું છે આરોપ?
વસુંધરાએ 2 લાખ ડોલર (1.17 કરોડ રૂપિયા)ની લોન લીધી હતી. આ લોન વસુંધરાએ પરત ચૂકવી ન હતી. લોન ન ચૂકવવાના આરોપમાં વસુંધરાની ધરપકડ કરાઈ છે. જોકે, પરિવારનું કહેવું છે કે વસુંધરા પર લાગેલા તમામ આરોપો ખોટા છે અને આ મામલો કંપનીના જ એક કર્મચારી સાથે જોડાયેલો છે. તેને ખોટા આરોપમાં ફસાવી દેવામાં આવી છે.

યુગાન્ડામાં વસુંધરા શું કરે છે?
વસુંધરાએ યુગાન્ડામાં પીઆરો ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. તે કંપનીની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. પૂર્વ આફ્રિકામાં આવેલી આ ફેક્ટરીના પ્લાન્ટમાં ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. ઈથેનોલના ઉત્પાદન પ્લાન્ટની તે મુખ્ય વ્યક્તિ છે. વસુંધાની વ્યાવસાયિક સિદ્ધિઓને કારણે તેણીને 2023માં ગ્લોબલ યુથ આઇકોન એવોર્ડ મળ્યો હતો.

વસુંધરાના ભાઈએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે, ‘વસુંધરા ખૂબ જ દયાળુ સ્વભાવની છે. તેણીએ ક્યારેય એક માખી પણ મારી નથી અને દરરોજ પક્ષીઓને ચણ ખવડાવે છે. તે શાકાહારી છે અને એક છોકરી છે જે દરરોજ ધ્યાન કરે છે અને હવે તેનું નામ એવા આરોપો સાથે જોડવામાં આવી રહ્યું છે જે ક્યારેય કરવામાં આવ્યા ન હતા.

વસુંધરા બીજેપી સાંસદની પત્નીની ભત્રીજી છે
વસુંધરા બીજેપી સાંસદ અને દિગ્ગજ બિઝનેસમેન નવીન જિંદાલની પત્ની શાલુ જિંદાલની ભત્રીજી છે અને તેના પિતા પંકજ ઓસવાલ પંજાબના મોટા બિઝનેસમેન છે . 26 વર્ષની વસુંધરાએ અત્યાર સુધી પોતાનું જીવન ભારત, સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં વિતાવ્યું છે. વ્યવસાયમાં જોડાતા પહેલા વસુંધરા સ્વિસ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ હતી.

Most Popular

To Top