રાશી (ખન્ના)ની કુંડળીમાં હિન્દી ફિલ્મો લખી છે કે નહીં તે સમજાતું નથી. આ વર્ષે અજય દેવગણ સાથે તેની ‘રુદ્ર: ધ એજ ઓફ ડાર્કનેસ’ પણ તે ટેલિવિઝન સિરીઝ હતી. અજય દેવગણ સાથેની એ સિરીઝ હતી અને બ્રિટીશ સિરીઝ ‘લ્યુથર’ની રિમેક હતી એટલે તેણે ઉત્સાહથી કામ કર્યું પણ ખાસ ફાયદો ન થયો. હકીકતે ‘મદ્રાસ કાફે’ પછી તે તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કરવા માંડી તેથી નુકસાન ગયું. તે મુંબઇ વધુ રહી હતી અને સ્ટ્રગલ કરી હોત તો તેની પોઝીશન વધુ સારી હોત.
સાઉથમાં જઇને તેણે હિન્દી ફિલ્મના નામ લાગ એવી ફિલ્મોમાં કામ કર્યું – ‘શિવમ’, ‘રાજા ધ ગ્રેટ’, ‘વિલન’, ‘અયોગ્ય’, ‘થેન્ક યુ’, ‘સરદાર’ – જેવી એ ફિલ્મો તેને સાઉથમાં જરૂર ફાયદો કરાવી ગઇ પણ હિન્દીમાં એક ઇંચ પણ ફરક નહીં પડયો. અત્યારે તેની પાસે ઇમરાન હાશ્મી સાથેની ‘ધ લાસ્ટ રાઇડ’ અને સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની ‘યોદ્ધા’ છે. જોકે તેમાં મુખ્ય હીરોઇન તો દિશા પટની છે આમ છતાં તે આશા રાખી શકે છે. તેની પાસે શાહીદ કપૂર સાથેની ‘ફર્જી’ પણ છે. પણ તે ડિજીટલ પ્લેટફોર્મ પર રજુ થવાની છે. અનેએ વેબસિરીઝ છે. પહેલાં અજય અને હવે શાહીદ સાથે.
રાશી એવું આશ્વાસન રાખી શકે કે અત્યારના ટોપ ટેન સ્ટાર પૈકીના સ્ટાર સાથે તેને કામ મળે છે. પરંતુ તેથી તેનું ભવિષ્ય વધુ સારું થઇ શકે કે નહીં તે ખબર નથી. ‘ફર્જી’ વેબ સિરીઝ ૨૫ મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ સિરીઝમાં વિજય સેતુપથી, રેજિના કસાન્દ્રા અને કે.કે. મેનન છે એટલે એક ઇમ્પેકટ તો મુકશે જ.
મોટા સ્ટાર સાથે કામ કરવા મળે પણ વેબસિરીઝમાં તો તેનો અર્થ શું કરવો? રાશી સમજે છે કે દરેકના ભાગે તેની સ્ટ્રગલ હોય છે. તે હતાશ એટલે નથી થતી કે તમિલ, તેલુગુમાં તો તેની ફિલ્મો આવ્યા જ કરે છે. હિન્દીમાં સફળતા થાય તે જરૂરી છે. રશ્મિકા મંદાનાની એક ફિલ્મ સફળ ગઇ અને હિન્દીમાં જગ્યા બની ગઇ. રાશીને પણ એવી આશા છે અને હવે તેની ‘શૈતાન કા બચ્ચા’ નામની ફિલ્મ તો તમિલ, તેલુગુ સાથે હિન્દીમાં પણ રજૂ થવાની છે જેમાં તેની સાથે સિધ્ધાર્થ છે. પણ તેની હમણાં ‘સરદાર’ રજૂ થયેલી તો તેની કમાણી ૧૦૦ કરોડ વટાવી ગયેલી.
આવી સફળ ફિલ્મોની યાદી મોટી છે એટલે એન.ટી. રામારાવ જુનિયર, નાગ ચૈતન્ય, રવિ તેજા, મોહનલાલ, વિજય સેથુપથી, વેંકટેશ, ધનુષ, ગોપીચંદ, કાર્થી વગેરે સાથે તેની ફિલ્મો આવતી રહે છે. બાકી તે છે તો દિલ્હીની અને ઇંગ્લિશ સાથે બી.એ. થઇ છે. એકેડેમિક ટોપર રહ્યા પછી ફિલ્મોમાં આવવાથી તેનામાં એક ખાસ સુઝ પણ છે. તેણે થવું હતું આઇએએસ ઓફીસર પણ નિયતિવશ તે ફિલ્મોમાં આવી ગઇ. પણ તેની ઇચ્છા છે કે હવે ફિલ્મોમાં આવી જ ગઇ છે તો ત્યાં ટોપ પર જ રહેવું જોઇએ. સાઉથમાં ‘બેંગાલ ટાઇગર’, ‘સુપ્રિમ’, ‘જય લવ કુશ’, ‘થોલી પ્રેમા’, ‘ઇમાઇકકા નોડીગલ’, ‘વેંકી મામા’ અને ‘પ્રતિ રોજુ પંડાગે’, ‘સરદાર’ સફળ રહી તેવું હિન્દીમાં બનવું જોઇએ. શીખ છે એટલે તે પુરી મહેનત કરશે ને હિન્દીમાં પણ સફળતા હાંસલ કરશે. •