Charchapatra

એકની એક સમસ્યાઓનો કેમ કોઈ કાયમી ઉકેલ લવાતો નથી?

સુરતમાં હજુ તો વરસાદની શરૂઆત છે. માત્ર ચાર ઈંચ વરસાદમાં સુરતની હાલત ખરાબ થઈ ગઈ છે. ઠેકઠેકાણે રસ્તાઓ બેસી ગયા છે. અમુક જગ્યા પર તો એટલી ખરાબ હાલત છે કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે તે જ સમજાતું નથી.પહેલાં રોડ બનતા હતા તો વરસોવરસ ચાલતા હતા.અરે, રેલ આવે તો પણ રોડ તૂટતા નહોતા અને હવે તો રોડ તૂટે તો ખાડા પૂરવામાં પણ ઉત્સવ મનાવાય છે.  ખાડાઓને કારણે વાહનચાલકોને ખૂબ જ તકલીફો પડે છે. વાહનો બંધ થઈ જાય છે. એન્જીનમાં પાણી ઘૂસી જાય છે.

હાડકાં ખોખરાં થઈ જાય છે. સિનિયર સિટીઝનોને તો પારાવાર તકલીફો પડે છે. રાહદારીઓને ક્યાં ચાલવું તે સમજ પડતી નથી. ઉપરાંત વાહનચાલકો વરસાદના કાદવ કીચડવાલા છાંટા ઉડાવી કપડાં ખરાબ કરે છે. ક્યાંક અકસ્માતનો ભય પણ રહે છે.  નીચાણવાળા એરિયામાં કાયમ વરસોથી  વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે. એનો કોઈ કાયમી ઉકેલ કેમ લવાતો નથી? દર વરસે કાયમ ચોમાસામાં  પાણી ભરાવાની સમસ્યા રહે જ છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.    પાણી ઉતરતા નથી. રોગચાળો ફેલાઈ ના જાય એની ખાસ તકેદારી રાખવાની જરૂર છે. ગટરો કેમ આગળથી સાફ કરાતી નથી.  સવારે નોકરિયાત વર્ગને કામ પર જવા ખૂબ જ મુશ્કેલીઓ આવે છે.

વિદ્યાર્થીઓ  ઘરેથી શાળા સુધી કેવી રીતે જાય? ગૃહિણીઓ શાક માર્કેટમાં શાકભાજી અને બીજી રોજિંદી જરૂરિયાતની ખાવાપીવાની વસ્તુઓ લેવા વરસતા વરસાદમાં પાણી ભરાયેલા રસ્તા પર કેવી રીતે નીકળી શકે? જરા જોરથી વરસાદ પડે તો રસ્તાની સૂરત અને મૂરત બદલાઈ જાય છે. વાસ મારતું ખરાબ પાણીને કારણે જે તે એરિયાનાં રહેવાસીઓની તકલીફોનો પાર રહેતો નથી.   સુરતને સ્માર્ટ સિટી બનાવવું છે તો પહેલાં આ એક કાયમી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવાની ખાસ જરૂર છે. ખાડીકિનારા પર દર વરસે ખાડીઓ ઉભરાઈ જાય છે. ખાડીઓનું ચોમાસા પહેલાં ડ્રેજીંગ કેમ થતું નથી? બરાબર સાફ સફાઈ કેમ કરવામાં આવતી નથી? દર વરસે ખાડી કિનારે રહેતાં પરિવારો ચોમાસામાં અસંખ્ય મુસીબતો તકલીફો વેઠે છે. દિવસો  સુધી મહોલ્લામાં શેરીમાં પાણી ભરાઈ જાય છે છતાં કોઈ ઉકેલ કેમ લવાતો નથી?
સુરત     – અબ્બાસ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top