Comments

સરકારી શાળા કોલેજોની જરૂરિયાત કેમ છે?

‘જેને રૂપિયા ખર્ચીને શિક્ષણ મેળવવું છે તેને શા માટે રોકવો જોઇએ?’ સરકારી શિક્ષણ સંસ્થાઓ હોય જ પણ ખાનગી શિક્ષણ સંસ્થાઓ પણ હોય જેથી વધુ લોકો ભણી શકે! જે આર્થિક સધ્ધર છે તેઓ રૂપિયા ખર્ચીને પણ ભણી શકે!’ – આ તર્ક હતો ભારતમાં શિક્ષણના ખાનગીકરણને માન્યતા આપવાનો! ભારતે 1991 માં આર્થિક ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિ સ્વીકારી પછી 1992 માં શિક્ષણ ક્ષેત્રે પણ ખાનગીકરણની નીતિ સ્વીકારી અને ઉચ્ચ શિક્ષણમાં ‘સ્વનિર્ભર શાળા કોલેજો શરૂ થઇ. યાદ રહે. ખાનગી પ્રાથમિક શાળાઓ તો ભારતમાં પહેલેથી જ છે. જો કે પહેલાં પ્રાથમિક શિક્ષણ સ્થાનિક સ્વરાજયની સંસ્થા દ્વારા ચાલતું અને મોટા ભાગનાં લોકો પોતાનાં બાળકોને સરકારી પ્રાથમિક શાળામાં જ ભણાવતાં. શહેરોમાં ખાનગી પ્રાથમિક શાળાઓ ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક શાળાઓ સાથે ચાલતી! પણ સંખ્યા અને વ્યાપ ઓછો હતો.

ખાનગીકરણની શરૂઆતમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ખાનગી સંસ્થા નહોતી. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં ખાનગી યુનિવર્સિટી, કોલેજો શરૂ થઇ. એન્જિનિયરીંગ અને મેડિકલ માટે ગુજરાતના વિદ્યાર્થીઓ બીજા રાજયમાં ખાનગી કોલેજોમાં જતાં હતાં ત્યારે આ મુદ્દો આવ્યો કે જેને રૂપિયા ખર્ચવા સામે વાંધો નથી તેને રાજયમાં જ તક કેમ ન મળે? અને ગુજરાતમાં વર્ષ ૨૦૦૦ પછી ઉચ્ચ શિક્ષણમાં ખાસ તો વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં ખાનગી આત્મનિર્ભર સંસ્થાઓ શરૂ થઇ. ખાનગી એન્જિનિયરીંગ કોલેજો, ખાનગી બી.એડ. કોલેજો ખાનગી પી.ટી.સી. કોલેજો, પછી તો ખાનગી સાયન્સ કોલેજો, કોમર્સ કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓ…. ખાનગી શિક્ષણ સંસ્થાઓનો જાહેરમાં વેપાર શરૂ થયો!

સરકારી સત્તાધીશોએ જ મામા – કાકા – ભત્રીજાના નામે કોલેજો શરૂ કરી. શરૂઆતમાં લોકો પ્રથમ પસંદગી સરકારી ઓછી ફી, યોગ્ય સ્ટાફ ધરાવતી જૂની સંસ્થાઓને પ્રથમ પસંદગી આપતાં. પણ પછી સરકારી સત્તાવાળાએ પોતાની દુકાનો ચલાવવા સરકારી શિક્ષણ તંત્રને નબળું પાડવાનું શરૂ કર્યું. નવી શિક્ષણ સંસ્થાઓ ખોલવાનું બંધ કર્યું, જૂની સંસ્થાઓમાં શિક્ષક અધ્યાપકની ભરતી કરવાનું બંધ કર્યું. સરકારી શિક્ષણ સંસ્થાઓને જુદા જુદા સરકારી ઉત્સવો કાર્યક્રમોમાં જોડી દીધા, જેથી શિક્ષણ અસ્તવ્યસ્ત થવા માંડયું! અને ‘સરકારી શાળા કોલેજોમાં ‘કોઇ ભણાવતું જ નથી’ ની માન્યતા સમાજમાં ફેલાવા લાગી. ખાનગી સંસ્થાઓ તરફ લોકો પરાણે જવા લાગ્યાં!

ગુજરાતમાં છેલ્લાં વર્ષોમાં ખાનગી યુનવિર્સિટીઓ ખાનગી શાળા કોલેજોનો રાફડો ફાટયો છે. તેમની શિક્ષણની ગુણવત્તા તળિયે ગઇ છે. કાગળ પર ચાલતી સંસ્થાઓ ‘ફી લઇને ડીગ્રી’ આપવાનો ધંધો કરે છે. વિદ્યાર્થી માટે શાળા કોલેજોમાં નિયમિત જવું ફરજીયાત નથી! અને છેલ્લાં વીસ વર્ષોમાં સરકારી શાળા કોલેજોની સ્થાપના થઇ હોય તેવું નહીંવત્ છે!

ભારતના મિશ્ર અર્થતંત્રમાં સરકારી તંત્ર ખાનગીને સ્પર્ધા માટે છે. ખાનગી ક્ષેત્રને બેલેન્સ કરવા માટે કાબૂમાં રાખવા માટે સરકારી જરૂરી છે. જો ઉત્તમ સરકારી શાળાઓ વાજબી ભાવે શિક્ષણ આપે તો ખાનગી શાળાને દબાણ ઊભું થાય! અનિયંત્રિત, અમર્યાદિત ખાનગી ક્ષેત્રને કાબૂમાં રાખવા સરકારી શિક્ષણ સંસ્થાઓ જરૂરી છે અને જરૂર છે આવી શિક્ષણ સંસ્થા વિકસાવે તેવી સરકારની!

અત્યારે ગુજરાતના રાજકારણમાં મફત શિક્ષણનો મુદ્દો ચર્ચામાં છે. સફાળી જાગેલી ગુજરાત સરકારે ‘સ્માર્ટ સ્કૂલ’ના નામે કરોડોના ખર્ચાવાળી નમૂનારૂપ અને વીડિયો ફરતા કરી શકાય તેવી શાળાઓ બનાવવાનું શરૂ કર્યું છે. આપણે સત્તાવાળાને કહેવું છે કે સરકારી પ્રાથમિક શાળાઓને ‘સ્માર્ટ નહીં સંવેદનશીલ બનાવો.’ સારી પ્રાથમિક સુવિધાવાળી સાદી શાળાઓ ખોલો, ગામે ગામ ખોલો, યોગ્ય પ્રમાણમાં શિક્ષકોની ભરતી કરો અને શિક્ષકોને ભણાવવા સિવાયનાં કામ ન સોંપો!

ગ્રાન્ટ ઇન એઇડ યુનિવર્સિટીમાં સેલ્ફ ફાયનાન્સ કોલેજોનો ધંધો બંધ કરો અને ખાસ તો જેમ નેતાઓના ઘરે આવકવેરાના દરોડા પાડો છો તેમ આ ખાનગી શિક્ષણ સંસ્થામાં સામુહિક દરોડા પાડો. શકય હોય તો સમાજ ચેનલ અને ન્યાયતંત્રને સાથે રાખીને દરોડા પાડો. જે કાગળ ઉપર ચાલે છે. ભૂતિયા શિક્ષકો, અધ્યાપકો રાખીને ચાલે છે, ઘરે બેઠા ડીગ્રી વેચે છે! તેને બંધ કરાવો. આ સમાજને આંતરિક રીતે નબળો પાડે છે. વિચારવિહીન બનાવે છે. શિક્ષણમાં નૈતિક અધ:પતન થાય એ સમાજનું પછી બધે જ પતન થાય છે!

જેને ભણવું છે તે સૌને તક મળવી જોઇએ એવા તર્ક સાથે શરૂ થયેલી ખાનગી શિક્ષણ સંસ્થાઓ હવે શિક્ષકો અને વાલીઓ બન્નેનું શોષણ કરે છે. તેને કાબૂમાં રાખવાનો રસ્તો છે. સરકારી વાજબી ભાવનું શિક્ષણ. સરકારી શાળાઓ માત્ર ગરીબો માટે નથી. તે ખાનગી શાળાઓને સ્પર્ધા પૂરી પાડવા માટે છે. યોગ્ય ઉચ્ચ મધ્યમ વર્ગનાં બાળકો ભણે છે! જો સરકારી અને ખાનગી શાળા વચ્ચે સ્પર્ધા થશે તો જ સમાજને વાજબી ફી અને ઉત્તમ શિક્ષણના લાભ મળશે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top