Comments

શિક્ષણમાં વાલીની ભૂમિકા શૂન્યવત્ કેમ થતી જાય છે?

ગુજરાત યુનિવર્સિટી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાના અન્ડર ગ્રેજ્યુએટના મહત્ત્વના સેમેસ્ટરની પરીક્ષાઓ લેખિત સ્વરૂપે રેગ્યુલર પધ્ધતિથી સંપન્ન કરી. વીર નર્મદ યુનિ. સુરત હવે પરીક્ષાઓ યોજશે અને તે પણ ઓનલાઈન લેશે તેવી જાહેરાત થઈ છે. ઉત્તર ગુજરાત યુનિ. છેક હવે પરીક્ષાઓ યોજી, જેમાં સેમેસ્ટર પાંચમાં આર્ટસ-કોમર્સના નેવું ટકા વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા આપી દીધી, જ્યારે સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાની માંગ સાથે પરીક્ષા ન આપી. લગભગ 65 થી 70 ટકા વિદ્યાર્થીઓ રેગ્યુલર પધ્ધતિથી લેવાયેલી પરીક્ષાથી દૂર રહ્યા!

Filipino children continue missing education opportunities in another year  of school closure

વર્ષ 2020-21 માં કોરોના ચરમસીમાએ પહોંચ્યો અને શાળા કોલેજોમાં વર્ગખંડ શિક્ષણ સદંતર બંધ રહ્યું ત્યારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની માંગણી ઊઠી. યુનિવર્સિટી કક્ષાએ યુ.જી.સી. એ સ્ટેન્ડ લીધું કે ફાયનલ ઈયર મતલબ કે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા લીધા વગર ડીગ્રી આપી શકાય નહીં. કોર્ટમાં કેસ ચાલ્યા અંતે પરીક્ષા લેવાના હુકમ થયા અને યુજીસીએ પરિસ્થિતિની ગંભીરતાને જોતાં પરીક્ષા ઓફલાઈન અને ઓનલાઈન બન્ને રીતે લેવાની છૂટ આપી! ઘણી બધી યુનિવર્સિટીએ ઓફલાઈન પરીક્ષા જ લીધી. પણ ઘણી યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષાના નામે માત્ર મોબાઈલ એપ્લીકેશનથી વૈકલ્પિક જવાબોવાળી MCQ પધ્ધતિથી પરીક્ષા લીધી.

આમ તો પ્રશ્નો અહીં જ થવા જોઈતા હતા કે ઓનલાઈન પરીક્ષા એટલે માત્ર વૈકલ્પિક જવાબવાળા પ્રશ્નોની પરીક્ષા? અને ઓનલાઈન એટલે માત્ર મોબાઈલ એપ્લિકેશનથી લેવાની પરીક્ષા? તે પણ ઘરે બેઠા? કોમર્સના વિષયમાં દાખલા ગણવાનું શું? ભાષામાં વર્ણન-વ્યાકરણ-કાવ્યશીલતાનું મૂલ્યાંકન કેવી રીતે થાય? દરેક વિષયમાં પ્રશ્નો ઊભા થાય, પણ કોરોનાએ જાણે આપણા મગજ ઉપર હુમલો કરી દીધો હતો. વિચાર અને પ્રશ્ન ઉદ્દભવવાના બંધ થઈ ગયા હતા અને આપણે આ બધું જ ચાલવું! ચલાવ્યું તો ભલે ચલાવ્યું! પણ હવે આની ટેવ પડવા લાગી છે. હોંશિયાર વિદ્યાર્થીને નુકસાન થવા લાગ્યું છે. ખાનગી સંસ્થાઓને વિદ્યાર્થીઓ પાસ કરાવવાનું મોકળું મેદાન મળવા લાગ્યું! અને વગર મહેનતે પાસ થવાતું હોય તો કોણ ના પાડે?

સૌ પ્રથમ તો કોલેજકક્ષાના શિક્ષણ-અભ્યાસક્રમ- અધ્યાપકોની લાયકાત-પરીક્ષા પધ્ધતિ બધાના નિયમો બનાવતી યુ.જી.સી.એ જ વેળાસર પરીક્ષાના માર્ગદર્શન માટે સ્પષ્ટ પરિપત્ર કરવો જરૂરી હતો (હજુ છે જ!) કે કોઈ પણ યુનિવર્સિટી માત્ર બહુવિકલ્પ પ્રશ્ન આધારિત પરીક્ષા લઈને ડીગ્રી આપી શકાશે નહીં! શિક્ષણ મૂલ્યાંકનના તમામ આયામો જળવાય તે રીતે જ પરીક્ષા લેવાવી જોઈએ! હા, ઓનલાઈન પરીક્ષા લઈ જ શકાય પણ તેમાં વર્ણનાત્મક અને વિશ્લેષ્ણાત્મક પ્રશ્નો- જવાબ આવવા જ જોઈએ. દુનિયાભરમાં સારી તમામ યુનિવર્સિટી ઓનલાઈન પરીક્ષા લે જ છે! પણ આ ઓનલાઈન પરીક્ષામાં એક તો વિદ્યાર્થી જવાબો ટાઈપ કરે છે અથવા બીજા વિક્લ્પમાં તે લખીને કોપી અપલોડ કરે છે! પણ આપણા દેશ-વિદેશ ફરનારા શિક્ષણવિદો કદી આ બાબતે લખતા નથી, યુનિ. નું ધ્યાન દોરતા નથી!

U.S. Provides Php126 Million to Support Filipino Children's Education  During Pandemic - U.S. Embassy in the Philippines

બજારમાં જેમ ગ્રાહક જાગૃત ન હોય તો તે છેતરાય છે. લોકશાહીમાં નાગરિક જાગૃત ન હોય તો છેતરાય છે તેમ શિક્ષણના આ બજારમાં પણ વિદ્યાર્થી અને વાલીએ જાગતા રહેવું પડે! પણ ભારે દુ:ખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં છેલ્લાં વર્ષોમાં માતા-પિતા બાળકોને પ્રાથમિકમાં ખાસ તો ઈંગ્લિશ મીડિયમમાં ભણવવા જેટલા જાગૃત થાય છે કે બાળકને ડોક્ટર- એજિનિયર બનાવવા જેટલાં સતર્ક બને છે એમાંના દસમા ભાગની પણ નિસ્બત કોલેજકક્ષાના જનરલ અભ્યાસમાં બાળક જોડાઈ જાય પછી નથી રાખતા! બાકી બાળક યુનિ.ની પરીક્ષાનો બહિષ્કાર કરે તો મા-બાપે પૂછવું જોઈએ કે તે કેમ પરીક્ષા ન આપી? જાગૃત વાલીએ તો દિવાળી પહેલાં પૂરા થયેલા સેમેસ્ટરની પરીક્ષાઓ બીજા સત્રની પરીક્ષા લેવાના સમય સુધી ન લેવાય તો યુનિ. ને કે શિક્ષણ વિભાગને પ્રશ્ન કરવા જોઈએ!

આખા ગુજરાતમાં કાપડના વેપારીઓએ જી.એસ.ટી.ના સંભવિત વધારા સામે જે વિરોધ નોંધાવ્યો તેનો એક ટકો વિરોધ પણ પોતાનાં બાળકોના શિક્ષણની બગડતી ગુણવત્તા માટે નથી નોંધાવ્યો! આ ખોટું છે. આપણે કોલેજમાં વારંવાર લખી ચૂક્યા છીએ કે ગામે ગામ વાલીમંડળ બનાવો. શાળા કોલેજમાં શું ભણાવાય છે? કોણ ભણાવે છે? આપણા બાળકનું ખરેખર ઘડતર થાય છે કે નહીં? તેની કેળવણીનું મૂલ્યાંકન થાય છે કે કેમ? આ બધી જ બાબતોનું વખતોવખત ધ્યાન રાખવું પડશે! બાકી શિક્ષણની આ આખી જ વ્યવસ્થા માત્ર ફી ભરો અને જ્ઞાન વગરની ડીગ્રી મેળવો જેવી બની જશે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top