Charchapatra

પોસ્ટ ઓફિસ કેમ સતત અવગણાતી રહી છે?

તા.૨૩-૦૧-૨૦૨૩ને દિનના ‘ગુજરાતમિત્ર’માં ભાઇ શ્રી સુરેન્દ્ર દલાલના સ્પીડપોસ્ટ અંગેના ચર્ચાપત્રમાં એમણે પોસ્ટઓફિસની કાર્યક્ષમતા/કાર્યપધ્ધતિ અંગે જે સવાલ ઉઠાવ્યો એ સંપૂર્ણપણે વ્યાજબી છે. ભાઇશ્રી દલાલનું ચર્ચાપત્ર વાંચીને એ વિચાર આવ્યો કે દેશના ખૂણે ખૂણામાં વિસ્તરેલ પોસ્ટ ઓફિસો દેશની દરેકે દરેક સરકારી અને ખાનગી સંસ્થાઓ તેમજ એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે સાંકળવા માટેની સૌથી અગત્યની કડી છે અને ભૂતકાળમાં એવું બનતું પણ સૌએ જોયું અને જાણ્યું જ છે. આપણે ત્યાં કોરિયર સર્વિસ, સરકારી કે ખાનગી નાણાંકીય સંસ્થાઓ, જેનો આજની તારીખે પણ પોસ્ટ ઓફિસો જેટલો વિસ્તાર નથી થયો કે નથી કરવામાં આવ્યો તેમ છતાં લોકોમાં જે ઝડપથી એ સેવાઓ લોકપ્રિય થઇ એટલી ઝડપથી આપણી પોસ્ટઓફિસો કેમ લોકપ્રિય નથી થઇ એ દેશની સરકારો અને લોકોએ વિચારવું જરૂરી છે.

પોસ્ટઓફિસનો ઇતિહાસ જોઇએ તો આપણો દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોએ સ્થાપેલ આ સંસ્થાની દેશમાં લગભગ ત્રેવીસ હજારથી વધુ પોસ્ટ ઓફિસો અસ્તિત્વ ધરાવતી હતી જે વધીને આજે લગભગ ૧,૫૬,૦૦૦ જેટલી થઇ છે, જેમાંની અંદાજે નેવું ટકા જેટલી ઓફિસો દેશનાં ગામડાંઓમાં આવેલ છે. હિમાચલ પ્રદેશની સ્પીતી વેલીમાં ૧૪,૫૦૦ ફૂટની ઊંચાઇએ હિક્કીમ ગામમાં દુનિયામાં સૌથી ઊંચાઇએ ખુલેલ પોસ્ટ ઓફિસ છે. આપણી આ પોસ્ટઓફિસો આખી દુનિયામાં સૌથી મોટું નેટવર્ક ધરાવતી સંસ્થા છે. સમગ્ર દેશનાં લોકોને સાંકળતી આ સૌથી અગત્યની કડીને જ કેમ અવગણવામાં આવેલ છે અને દેશનાં લોકો એમની મોટા ભાગની બચતના રોકાણ માટે જાહેર કે ખાનગી ક્ષેત્રની બેન્કો અને અન્ય નાણાંકીય સંસ્થાઓને કેમ પ્રાધાન્ય આપે છે એ બાબતે સરકારે વિચાર કરવો જોઇએ.

સરકારી અને ખાનગી નાણાંકીય સંસ્થાઓ માફક પોસ્ટ ઓફિસોને પણ આધુનિકીકરણનો લાભ મળ્યો હોત અને એના કર્મચારીઓનાં પગારઘોરણ અને અન્ય સવલતોનો ખ્યાલ રાખવામાં આવ્યો હોત તો આપણા દેશના શિક્ષિત યુવાનો નોકરી માટે બેન્કો કે અન્ય નાણાંકીય સંસ્થાને પ્રાધાન્ય આપે છે એ જ યુવાનોએ નોકરી માટે દેશની કરોડરજ્જુ સમાન પોસ્ટ ઓફિસોને પ્રાધાન્ય આપ્યું હોત. અલબત્ત એનો અર્થ એવો નથી જ કે અન્ય નાણાંકીય સંસ્થાઓને અવગણીને પોસ્ટ ઓફિસને પ્રાધાન્ય આપવું જોઇએ, પરંતુ જે સંસ્થા દેશના દરેક શહેર અને કસ્બાઓને સાંકળી વિવિધ નાણાંકીય અને અન્ય સેવાઓ પણ આપી રહી છે એના પર પૂરતું ઘ્યાન આપવમાં આવે તો આ સંસ્થા હરીફાઇના આ યુગમાં કોઇ પણ નાણાંકીય સંસ્થા જેટલી કે વધુ ઉપયોગી સાબિત થઇ શકે અને દેશનાં બેરોજગારોની સંખ્યામાં પણ સારો એવો ઘટાડો કરવામાં પણ ઉપયોગી સાબિત થઇ શકે છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top