Comments

એ જાદુગરને ઓળખો

સવાર પડી અને ઘરમાં બુમાબુમ શરૂ થઇ. ‘મમ્મી મારાં મોજાં કયાં છે?’ દીકરા કિયાને પૂછ્યું; બીજી બૂમ આવી ‘નિશા મારું ટીફીન આપ’ પતિદેવ સોહને બૂમ પાડી;  ‘મોમ, મારું રેડ ટોપ ક્યાં છે?’ દીકરી સિયાએ પૂછ્યું.દરવાજા પર બેલ વાગી.કોઈએ દરવાજો ખોલ્યો નહિ નિશાએ જ રસોડામાંથી બહાર આવી દરવાજો ખોલ્યો.ઇસ્ત્રી માટે કપડ આપ્યાં,ત્યાં સાસુએ બૂમ પાડી ‘નિશા જરા મારી દવા આપ તો? તેણે તરત જઈને દવા આપી. સસરાજી આ રોજની બુમાબુમ છાપું વાંચતાં સાંભળી રહ્યા હતા.એકલી નિશા બધાં કામ કરી રહી હતી.બધાની જરૂરિયાત પૂરી કરી રહી હતી.

નિશા વિના કોઈને ચાલે તેમ ન હતું.કિયાને કહ્યું, ‘બાય ડેડ …બાય દાદા..’નિશા બોલી, ‘બાય દીકરા, મોબાઈલ ,વોલેટ લીધું.બાઈક સાચવીને ચલાવજે.’કિયાને કહ્યું, ‘મોમ, મને ખબર છે રોજ સલાહ નહિ આપ …’અને નીકળી ગયો.રેડ ટોપ પહેરીને તૈયાર થઈને સિયા નીકળતાં બોલી, ‘બાય એવરીવન ,મોમ આજે મોડું થશે. કોલેજ પછી પાર્ટીમાં જવાનું છે.’નિશાએ કહ્યું, ‘ઓ.કે., બેટા પણ બહુ મોડું નહિ કરતી.’સિયા છણકો કરી બોલી, ‘મોમ ,પાર્ટીમાં મોડું તો થાય જ, સમજ જરા …’દાદા બધું જોતા હતા અને સાંભળતા હતા. પતિ સોહનને ટીફીન અને રૂમાલ હાથમાં આપતાં નિશાએ પૂછ્યું, ‘સાંજે જમવામાં શું બનાવું?’

સોહને જરાક ખીજાઈને કહ્યું, ‘જે બનાવવું હોય તે બનાવજે.તને ખબર છે કે મને આ સવાલ સાંભળીને જ કંટાળો આવે છે તો પણ સમજતી નથી.’દાદાએ આ પણ સાંભળ્યું. નિશા ઘરકામ કરવામાં લાગી ગઈ.સવારે સૌથી પહેલાં ઊઠ્યા પછી તે સતત કામ કરી રહી હતી અને બાકી બધા બુમાબુમ અને ઓર્ડર. સાંજે બધા ઘરે આવ્યાં. સિયા પાર્ટીમાંથી રાત્રે અગિયાર વાગે આવી. હવે દાદા બોલ્યા, ‘બધા બેસો, મારે એક વાત કરવી છે.’બધાં બેઠાં; દાદાએ બોલવાનું શરૂ કર્યું, ‘કિયાન, તારાં મોજાં અને બીજું કંઈ પણ ન મળે તો કોણ શોધી આપે છે? સિયા, તારા કપડાનું ધ્યાન કોણ રાખે છે? સોહન ,તારું ટીફીન અને રોજ બધાને ભાવતું ભોજન કોણ બનાવે છે? અમારી દવા અને બીજી જરૂરિયાતો સમયસર કોણ સાચવે છે?’

શું આ બધું જાદુથી થાય છે? અને જો આ બધું જાદુથી થતું હોય તો તે જાદુગર છે મારી વહુ નિશા અને તમે બધા જ તેના ગુનેગાર છો. તે આખા ઘરને સાચવે છે.તમને રોજ એની મદદની જરૂર પડે છે અને વળી પાછા કોઈ ને કોઈ બાબતે તેનું જ અપમાન કરી નીકળી જાવ છો અને આશા રાખો છો કે તે તમારું બધું જ ધ્યાન રાખે અને ખરાબ પણ ના લગાડે.’દાદાની વાત સાંભળી બધાને પોતાની ભૂલ સમજાઈ. દાદાએ આગળ કહ્યું, ‘આ ઘર જેની જાદુઈ છડી જેવા પ્રેમ અને મહેનતથી ચાલે છે તે જાદુગર છે આ ઘરની ગૃહલક્ષ્મી નિશા અને આજ પછી હું તેનું અપમાન થશે તે ચલાવીશ નહિ.’ દરેક ગૃહિણી એક જાદુગર છે.તેનું અને તેના કામનું સન્માન કરવું જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top