Comments

ભારતીય પાસપોર્ટનું વજૂદ આટલું ઓછું કેમ?

દરેક દેશના પાસપોર્ટની કેટલી વિસાત છે, એની ગણતરી આ પાસપોર્ટ ઉપર મુસાફરી કરનાર જે તે દેશનાં નાગરિકોને કેટલા દેશોમાં વિઝાની  પ્રક્રિયામાંથી પસાર થયા વગર પ્રવેશ મળે છે તેના પર નક્કી થાય છે. વિવિધ દેશના એરપોર્ટ પર કોઈ પણ પ્રવાસી ઊતરે ત્યારે જે તે પાસપોર્ટ પર આધારિત વિઝાની કોઈ પણ ઝંઝટમાં પડ્યા વગર પ્રવેશ મળી જાય એને આધાર માની પાસપોર્ટનું રેન્કિંગ આપવામાં આવે છે. ભારત દુનિયાનો સૌથી વધુ વસતી ધરાવતો અને અર્થવ્યવસ્થાના કદની દૃષ્ટિએ ચોથા નંબરનો દેશ છે પણ ભારતનો પાસપોર્ટ મજબૂતાઈની દૃષ્ટિએ વૈશ્વિક રેન્કિંગમાં પહેલા પચાસ નંબરમાં પણ સ્થાન પામતો નથી. જેને આધારે પાસપોર્ટનું રેન્કિંગ ગણવામાં આવે છે, તેને ‘હેનલેપાસપોર્ટઇન્ડેક્ષ કહે છે.’

હેનલેપાસપોર્ટઈન્ડેક્સ (Henley Passport Index) એ વિશ્વના તમામ પાસપોર્ટ્સનું વાર્ષિક વૈશ્વિક મૂલ્યાંકન છે, જે બતાવે છે કે દરેક દેશનાં નાગરિકોને કેટલા દેશોમાં વિઝા વિના અથવા ‘વિઝા-ઓન-અરાઇવલ’ સાથે પ્રવેશની છૂટ મળે છે. આ ઈન્ડેક્સIATAના માહિતીના આધારે હેનલે એન્ડ પાર્ટનર્સ દ્વારા તૈયાર થાય છે.સૌ પ્રથમ ૨૦૦૫માં શરૂ કરાયેલ આ ઈન્ડેક્સ એ નાગરિકોની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા દર્શાવતો માપદંડ છે. તે બતાવે છે કે એક દેશની વિદેશ નીતિઓ, રાજનૈતિક સંબંધો અને આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા તેના પાસપોર્ટની શક્તિને કેવી રીતે અસર કરે છે.

વિશ્વના દેશોમાં એ પાસપોર્ટ ધારક આગોતરો વિઝા મેળવ્યા વગર કેટલા દેશોમાં દાખલ થઈ શકે છે, તેના આધાર ઉપરથી આ ઇન્ડેક્ષ નક્કી કરવામાં આવે છે. આ ઇન્ડેક્ષ માટેનો જરૂરી અહેવાલ અથવા વિગતો અધિકૃત રીતે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA) જે દુનિયાની આ ક્ષેત્ર સાથે સંલગ્ન મોટામાં મોટી આંકડાકીય માહિતી ધરાવે છે તેનો ઉપયોગ હેનલે એન્ડ પાર્ટનર્સ રિસર્ચ ટીમ દ્વારા કરીને ધી હેનલેપાસપોર્ટઇન્ડેક્ષ તૈયાર કરવામાં આવે છે.

આમાં પહેલા નંબરનો દેશ સિંગાપોર છે, જેને ૧૯૩ દેશોમાં પ્રવેશ મળે છે, ૧૦૯ દેશોમાં પ્રવેશ સાથે બીજા નંબરનો દેશ દક્ષિણ કોરિયા, ત્રીજા નંબરે જાપાન, ચોથા નંબરે ૧૮૮ના આંક સાથે જર્મની, ઇટાલી, લક્ઝેમ્બર્ગ, સ્પેન અને સ્વિટ્ઝર્લેન્ડ અને પાંચમા નંબરે ૧૮૭ના આંક સાથે ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ડેન્માર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, આયર્લેન્ડ અને નેધરલેન્ડ એમ સાત દેશો આવે છે.

હેનલેપાસપોર્ટઇન્ડેક્ષ મુજબ ભારતનો પાસપોર્ટ ૫૭ ગુણાંક સાથે ૮૫મા નંબરે આવે છે. આ યાદી ૨૦૨૫ના વર્ષ માટેની છે અને થોડાક સમય પહેલાં જ ઑક્ટોબર, ૨૦૨૫માં જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભારત પાંચ અંક ગુમાવીને ૮૫મા નંબરે પહોંચ્યું છે. આ બધાની વચ્ચે તાજેતરમાં અફઘાનિસ્તાનમાં પ્રવેશ સમયે તાલિબાન સૈનિકોએ એક ભારતીય મોટર સાઇકલિસ્ટને સરહદી ચેક પોઇન્ટ પરથી એના કોઈ પણ પ્રકારના ટ્રાવેલ ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર પસાર થવા દીધો નહોતો એટલું જ નહીં પણ સાથે ચા પીવા માટેની પણ ઑફર કરી હતી.

૨૦૨૫ના હેનલેપાસપોર્ટઈન્ડેક્સમાં ભારત ૮૫મા સ્થાને છે, જે ગયા વર્ષે ૮૦મા સ્થાને હતું. ભારતીય પાસપોર્ટધારકોને ૫૭ દેશોમાં વિઝા વિના પ્રવેશ મળી શકે છે, જ્યારે ૨૭ દેશો ‘વિઝા-ઓન-અરાઇવલ’ સુવિધા આપે છે. ભારત ૨૦૨૪માં ૫૯ દેશોમાં વિઝા વિના પ્રવેશ મેળવી શક્યો હતો, જેની સરખામણીમાં આ વર્ષે બે દેશો ઓછા થયા છે. ઇતિહાસમાં ભારતનું શ્રેષ્ઠ સ્થાન ૨૦૦૬માં ૭૧મું હતું અને સૌથી નીચું ૨૦૨૧માં ૯૦મું હતું.

આમ, દુનિયાની ચોથી મોટી અર્થવ્યવસ્થા હોવું અથવા દુનિયાનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ હોવું એ એક માત્ર કારણને લઈને તમારો પાસપોર્ટ દુનિયાભરમાં ‘હેવીવેઈટ-વજનદાર’ અથવા વજૂદવાળો બની જાય તે જરૂરી નથી.જે રીતે આ ઈન્ડેક્સ દેશની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને રાજદ્વારી શક્તિનો પરિચય આપે છે, તે રીતે ભારત માટે આ એક સાવચેતીભરેલો સંકેત છે. દુનિયા સાથે નાગરિકોની ગતિશીલતા વધારવા માટે વિદેશ નીતિમાં વ્યૂહાત્મક સુધારાઓ જરૂરી છે. ૨૦૨૫નો હેનલેપાસપોર્ટઈન્ડેક્સ દર્શાવે છે કે ભારતને હજુ લાંબો માર્ગ પસાર કરવો છે. જો કે યોગ્ય રાજદ્વારી અને ટેકનિકલ સુધારાઓથી તે નજીકના ભવિષ્યમાં પોતાની રેન્ક ઊંચી કરી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top