સુરત(Surat) : રશિયા-યુક્રેન યુદ્ધ (RussiaUkrainwar) વચ્ચે યુક્રેન દ્વારા રશિયાને યુદ્ધ માટેનું મોટું ભંડોળ (Fund) રફ હીરાના (Rough Diamond) વેચાણમાંથી મળી રહ્યું હોવાનો આરોપ મુક્યા G7 દેશો પર દબાણ લાવતા અમેરિકાએ (Amercia) રશિયન રફમાંથી તૈયાર થયેલા હીરા અને જવેલરીના ઇમ્પોર્ટ (Diamond And Jewelry Import Ban) પર પ્રતિબંધ મૂક્યો છે.
G7નાં બાકીના દેશો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન,અને યુરોપિયન યુનિયને ભારતથી આવતાં ડાયમંડ અને ડાયમંડ જવેલરી રશિયન ઓરિજિનની નથી એવી લેખિત બાંહેધરી માંગતા આ અઘોષિત પ્રતિબંધથી સુરત સહિત સમગ્ર ગુજરાત અને મુંબઈના હીરા ઉદ્યોગને સીધી અસર થઈ છે.
જો રશિયન ડાયમંડ અને તેની જવેલરી પર G7નાં દેશો સત્તાવાર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે તો ભારતના હીરા ઉદ્યોગ પર કેવી અસર થશે,એનો તાગ મેળવવા G7 દેશોનું પ્રતિનિધિ મંડળ 27 થી 29 સપ્ટેમ્બર દરમિયાન સુરત, મુંબઈમાં હીરા ઉદ્યોગના સ્ટેક હોલ્ડરોની રજૂઆત સાંભળશે.
હીરા ઉદ્યોગનાં સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રતિનિધિ મંડળ સુરતની મુલાકાત ગુરુવારે 28 સપ્ટેમ્બરે લેશે. જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC) નાં સૂત્રોના જણાવ્યા મુજબ G7 દેશોનું ડેલીગેશન સમજવા માંગે છે કે, રશિયન ડાયમંડ પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય છે ખરો? ભારતનો હીરા ઉદ્યોગ એનો અમલ કરશે ખરો? પ્રતિબંધ કેટલો પ્રેક્ટિકલ બની શકે, ભારતના હીરા ઉદ્યોગમાં કામ કરતા લાખો રત્નકલાકારો અને નાના-મધ્યમ હરોળના હીરાના કારખાનાઓ શું અસર થશે, એ અંગેનો સંપૂર્ણ તાગ લેવા માંગે છે.
ભારતમાં રશિયન રફની ખપત એના કુલ ઉત્પાદન સામે 30% જેટલી છે. એક અંદાજ મુજબ વાર્ષિક 4 બિલિયન અમેરિકન ડોલરનો વેપાર થાય છે. ભારતની ચિંતા એ છે કે, જો રશિયન હીરા અને તેની જવેલરીના વેચાણ પર પ્રતિબંધ મુકાય તો સુરત સહિત ગુજરાતમાં હજારોની સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર થઈ શકે છે.
ડાયમંડ મેન્યુફેક્ચરિંગનાં હબ સુરતમાં વૈશ્વિક મંદીને લીધે 28 રત્નકલાકારોએ આત્મહત્યા કરી હોવાનો દાવો ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશ જિલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંક કરી ચુક્યા છે. મુંબઇ અને સુરત આવી રહેલા વિદેશી પ્રતિનિધિ મંડળે રત્નકલાકારોનાં જૂથોને પણ મળવાની તૈયારી દર્શાવી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ભારતીય અને રશિયન કંપનીઓએ હીરાનો વેપાર અટકાવ્યો
G7 દેશો દ્વારા રશિયન મૂળના હીરા પર પ્રતિબંધ મુકવાની હિલચાલ પછી ભારતીય અને રશિયન કંપનીઓએ હીરાનો વેપાર અટકાવ્યો છે. ફિનિશ્ડ ડાયમંડ પ્રોડક્શનના હબ સુરતમાં કટ એન્ડ પોલિશ્ડ કરાયેલા હીરા અને ડાયમંડ જવેલરીના સ્ત્રોતની પશ્ચિમી દેશોની તપાસને ટાળવા માટે રશિયન કંપની અલરોસા અને ભારતીય હીરા કંપનીઓએ આગામી બે મહિના માટે હીરાના વ્યવહારો સ્થગિત કરી દીધા છે.
અધિકૃત રીતે, બંને પક્ષોએ જણાવ્યું હતું કે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ રશિયન હીરા ઉત્પાદક અલરોસાને એક પત્ર લખ્યા બાદ તેઓ આ સંબંધમાં સૌહાર્દપૂર્ણ નિર્ણય પર પહોંચ્યા હતા, જેમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગ ઘટી રહી છે.
“અલરોસાએ ડાયમંડ માઇનિંગ કંપનીઓ,કટીંગ ફેસિલિટી અને જ્વેલરી રિટેલર્સ સહિત તમામ ઉદ્યોગ ભાગીદારોને રફ ડાયમંડની ખરીદી અને વેચાણ પ્રત્યે સમાન જવાબદાર વલણ અપનાવવા આહ્વાન કર્યું છે.આ સામૂહિક પ્રયાસનો હેતુ ઉદ્યોગમાં વિશ્વાસ વધારવા અને તમામ હિતધારકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો છે,” GJEPCના નિવેદનમાં જણાવાયું છે. અલરોસાના હીરાના વેચાણ અને ખરીદી પરનો પ્રતિબંધ ઓક્ટોબર સુધી રહેશે. ભારત રશિયા અને આફ્રિકાના આર્ક્ટિક અને સાઇબેરીયન પ્રદેશોમાંથી હીરા મેળવે છે.
જો કે, G7 દેશો હીરાના વેચાણથી રશિયાને થતી આવક પર બ્રેક મારવા માંગે છે.તેમને બેલ્જિયમ પછી ભારતના હીરા ઉદ્યોગને વિશ્વાસમાં લેવાનું નક્કી કર્યું છે.બેલ્જિયમનાં એન્ટવર્પ માં માત્ર ટ્રેડિંગ પ્રવૃત્તિ ચાલે છે.જ્યારે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામમાં 10 લાખથી વધુ કારીગરો સંકળાયેલા છે.
G7 દેશો હવે તેમના અધિકારક્ષેત્રમાં તૈયાર હીરાના વેચાણને મંજૂરી આપવા માટે પ્રમાણપત્રોનું આયોજન કરી રહ્યા છે. યુરોપિયન કંપનીઓ તરફથી સુરતની હીરા ઉત્પાદક કંપનીઓને સંદેશાવ્યવહાર કરવામાં આવ્યો છે કે તેઓ રશિયામાં ખોદવામાં આવતા હીરાની આયાતને રોકવા માટે ટ્રેસિંગ સિસ્ટમ ગોઠવવા માંગે છે.આનાથી સુરત સ્થિત કંપનીઓ દ્વારા ખરીદાયેલા રશિયન હીરાને અલગ કરવાની મંજૂરી મળશે