નવી દિલ્હી: ફેસબુકની (Facebook) સિસ્ટમ ધિક્કાર પ્રવચનો અને બનાવટી સમાચારોને ઉત્તેજન આપે છે તેવા આક્ષેપો વચ્ચે સરકારે અમેરિકા (America) સ્થિત આ સોશ્યલ મીડિયા (Social Media) જાયન્ટને તેના દ્વારા ઉપયોગમાં લેવાતા અલ્ગોરિધમ્સ અને પ્રક્રિયાઓની માહિતી આપવા જણાવ્યું છે એમ આ બાબતથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું.
ઇલેકટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય(MET)એ તાજેતરમાં વ્હીસલ બ્લોઅર ફ્રાન્સીસ હુજેન દ્વારા કરવામાં આવેલા ઘટસ્ફોટો પછી આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પાસેથી ખુલાસો માગ્યો હોવાનું માનવામાં આવે છે. આ ઘટસ્ફોટો એવી ચિંતાઓ તરફ દોરી ગયા છે કે ફેસબુકે કોઇ પણ ભોગે વિકાસના કલ્ચરને ખાળવા માટે બહુ ઓછું કાર્ય કર્યું છે જે કલ્ચર તેને વિશ્વભરમાં ૨.૯૧ અબજ સક્રિય માસિક વપરાશકારો પ્રાપ્ત કરવા સુધી દોરી ગયું છે, જેમાંથી ૪૦ કરોડ વપરાશકારો ભારતમાં છે. આ સોશ્યમ મીડિયા જાયન્ટ ખાતેના સંશોધકોએ એ બાબતે નિર્દેશ કર્યો છે કે એવા જૂથો અને પેજીસ છે કે જેઓ ફેસબુકના પ્લેટફોર્મ પર મુસ્લિમ વિરોધી ઉશ્કેરણીજનક અને ગેરમાર્ગે દોરતી સામગ્રી ફેલાવે છે.
ઘટનાક્રમથી વાકેફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેઇટીએ ફેસબુકને પત્ર લખ્યો છે જેમાં આ મંચ દ્વારા ઉપયોગમાં લેવાતી કલનવિધિઓ અને પ્રક્રિયાઓની આસપાસની માહિતી માગવામાં આવી છે. સરકારે ફેસબુકને તેના દ્વારા પોતાના યુઝરોના રક્ષણ માટે લેવાયેલા પગલાઓની વિગતો પૂરી પાડવાનું પણ જણાવ્યું છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ બાબતે જ્યારે સંપર્ક કરવામાં આવ્યો તો ફેસબુકે કોઇ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
એફબી સોશ્યલ મીડિયા સાઇટનું નામ ફેસબુક જ રહેશે
ફેસબુકનું નામ બદલીને મેટા (META) કરવામાં આવ્યું છે તે તેની મુખ્ય કંપનીનું નામ બદલવામાં આવ્યું છે. આ કંપનીની ફ્લેગશીપ સોશ્યલ મીડિયા સાઇટ, કે જે ૨૦૦૪માં શરૂ થઇ હતી તેનું નામ ફેસબુક જ રહેશે. પહેલી ડિસેમ્બરથી ફેસબુકના શૅર્સ એમવીઆરએસના નામથી ટ્રેડ થશે. એની માલિકીની વૉટસએપ અને ઇન્સ્ટાગ્રામના નામ પણ એ જ રહેશે.
વિવાદથી છેડો ફાડવા નામ બદલ્યું?
એવો પણ તર્ક થઇ રહ્યો છે કે તાજેતરમાં ફેસબુક પેપર્સ લીકને કારણે કંપનીના કેટલીક આંતરિક બાબતો કથિત રીતે છતી થઇ ગઇ અને આ કંપની પોતાના ગ્રાહકોના હિત કરતા પોતાના વિકાસને જ વધુ મહત્વ આપે છે તેવા જે વિવાદો ઉભા થયા તેમનાથી વેગળા જવા માટે કંપનીનું નામ બદલી નાખવામાં આવ્યું છે.