Charchapatra

ટ્રેન કરતાં એસ.ટી.બસની મુસાફરી મોંઘી શા માટે?

ટ્રેનમાં મુસાફરી કરીએ તો લોકલ ટ્રેનનું ભાડું એસ.ટી.બસના ભાડાં કરતાં ત્રણ ગણું ઓછું હોય છે અને સુપરફાસ્ટ ટ્રેનનું ભાડું પણ એક્સપ્રેસ એસ.ટી.બસના ભાડા કરતાં ઓછું હોય છે. કારણોસર લોકો એસ.ટી બસની મુસાફરી પસંદ કરે છે. સામાન્ય રીતે બસો સરળતાથી મળી રહે છે, જ્યારે ટ્રેનનો સમય ચૂકી જવાય તો બીજી ટ્રેન માટે રાહ જોવી પડે છે. વધારે ભાડું ખર્ચવા છતાં હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા નડે છે. બસના ત્રણ પ્રકારના ભાડા હોય છે, વોલ્વો બસનું ભાડું વધારે હોય છે. લાલ કે ભૂરા કલરની બસનું ભાડું વોલ્વો બસ કરતાં ઓછું હોય છે.

સફેદ કલરની બસનું ભાડું તેનાથી ઓછું હોય છે. હાઇવે પર લોકલ બસો ખાસ જતી નથી. ભાડામાં આટલો તફાવત હોવા છતાં ટ્રાફિક તો બધાને સરખું જ નડે છે. બસનો હેતુ વહેલું પહોંચાડવાનો હોય અને ભાડું વધારે હોય તો ચાલે. વળી ઘણી બસો અડધી ખાલી જતી હોય છે તેના કરતાં ઓછું ભાડું હોય તો સીટો ખાલી પણ ન રહે. બસમાં જે લોકો રીઝર્વેશન કરાવે છે તેને વધુ ભાડું ખર્ચી ફક્ત બેસવાની સગવડ મળે છે, જે તે સ્થળે સમયસર પહોંચવાની કોઈ ગેરંટી હોતી નથી. જો બસ સમયસર પહોંચાડી શકતી ના હોય તો ગરીબ અને મધ્યમ વર્ગે આટલું બધું ભાડું ખર્ચવાનો શો અર્થ?
સુરત     – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

છાપરા રોડ નવસારી પર થતી હાલાકી
હાલમાં છાપરા રોડ, નવસારીને પહોળો કરી ફોર લેન કરવાની કામગીરી ચાલી રહી છે જે બાબત આવકાર્ય છે. આ કામગીરી દરમ્યાન આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને થોડીક તકલીફ પડવી સ્વાભાવિક છે. પરંતુ ખટકે એવી બાબત એ છે કે આ માર્ગના થોડા થોડા અંતરે જ્યાં કામગીરી ચાલતી હોય ત્યાં માર્ગ લગભગ સંપૂર્ણ બંધ થઈ જાય છે અને વૈકલ્પિક માર્ગ કે ડાઇવર્ઝનના અભાવે વચ્ચેના કોઈ ગંતવ્ય સ્થળે પહોંચવું મુશ્કેલ બની જાય છે. તો લાગતાવળગતા સત્તાધીશોને મારી નમ્ર અરજ છે કે આ કામગીરી ફક્ત જે તે કોન્ટ્રાકટર પર ન છોડી દેતાં તેઓ પણ થોડું ધ્યાન આપે અને આ કામગીરીને કારણે જ્યાં પણ રસ્તો સપૂર્ણ બંધ કરવાની નોબત આવતી હોય ત્યાં યોગ્ય ડાઇવર્ઝનની વ્યવસ્થા કરે જેથી કરીને વાહનચાલકો/પ્રજાજનોની હાલાકી થોડી ઓછી થઈ શકે.!
નવસારી – કમલેશ આર. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top