Charchapatra

રાહુલ ગાંધીને આટલું બધું મહત્ત્વ કેમ?

કર્ણાટકની એક ચૂંટણી સભાના સંદર્ભમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટમાં કેસ ચાલતાં રાહુલને સજા થઈ છે. આપણે ત્યાં સુરતથી માંડીને ગુજરાત અને ભારતભરમાં લાખો કેસો વરસોથી પેન્ડિંગ છે. અહીં તરત કેસ ચાલી પણ ગયો, સજા પણ થઈ ગઈ. બીજે દિવસે તરત જ લોકસભાના સચિવાલયે રાહુલને સાંસદપદેથી હકાલપટી કરી પછી સાંસદ હોવાને નાતે રાહુલને અપાયેલો બંગલો ખાલી કરાવવામાં આવ્યો અને હવે આપની સરકારી ટેલિફોન કંપની બી.એસ.એન.એલ.એ રાહુલના મોબાઈલનું ઈન્ટરનેટ કનેક્શન બંધ કરી દીધું. રાહુલને અપાયેલો સરકારી નંબર બંધ કરી દીધો. આવી જ રીતે સરકાર અને ટેલિફોન કંપની બધા જ ભૂતપૂર્વ સાંસદોને અને મંત્રીઓને અપાયેલા બંગલા ખાલી કરાવે.

બી.એસ.એન. એલ. તાત્કાલિક આ લોકોના સરકારી કનેક્શન બંધ કરે તો આપણા ભારતીયોના મહેનતના કરવેરાના કરોડો રૂપિયા બચી જાય. મોદી અને ભાજપનું કદ હવે રાહુલ અને કોંગ્રેસ કરતાં અનેક ઘણું વધી ગયું છે.હવે રાહુલને રોજ ઊઠીને આટલું બધું મહત્ત્વ આપવાની કોઈ જરૂર જ નથી. મોદી અને રાહુલ વચ્ચે કોઈ જાતની સરખામણી હવે શક્ય જ નથી.જો કદાચ રાહુલ મોદી સામે ચૂંટણીમાં ઊભા રહે તો ભાજપવાલા રાહુલની ડિપોઝીટ પણ જપ્ત કરાવી દે. ભાજપ કદાચ આગામી લોકસભાની ચૂંટણીમાં રાહુલને વિપક્ષના વડા પ્રધાનપદના સંયુક્ત ઉમેદવાર રૂપે જોવા માંગતી નથી. પણ જો ભાજપના સારા નસીબે રાહુલ વિરોધપક્ષના સંયુક્ત વડાપ્રધાન તરીકે જાહેર થાય તો લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જયજયકાર થાય એમ છે.

આશરે 350 થી વધુ બેઠકો બી.જે.પી. એકલા હાથે જીતી શકે એમ છે. રાહુલનો બંગલો ખાલી કરાવવાનો શું મતલબ? રાહુલનું ટેલિફોન કનેક્શન કાપી નાંખવાનો શું મતલબ? રાહુલ ગર્ભશ્રીમંત વ્યક્તિ છે.રાહુલ પાસે જવાહરલાલ, ઇન્દિરા કે રાજીવ સંજય જેવો કરિશ્મા જાદુ નથી એ કબૂલ, પણ આ લોકોનો મબલખ વારસો છે. રાહુલ ધારે તો બીજા દસ બંગલા ખરીદી શકે છે. 200 મોબાઈલ કનેક્શન લઈ શકે છે. પછી આ બધી માથાકૂટનો મતલબ શું? રાહુલ હવે કદાચ સીધા ચૂંટણી મેદાનમાં આવશે નહીં. પડદા પાછળથી દોરીસંચાર કરશે. મોદીનો આજની તારીખે દૂર દૂર સુધી કોઈ હરીફ દેખાતો નથી. કોંગ્રેસને હવે ટકવું હોય તો પ્રાદેશિક પક્ષ સાથે બાંધછોડ કરવી પડશે, નહીં તો કોંગ્રેસને 50 બેઠકો પણ મુશ્કેલીથી મળશે. હવે રાહુલ અને કોંગ્રેસને છૂટી મૂકી દો.આગામી લોકસભાની ચૂંટણી પછી મોદી વધુ મજબૂત અને કદાવર નેતા બની બહાર આવશે એ નક્કી જ છે.
સુરત- અબ્બાસભાઈ કૌકાવાલા   – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top