નવી દિલ્હી: (New Delhi) દર વર્ષે શિયાળો (Winter) શરૂ થાય ત્યારે દિલ્હીની ઝેરીલી હવાની (Air Pollution) ચર્ચા ચારેકોર ઉઠતી હોય છે. દિલ્હીના આકાશમાં એટલી હદે ધુમ્મસ (Fog) છવાઈ જાય છે કે લોકો 5 મીટર દૂર પણ જોઈ શકતા નથી. આ વર્ષે તો દિલ્હીની હાલત એટલી કફોડી બની છે કે અહીં લોકડાઉન લાગુ કરવું પડ્યું છે. લોકોને ઘરમાં પણ માસ્ક પહેરીને જીવવું પડે તેવી બદતર હાલત થઈ છે. દિલ્હીવાસીઓ દર વર્ષે આ ઝેર સામે લડીને થાકી ગયા છે. સરકાર પ્રદૂષણ પર કાબુ મેળવવામાં સરેઆમ નિષ્ફળ રહી છે. લોકો બેબસ બની ગયા છે. ત્યારે અમેરિકાની વૈજ્ઞાનિક સંસ્થા નાસાએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં દિલ્હીમાં પ્રદૂષણના કારણો રજૂ કરવામાં આવ્યા છે. દિલ્હીને વિશ્વના સૌથી ઝેરીલા શહેરોમાં ટોચ પર પહોંચાડી વિશ્વભરમાં દિલ્હી અને ભારતની બદનામી કરનારા કારણો વિશે જાણીએ.
દિલ્હીની હવા વિશ્વની સૌથી ઝેરીલી હવા ગણાય છે. કોરોના કાળમાં થોડી રાહત મળ્યા બાદ આ વર્ષે ફરી દિલ્હી વિશ્વની નહિ પરંતું ધુમ્મસની રાજધાની બની ગઈ છે. 2019માં પ્રદૂષિત હવાના કારણે 16.7 લાખ લોકોના મોત થયા હતાં. શાં માટે દિલ્હીમાં દર વર્ષે વિશ્વની સૌથી વધુ ઝેરીલી હવા બને છે? આ જગ્યાએ આટલું ધુમ્મસ કેમ છે? તેની પાછળ અનેક કારણો રજૂ કરવામાં આવે છે. કોઈ કહે છે કે લોકડાઉન હટાવી લેવાયા બાદ દિલ્હીમાં વાહનોની સંખ્યામાં ઝડપી વધારો થયો હતો. દિલ્હીમાં રહેતા બે કરોડ લોકો માટે આ પ્રદૂષણ મોટી સમસ્યા છે. કોલસા આધારિત ઉદ્યોગો ફરી શરૂ કરવાને પણ જવાબદાર માનવામાં આવે છે તો એક મોટો વર્ગ પંજાબ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં પરાળનાં સળગાવવાથી દિલ્હી-NCR નું આકાશ ધુમ્મસભર્યું અને જીવલેણ બને છે તેવા દાવા કરી રહ્યાં છે. આ રાજ્યોમાં ખેડૂતો શિયાળામાં પાક લણી શકે તે માટે આગ લગાવીને ખેતરોને સાફ કરે છે. ઉત્તર ભારતમાં આ સમસ્યા બહુ સામાન્ય છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં.
નાસા (Nasa) તેની વેબસાઇટ (Website) પર જણાવે છે કે નવેમ્બર મહિનામાં ભારતનું આકાશ કેવી રીતે ધુંધળું થઈ જાય છે. આ સાથે જ એ પણ દર્શાવે છે કે ક્યાં પરાળ સળગાવવામાં આવી રહી છે. પરંતુ તેના કારણે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ગંગા કિનારેના મેદાનોમાં ભયંકર પ્રદૂષણ જોવા મળે છે. પાકિસ્તાન, પંજાબ અને હરિયાણામાં પરાળ સળગાવવાથી નીકળતો ધુમાડો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ જાય છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ઘણું ઊંચું હોય છે.
યુએસ એમ્બેસીના સેન્સર્સે અહેવાલ આપ્યો હતો કે 11 અને 12 નવેમ્બરે હવામાં પ્રદૂષણનું સ્તર ઊંચું જોવા મળ્યું હતું. જેના કારણે સેંકડો લોકો શ્વાસની સમસ્યાથી પીડાય છે. દિલ્હી હાલમાં અસ્થમાના દર્દીઓ માટે સૌથી ખતરનાક રહેવા લાયક સ્થળ છે. નવેમ્બર મહિનામાં રાજસ્થાનના રણમાંથી આવતા ધૂળના કણો દિલ્હી-NCRના આકાશને ઝાંખા કરી નાખે છે. આ ઉપરાંત વાહનો ચલાવવાથી, ઔદ્યોગિક પ્રદૂષણ, બાંધકામનું કામ, કચરો સળગાવવાથી, રસોઈ બનાવવા જેવી ઘટનાઓથી પણ હવાનું પ્રદૂષણ ઝડપથી વધે છે. તિબેટથી આવતી ઠંડી હવાને કારણે તાપમાન ઓછું છે. જ્યારે આ હવા ગંગાના મેદાનોમાં આવે છે ત્યારે તે ઠંડી હવા સાથે ભળે છે. જે પ્રદૂષણ ફેલાવે છે. જ્યારે Aqua MODIS એ 11-12 નવેમ્બરના રોજ પરળ સળગાવવાની ઘટનાને રેકોર્ડ કરી, ત્યારે ખબર પડી કે પંજાબ-હરિયાણામાં 17 હજાર સ્થળો પર પરાળ સળગાવાય રહી છે. Aqua MODIS 2002 થી જમીન પર કોઈપણ વસ્તુ સળગાવવાની માહિતી એકત્રિત કરી રહી છે.