Sports

પાકિસ્તાન વર્લ્ડકપ પહેલાં નાટક કેમ કરી રહ્યું છે?

BCC દ્વારા ભારતમાં રમાનારા વન ડે વર્લ્ડકપ માટેનું શેડ્યુલ જાહેર કર્યું અને તે અનુસાર 5 ઓક્ટોબરથી શરૂ થનારો ક્રિકેટનો આ મહાકુંભ 46 દિવસ સુધી ચાલવાનો છે અને તેમાં કુલ 48 મેચ રમાવાની છે. જો કે શેડ્યુલ આવવા પહેલાથી પાકિસ્તાને તેના માટે વાંધા વચકા કાઢવાના શરૂ કરી દીધા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ડ્રાફ્ટ શેડ્યુલ આવ્યો ત્યારથી જ નાટક રમવાનું શરૂ કરી દીધું હતું. સૌથી પહેલા તેમણે પોતે કોલકાતા અને ચેન્નાઇમાં મેચો રમવા માગે છે એવી વાતો કરી, તે પછી તેમણે ચેન્નાઇમાં અફઘાનિસ્તાન સામે અને બેંગલુરૂમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચના સ્થળ પરસ્પર બદલવા માટેની માગ કરી હતી.

જો કે, ICC દ્વારા તેની એ માગને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી હતી. હવે સવાલ એ થાય છે કે પાકિસ્તાન વારંવાર આવું નાટક કેમ કરી રહ્યું છે? શું તે ખરેખર ભારતમાં રમવાથી અને ખરાબ રીતે હારી જવાથી ડરે છે?
આ સમગ્ર મામલો ગત વર્ષે ઓક્ટોબરમાં શરૂ થયો હતો. એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે 18 ઓક્ટોબરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે 2023માં યોજાનાર એશિયા કપ તટસ્થ સ્થળે રમાશે. ત્યારથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ગડબડ શરૂ થઈ ગઈ હતી. PCBના તત્કાલીન અધ્યક્ષ રમીઝ રાજાએ BCCIના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે જો ભારત એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ 2023ના વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ નહીં કરે.

રમીઝ રાજાએ તે સમયે BCCI અને ભારતીય ટીમ વિશે વિરોધાભાસી નિવેદનો આપ્યા હતા. આ પછી સમય વીતી ગયો પરંતુ પાકિસ્તાન તરફથી નિવેદનબાજી ચાલુ રહી. પાકિસ્તાનમાં બળવો થયો અને વડા પ્રધાન ઈમરાન ખાને પદ છોડવું પડ્યું. શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડા પ્રધાન બન્યા. આ સાથે જ રમીઝ રાજાને પણ PCB ચીફના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તે પછી નજમ સેઠી PCBના વચગાળાના અધ્યક્ષ બન્યા. તેમણે પણ નિવેદનબાજી અટકાવવાને બદલે ચાલુ રાખી. આ દરમિયાન, તેમની અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના બાકીના દેશો વચ્ચે ઘણી બેઠકો થઈ અને તેમણે બાકીના દેશોને પાકિસ્તાનમાં એશિયા કપ રમવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો.

જો કે, બાકીના દેશો BCCIની પડખે ઊભા રહ્યા અને પાકિસ્તાનને તેના પરિણામ ભોગવવા પડ્યા. આ પછી નજમ સેઠીની અધ્યક્ષતામાં PCBએ ‘હાઇબ્રિડ મોડલ’ ઓફર કર્યું હતું. આ મૉડલ મુજબ ભારતની મેચો બીજા કોઈ દેશમાં આયોજીત કરવાની હતી. અગાઉ, આ મોડલ દ્વારા, પાકિસ્તાને ફાઇનલ સહિતની મહત્ત્વપૂર્ણ મેચો તેમના દેશમાં યોજવાની માંગ કરી હતી, જેને ભારત સહિત એશિયન ક્રિકેટ કાઉન્સિલના મોટાભાગના મહત્ત્વપૂર્ણ દેશોએ નકારી કાઢી હતી. IPL પૂરી થયા બાદ એશિયા કપની મેચો પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી હતી, તેમાં નક્કી થયું હતું કે આ ટુર્નામેન્ટનું આયોજન માત્ર હાઇબ્રિડ મોડલ પર કરવામાં આવશે અને પાકિસ્તાન-શ્રીલંકા આ ટુર્નામેન્ટની યજમાની કરતા જોવા મળશે. 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાનારી આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને માત્ર 4 મેચની યજમાની કરવાની આવી હતી. સાથે જ શ્રીલંકા 9 મેચોની યજમાની કરશે. ભારત તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે.

જ્યારે સુપર-4 રાઉન્ડની મેચો અને ફાઇનલ પણ શ્રીલંકામાં યોજાશે. એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પણ શ્રીલંકામાં જ યોજાશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને એશિયા કપને લઈને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. PCBની નારાજગીનું આ એક મોટું કારણ છે. જ્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં પાકિસ્તાનની માગ પૂરી ન થઈ ત્યારે PCBએ ICC વર્લ્ડકપના કાર્યક્રમમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાફ્ટ શેડ્યુલ બહાર આવ્યા બાદ પાકિસ્તાન તેમાં ઘણા ફેરફાર ઈચ્છે છે.

આ માટે તેણે ICCને પત્ર પણ લખ્યો હતો.PCBએ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચ માટે સ્થળ બદલવાની માંગ કરી હતી. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 20 ઓક્ટોબરે બેંગલુરુમાં ચિન્નાસ્વામી અને 23 ઓક્ટોબરે ચેન્નાઈના ચેપોકમાં અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે. PCB આ બે મેચના સ્થળોમાં ફેરફાર કરવા અથવા આ બે મેચોના સ્થળોની અદલાબદલી કરવા માંગે છે. આ સિવાય પાકિસ્તાન ભારત સાથે અમદાવાદમાં મેચ રમવા માગતું ન હતું. ICC અને BCCIએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની બે મેચના સ્થળ બદલવાની માંગને ઠુકરાવી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની અનિચ્છા ડ્રાફ્ટ શેડ્યુલ જોયા પછી શરૂ થઈ હતી પરંતુ ICCએ તેમની એકેય કારી ફાવવા દીધી નથી.

Most Popular

To Top