Charchapatra

ખાદી કેમ લુપ્ત થતી જાય છે?

પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ આઝાદીના લડવૈયા, કાયમ ખાદીનાં વસ્ત્રો પહેરતા હતા. લડાયક મહિલાઓ પણ ખાદીની સાડી પહેરતી હતી. આમ તે સમયે ખાદીનું વિશેષ ચલણ હતું. ભારત આઝાદ થયા પછી નેતાઓ, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો પણ ખાદીની કફની પાયજામો, પહેરતાં અને ઘણી વાર ખાદીનો પેન્ટ-શર્ટ પહેરતાં જોવા મળતાં. ગાંધીજીએ કહ્યું છે કે ખાદી બનાવનારા મહેનતુ અને સ્વાવલંબી હોય છે. ખાદી ધારણ કરનારમાં ઝનૂન, લડાયક મિજાજ, આત્મવિશ્વાસ, સ્વમાનના ગુણો હોય છે પરંતુ હવે ઘણા સમયથી ખાદીનું વેચાણ ઘટતું જતાં ઉત્પાદન પર ફટકો પડતાં ખાદી લુપ્ત થતી જાય છે. તે આપણાં ભારત જેવા સ્વદેશ માટે ઉચિત નથી. આજકાલ બજારોના સ્ટોર્સમાં નવા-નવા રેડીમેઇડ ડ્રેસ-મટરિયલ્સ, જીન્સ પેન્ટ-શર્ટ-ટી શર્ટનું પ્રમાણ વધતું જાય છે. જેથી ટેલરીંગનું કામ કરતાં દરજીઓને પણ મંદી આવી છે. કેમકે રેડીમેઇડનો ક્રેઝ વધતો જાય છે. યુવા વર્ગ આધુનિક વસ્ત્રો પહેરે છે જેથી ખાદીનું ચલણ ઘટી ગયું છે.

હવે તો ચૂંટાયેલા નેતા-મંત્રીઓ સાંસદ-ધારાસભ્યો પણ ખાદીને બદલે જીન્સનો પેન્ટ શર્ટ-ટીશર્ટ પહેરીને લોકસંપર્કમાં જતા હોય છે. જો કે હજી આશ્રમશાળા, ઉ.બુનિયાદી વિદ્યાલયોમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનો યુનિફોર્મ ખાદીનો હોય છે. સ્ટાફે પણ ફરજીયાત ખાદીનાં વસ્ત્રો પહેરવાં પડે છે. ખાદી હવે માત્ર સુતરાઉ નથી રહી. નવી નવી કવોલીટી આવી છે. આજનાં યુવાન-યુવતિઓએ ખાદીનાં વસ્ત્રો પહેરીને ભારતીયતા ઉજાગર કરીને ખાદીનો વ્યાપ વધારવો જોઇએ.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સરકારની કેદમાં ગુજરાત
૨૦૦૧ પહેલાં ગુજરાત માટે દંગા અને કરફ્યુ જેવા શબ્દો સામાન્ય હતા અને કોમી હુલ્લડો ગુજરાતને ગમે ત્યારે બાનમાં લઇ લેતાં હતાં. સમસ્યા હતી પણ માણસાઈ આજ કરતાં વધુ હતી.એ સમસ્યામાંથી સારા પ્રમાણમાં આ સરકાર દ્વારા રાહત મળી ગુજરાતીઓને.પણ હવે આજે બે દાયકાના શાસન પછી ગુજરાતને આ જ સરકારે એવું બાનમાં લીધું છે કે લગભગ કોઈ જ ઉપાય પ્રજા પાસે રહ્યો નથી.આટલો વિકાસ છતાં નકલી વસ્તુઓ,નકલી સરકારી અધિકારીઓ,નકલી ઓફિસો બધામાં પણ ગુજરાત આજે અવ્વલ છે.

આજના ગુજરાતમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. ડ્રગ્સમાં અવ્વલ છે ગુજરાત, પેપરો ફૂટવાની ઘટનામાં અવ્વલ છે ગુજરાત,શિક્ષણ સંસ્થાઓ ભાજપનાં કાર્યાલય બની ગયા છે. કોન્ટ્રાક્ટ પ્રથામાં ગુજરાત અવ્વલ.અરે સાચા ભાજપના કાર્યકર્તા માટે પણ કપરો સમય ચાલી રહ્યો છે. જૂઠ્ઠાની બોલબાલા છે ગુજરાતમાં. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ જેવી સ્થિતિ સર્વત્ર છવાઈ ગઈ છે.કોઈને કોઈ જ કહેવા કે રોકવાવાળું નથી.જે કોઈ વિરોધ કરે, કોઇ સત્ય માટે અવાજ ઉઠાવે તો યેનકેન પ્રકારે ચૂપ કરી દેવાય છે.વીસ વર્ષનો જ વિકાસ આજે ચોસઠ વર્ષના ગુજરાત પર ભારે પડી રહ્યો છે.
સુરત     – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top