Comments

યુક્રેનના મામલે ભારત કેમ શાંતિથી બેઠું છે?

રશિયાની ટેન્કો યુક્રેનના પ્રદેશમાં ઘૂસી ગયાને આજે પાંચ મહિના થયા અને ત્યારે જ રશિયન જેટ વિમાનોએ યુક્રેનનાં શહેરો અને નગરો પર બોમ્બમારો કર્યો હતો. આ ઘાતકી અને લોહિયાળ યુદ્ધ છે અને કદાચ વીસ હજાર રશિયન અને તેનાથી બમણા યુક્રેનિયન સૈનિકો આ યુદ્ધમાં માર્યા ગયા છે. નાગરિકોની ખુવારી પણ ખાસ્સી થઇ છે અને લાખ્ખો યુક્રેનવાસીઓને તેમનું વતન છોડી ભાગી જઇને અન્ય રાષ્ટ્રોમાં આશરો શોધવાની ફરજ પડી છે. એક વાર યુદ્ધ પૂરું થાય પછી યુક્રેનના અર્થતંત્રનું સત્યાનાશ નીકળી જશે. તેને ફરી પાટે ચડતાં દાયકાઓ લાગી જશે. સામાન્ય રશિયનોની રોજી-રોટીનું તો ધનોતપનોત નીકળી ગયું છે. તેના કારણમાં પશ્ચિમી દેશોએ લાદેલા પ્રતિબંધો અને પુટિને યુદ્ધ પાછળ કરેલો બેફામ ખર્ચ જવાબદાર છે.

રશિયાના સૈનિકોની બર્બરતાં જોતાં, આખાં ને આખાં નગરોને નસ્ત વ્યસ્ત કરી દેવાની તાકાત જોતાં હોસ્પિટલો અને આશ્રયસ્થાનો પર તેમનો બોંબમારો જોતાં અને યુક્રેનની સ્ત્રીઓ પર તેમના હુમલા જોતાં એક માનવી તરીકે હું ધ્રૂજી ઊઠું છું. રશિયાના આક્રમણ સામે મારા દેશની સરકારની ભીરુતા જોઇને, આ આક્રમણને વખોડવાના તેના ઇન્કારને જોઇને અને મૌન જોઇને મને હતાશા ઉપજે છે. યુદ્ધ ગયા ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં શરૂ થયું અને માર્ચ મહિનામાં પણ ચાલ્યું ત્યારે ભારત સરકારે ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી. સંઘર્ષ કેટલો ચાલે તે સ્પષ્ટ ન હતું અને જલ્દી સમાધાન કરવાની મંત્રણા ચાલવાની હતી. યુક્રેનમાં ભણતાં હજારો ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પાછા લાવવાની ટોચની અગ્રતા હતી.

આમ છતાં માર્ચ ગયો, એપ્રિલ ગયો, મે આવ્યો, પણ રશિયન સૈનિકોની ક્રૂરતા જોતાં તટસ્થ રહેવાનું પાલવે નહીં. પશ્ચિમની સખ્તાઇના જવાબમાં શરૂ થયેલી તમામ મંત્રણાઓ પોલી હતી. કોઇને પણ સમજ પડે એવી વાત હતી કે રશિયા યુક્રેનને ‘નાટો’માં જોડાતા અટકાવવા માટે નહીં પણ પાઠ શીખવવા અને પોતાને તાબે કરવા માટે યુદ્ધ કરતું હતું. પુટિન પર રશિયાનું વિરાટ સામ્રાજય સ્થાપવાનું વળગણ હતું, ભલે પછી યુક્રેનવાસીઓનું કે રશિયનોનું ગમે તે થાય, યુક્રેનવાસીઓ બીજાં નામે રશિયનો છે તેથી તેમને જરૂર પડે બળ પ્રયોગથી પણ માતૃભૂમિ સાથે જોડવા જોઇએ એમ પુટિન માને છે. પણ પાંચ માસના યુદ્ધ પછી યુક્રેનવાસીઓએ રાષ્ટ્રવાદ બરાબર બતાવ્યો છે. યુદ્ધ પહેલાં કેટલાંક યુક્રેનવાસીઓ ભાવનાત્મક રીતે રશિયા સાથે જોડાયેલાં હતાં પણ હવે નહીં.

ભારત પોતે સામ્રાજયવાદી સત્તાની ધૂંસરીમાંથી આઝાદ થયું છે. વિયેટનામ પર અમેરિકાએ આક્રમણ કર્યું અને ૧૯૬૦ ના દાયકામાં ભારત અમેરિકા પર ઘણો આધાર રાખતું હતું છતાં ભારતે અમેરિકાનો વિરોધ કર્યો હતો. ૧૯૭૦ માં તે સમયમાં પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનનું દમન થયું અને બંગાળી રાષ્ટ્રવાદ ઉછળવા માંડયો અને લોકોએ ઇસ્લામી ઓળખ લાદવાનો પ્રયાસ થયો ત્યારે ભારતે દરમ્યાન થઇ લોકોની લડતને સફળતા અપાવી અને બાંગલા દેશનો જન્મ થયો.

આજે યુક્રેનવાસીઓ બાંગલાદેશવાસીઓની જેમ પોતાની સ્વતંત્ર રાષ્ટ્રીય ઓળખ માંગે છે અને ઇતિહાસ સાથે પોતાની ઓળખ જોડાયો છે એવો દાવો કરી જાતે બળજબરીપૂર્વક છવાઇ જવાની કોશિષ કરતા રશિયાથી દબાઇ જવા સામે સંઘર્ષ કરી છે. ૧૯૭૦/૭૧ માં ભારતે અમાનુષ, જુલ્મ ગુજારતા પાકિસ્તાની સૈન્યને બરાબર ખોખરું કર્યું હતું અને લાખો પૂર્વ પાકિસ્તાનવાસીઓને આશરો આપ્યો હતો તે પણ યોગ્ય હતું. તેણે યોગ્ય રીતે જ જરૂરી બળપ્રયોગ પાકિસ્તાની સૈન્ય પર કર્યો હતો. બાંગલા દેશ આપણો પડોશી છે અને યુક્રેન ઘણો દૂરનો દેશ છે તેથી બાંગલા દેશની પડખે આપણે જે રીતે ઊભા રહ્યા હતા તે ભૌતિક સામગ્રીની દૃષ્ટિએ શકય નથી પણ આપણે રશિયાના હુમલાનો વિરોધ પણ નહીં કરીને અને યુતિનના અને તેમના માણસોના યુક્રેનમાં ગુનામાં હાથ-પગ જોડી રાખીને બેસી રહી ભાગીદાર થવાની હદે જવાનું છે?

ભારતે યુક્રેનના મામલે બિનસંતોષકારક પ્રતિભાવ આપ્યો તેના કારણની અટકળ કરવી જોઇએ. કદાચ લશ્કરી સરંજામ માટે આપણું રશિયા પર અવલંબન કારણભૂત છે. કદાચ શાસક પક્ષને એવો ડર છે કે આપણે યુક્રેનવાસીઓના મુકત રાષ્ટ્ર બની રહેવાના અધિકાર પર ભાર મૂકીએ તો કોઇ કાશ્મીરીઓ માટે અને નાગ લોકો માટે આવી મહત્તા કરે. કદાચ સરકારને એવી આશા છે કે તેમણે બળવાના આપણાં સાધનોમાં વિકલ્પો લાવવાથી સરકાર ફુગાવો કાબૂમાં રાખી શકે અને સામાજિક અસંતોષને પણ નિયંત્રણમાં રાખી શકે.

કદાચ સત્તા પર આઠ વર્ષ રહ્યા પછી પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય ભૂરાજકારણના ખાસ જાણકાર તેથી કોઇ અભિગમ  લઇ શકતા નથી. કારણ ગમે તે હોય, પણ યુક્રેનના મામલે કોઇ વલણ જ નહીં લેવાનું વલણ નૈતિક રીતે અને રાજકીય રીતે ચાલી શકે નહીં. આપણા વિદેશ પ્રધાને ક્રિશ્નમેનન સ્મૃતિમાં એક પ્રવચન આપતા રશિયન ગેસ વાપરવા બદલ યુરોપીય રાષ્ટ્રો પર દંભનો આક્ષેપ કરી રશિયન તેલ ખરીદવા બદલ ભારતની ટીકા કરી છે. ભારતના દંભનું શું?

આવતા મહિને આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઠાઠમાઠથી ઉજવીશું. છતાં ભારત સામ્રાજયવાદનો વિરોધ તો શું, તેના અસ્તિત્વની સ્વીકૃતિ પણ નથી કરી શકતું. ભારતનાં લોકોએ આ સમયે યુક્રેનના લોકોની પડખે ઊભા રહેવું જોઇએ. ભારતે આંતરરાષ્ટ્રીય રીતે અત્યારે ખાસ્સું કાઠું કાઢયું છે અને પુટિનને ટેકો આપ્યો છે. ભારતે આક્રમણનો વિરોધ કરવો જોઇતો હતો. તો પુટિન પર દબાણ પણ આવ્યું હોત અને મંત્રણાના મેજ પર બધાએ ભેગા થવું પડયું હોત તેમજ વિશ્વ સમાજમાં ભારતની આબરૂ વધી હોત અને યુક્રેનવાસીઓની યાતનાનો અંત આવ્યો હોત.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top