Comments

ગાંધીનું આટલું મહત્ત્વ કેમ?!

આવતીકાલે ગાંધીજીની શહાદતને ૭૫ મું વર્ષ બેસશે. મૃત્યુનાં આટલાં બધાં વર્ષો પછી પણ ગાંધીજીનું આટલું મહત્ત્વ? હોવું જોઇએ? હા, ૨૧મી સદીના ત્રીજા દાયકામાં પણ ગાંધીજીવન અને વિચારોનું મહત્ત્વ છે. તેનાં ઘણાં કારણ છે:(૧) ગાંધીજીએ ભારત અને વિશ્વને બળ વાપર્યા વિના અન્યાયી સત્તાધીશો સામે પ્રતિકાર કરવાનું સાધન આપ્યું. રંગભેદી કાયદાઓ સામે વિરોધમાં ભારતીયોએ તા. ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૦૬ ના દિવસે એમ્પાયર થીયેટરમાં મળેલી એક સભામાં ધરપકડ વહોરવાનો નિર્ધાર કર્યો હતો. સત્યાગ્રહનો અહીંથી જન્મ થયો હતો. ૯૫ વર્ષ પછી આ જ દિવસે ત્રાસવાદીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉડાવી દીધું હતું. એક ૯/૧૧ અહિંસક લડાઇ દ્વારા ન્યાય માંગવામાં આવે છે. બીજી ૯/૧૧ ત્રાસ અને બળથી દુશ્મનને ડા’રવાનું કામ થાય છે. ઇતિહાસ સાક્ષી છે કે સત્યાગ્રહ જ વધુ નૈતિક અને અસરકારક સાધન છે. પછી તે દક્ષિણ આફ્રિકાના કે ભારતના ગોરા લોકોના શાસનના જુલ્મ સામે હોય, ભારતમાં કટોકટીના વિરોધમાં હોય કે ખુદ અમેરિકામાં નાગરિક હકકો માટેની લડતમાં હોય. (૨) ગાંધીજી ભારતને અને તેની સંસ્કૃતિને ચાહતા હતા. સાથોસાથ તેની વિકૃતિ પણ દૂર કરતા હતા. ઇતિહાસકાર સુનીલ ખિલનાનીએ જણાવ્યું હતું કે ગાંધીજી માત્ર બ્રિટીશરો સામે જ નહીં, ભારત સામે પણ લડતા હતા. ભારતીયોને સાચી આઝાદી માટે વધુ યોગ્ય બનાવવા તેમણે અસ્પૃશ્યતા સામે લડત ઉપાડી હતી. તેઓ નારીવાદી ન હતા છતાં સ્ત્રીઓને જાહેર જીવનમાં લાવવા તેમણે ભરચક પ્રયાસ કર્યા હતા.

(૩) ગાંધીજી હિંદુ હતા છતાં તેમણે ધર્મના આધારે નાગરિકતાની વ્યાખ્યા કરવાની ના પાડી હતી. જ્ઞાતિ હિંદુઓના આડા ફાડચા કરતી હોય તો ધર્મ ભારતના ઊભા ફાડચા કરે છે. ગાંધીજીએ બંને ભાગ વચ્ચે સેતુ બાંધવા લડત આપી હતી. તેઓ હિંદુ – મુસ્લિમ એકતા માટે જીવ્યા હતા અને મરવા પણ તૈયાર હતા. (૪) તેઓ ગુજરાતી સંસ્કૃતિના ઉપાસક હતા અને ગુજરાતી ગદ્યના માંધાતા કહેવાતા હોવા છતાં સંકુચિત પ્રદેશવાદી નહતા. અન્ય ભાષાઓ માટે પણ તેમને ખાસ્સો પ્રેમ હતો. ભારતના ધાર્મિક અને ભાષાકીય વૈવિધ્ય માટેની તેમની સમજણ ક્રમશ: વધતી જતી હતી અને તેમના નજીકના સાથીદારોમાં મુસલમાનો, પારસીઓ, હિંદુઓ, ગુજરાતીઓ, તામિલભાષીઓ વગેરે હતા.

(૫) ગાંધીજી દેશભકત તેમજ આંતરરાષ્ટ્રવાદી હતા. ભારતીય સંસ્કૃતિની સમૃધ્ધિની કદર કરવા સાથે તેઓ સમજતા હતા કે ૨૦મી સદીમાં કોઇ દેશને કૂપમંડૂક બની રહેવાનું નહીં પાલવે. તેમની દાર્શનિક – રાજકીય દૃષ્ટિ ટોલ્સ્ટોય અને રસ્કિન જેટલી જ ગોખલે અને રાયચંદભાઇને આભારી હતી. તેમને નાત – જાત – વંશના ભેદભાવ વગર હેન્રી અને મિલી પોલાક, હર્મેન કેલન બેક, ચાર્લ્સ એન્ડ્રુઝ, વગેરે સાથે મૈત્રી હતી અને આ તમામે તેમના વ્યકિતગત અને જાહેર જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગાંધીજીના આ વારસા વગર ભારતે અત્યાર કરતાં જુદો જ માર્ગ પસંદ કર્યો હોત. કારણ કે ગાંધીજીએ મંત્રણા માટે હિંસાને પચાવી લીધી હતી. પરિણામે બહુપક્ષી લોકશાહી પાંગરી હતી. ગાંધી અને આંબેડકર જેવાં લોકોએ જાતિ અને જ્ઞાતિની સમાનતા પર ભાર મૂકયો હતો અને આ સિધ્ધાંત બંધારણમાં સમાવિષ્ટ કરાયા હતા. ગાંધી અને નેહરુ જેવા લોકોએ ધાર્મિક અને ભાષાકીય સ્વાતંત્ર્ય પર ભાર મૂકયો હોવાથી ભારત માટે નાગરિકત્વની વ્યાખ્યા માટે તે આધાર નહીં બન્યા.સ્વતંત્ર ભારતના સર્જન માટે એકલા ગાંધીજીએ ફાળો નહોતો આપ્યો છતાં તેમણે બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

(૬) ગાંધી એક પ્રખર પર્યાવરણવાદી હતા અને તેમને ખાતરી થઇ હતી કે અનિયંત્રિત વૃધ્ધિ અને ઉપભોકતાવાદ પૃથ્વી પર વિનાશ નોતરશે. તેમણે લખ્યું હતું કે ભારતે પશ્ચિમ જેવું ઔદ્યોગિકીકરણ નહીં અપનાવવું જોઇએ. નાનકડા પ્રિય રાજય બ્રિટનનો આર્થિક સામ્રાજયવાદ આજે વિશ્વને સાંકળેથી બાંધી રાખે છે. ૩૦ કરોડનો એક વિરાટ દેશ આર્થિક શોષણનો માર્ગ લેશે તો તીવ્ર પાઠ ખાઇ જવા જેવી હાલત થશે.

(૭) નવી માહિતી અને અનુભવ પ્રમાણે ગાંધી વૃધ્ધિ પામવાની અને વિકસવાની ક્ષમતા ધરાવતા હતા. વંશ, જ્ઞાતિ અને જાતિ  જેવા મહત્ત્વના વિષય પર ગાંધીજીએ પોતાના યુવાનીના પૂર્વગ્રહો  ત્યજી પ્રગતિશીલ વિચારો અપનાવ્યા હતા, તેમણે જ્ઞાતિવાદને પડકાર્યો હતો. (૮) ગાંધીમાં અનુયાયીઓમાંથી નેતા બનાવવાની કાબેલિયત હતી. તેમણે પ્રતિભા પારખી, તેમનું પોષણ કરી વિકસાવી હતી અને પછી તેને તેના બળ પર વૃધ્ધિ પામવા છૂટી મૂકી દીધી હતી. તેમાં નેહરુ, સરદાર પટેલ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, સી. રાજગોપાલાચારી, ઝાકિર હુસૈન, જે.બી. કૃપલાણી, જે.સી. કુમરપાલ, સરલાદેવી કેથેરિન મેરી હેલિયાન વગેરેનો સમાવેશ થાય છે. નેહરુ, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી વધતે ઓછે અંશે એકહથ્થુવાદને વળગી રહ્યા છે. તેમણે નેતાઓની નવી પેઢી તૈયાર કરવામાં ભાગ્યે જ કંઇ કર્યું છે.

(૯) ગાંધી સામેની વ્યકિતનો મુદ્દો સમજી સમાધાનકારી અભિગમ માટે તૈયાર રહેતા. તેથી જ ઝીણાએ અને આંબેડકર વિપરીત મતના લોકો સાથે સમાન ભૂમિકા શોધવા વર્ષો સુધી પ્રયાસ કરી શકયા. તેમને કોઇ વૈયકિતક અણગમો કે ધિકકાર ન હતા. માત્ર બૌધ્ધિક કે રાજકીય મતભેદ હતા. (૧૦) ગાંધીના રાજકીય જીવનમાં પારદર્શિતા હતી. કોઇ પણ વ્યકિત તેમના આશ્રમમાં જઇ ચર્ચા કરી શકતો. અરે, એક વ્યકિતએ તો સીધા જ તેમના તરફ જઇને હત્યા પણ કરી. તેમના જીવનમાંથી મેં તારવેલા સિધ્ધાંતો  માત્ર આ દેશ પૂરતા જ સીમિત ન હતા. છતાં ધાર્મિક  બહુમતીવાદ અને વ્યકિતપૂજા તેમજ ગાળાગાળી, જુઠ્ઠાણાં અને અસત્યની ઉછાળ પ્રવૃત્તિની આબોહવામાં ગાંધી સૌથી મહત્ત્વના હોઇ શકે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top