મતદારોના મતોથી ચૂંટાઈને જતા પ્રતિનિધિઓ એટલે સાંસદ અને ધારાસભ્યો છે. આ બંનેની ફરજ પ્રજાના પ્રશ્નો, સમસ્યા સાંભળીને તેને ઉકેલવાની છે. ગુજરાત બસ પરિવહન નિગમ દ્વારા રાજ્યભરમાં એસ.ટી. બસ દોડાવવામાં આવે છે. ૬૦ સીટની બસમાં સાંસદ-ધારાસભ્ય માટે બે સીટ રીઝર્વ રાખવામાં આવે છે. પરંતુ હવે તો સાંસદ કે ધારાસભ્યો એસ.ટી. બસમાં મુસાફરી કરતા જોવા મળતાં નથી. ખરેખર જો સાંસદ-ધારાસભ્ય એસ.ટી. બસ કે રેલ્વેમાં પ્રજા સાથે મુસાફરી કરે તો પ્રજાની શું સમસ્યા કે પ્રશ્નો છે તે જાણી શકાય પહેલા ગાંધીવાદી વિચારસરણીવાળા સાંસદ-ધારાસભ્યો એસ.ટી., રેલ્વેમાં મુસાફરી કરતા હતા. હવે તો રાજકારણ પ્રવાહી બન્યું છે. સત્તાધારી પક્ષે બહુમતીનો મત મેળવવા કે પુરવાર કરવા માટે કટોકટી હોય તો સાંસદ કે ધારાસભ્યોને લાખો રૂપિયા આપીને હોર્સ-ટ્રેડીંગ અને સોદાબાજી કરવી પડે છે. ઉપરાંત હવે તો સાંસદ-ધારાસભ્યોના પગાર ભથ્થાં મફત સગવડો એટલી બધી છે કે ‘સફેદ હાથી’ જેવા માનવામાં આવે છે.
એકવાર ચૂંટાઈ આવે એટલે ગાડી, બંગલા સંપત્તિના માલિક બની જતા હોય છે. પછી એસ.ટી. કે ટ્રેનમાં શા માટે ફરે? તે જોતા સરકારે બસમાં જે સાંસદ ધારાસભ્ય માટે રીઝર્વ સીટ હોય છે. તેને રદ કરીને તેના સ્થાને સગર્ભા બહેન કે વિકલાંગ માટે બે સીટ અનામત (રીઝર્વ) રાખવી જોઇએ.
તરસાડા, માંડવી -પ્રવીણસિંહ મહીડા