સામયિકો, હવે લોકોને પોસ્ટ દ્વારા મળતાં નથી, એવી નોંધ પ્રભાકર ધોળકિયાએ, ચર્ચાપત્રમાં કરી છે. આ ફરિયાદ તદ્દન સાચી છે. પોસ્ટ ખાતાનો કારભાર સાવ કથળી ગયો છે. હવે પોસ્ટ ખાતા પાસે એટલું કામ પણ રહ્યું નથી. કારણ કે લોકો હવે પ્રાઈવેટ કુરિયરો કે આંગડિયા પેઢીઓ દ્વારા પત્રોની આપ-લે કરે છે. હું મારી અંગત વાત કરું તો છેલ્લાં ચાર વર્ષથી, મારા ઉપર આવતાં ત્રણ સામયિકો મને પોસ્ટ દ્વારા મળતાં નથી. અમદાવાદથી આ ત્રણેય સામયિકો નિયમિત, પોસ્ટ દ્વારા મારા તરફ રવાના કરવામાં આવે છે. હું એ ત્રણેય સામયિકોનો આજીવન સભ્ય છું. પણ પોસ્ટમાં મને આ ત્રણેય સામયિકો મળતાં નથી. મારું સરનામું પણ પૂરતું અને ચોક્કસ છે. પણ હવે, એ સામયિકોને હું પોસ્ટ ખાતા દ્વારા મેળવી શકતો નથી. કતારગામ પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને લેખિતમાં પણ ઘણી વખત અરજીઓ કરી છે છતાં પણ સામયિકો મળતાં નથી. આને પોસ્ટ ખાતાનો નઘરોળ કારભાર જ ગણવો રહ્યો ને?
સુરત – બાબુભાઈ નાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તમારા માટે દરવાજો કોણ ખોલશે?
હમણાં અબ્બાસભાઈનું ચર્ચાપત્ર વાંચ્યું. ‘‘તમારા માટે દરવાજો કોણ ખોલશે?’’વાંચી આંખના ખૂણા ભીના થઈ ગયા. દીકરી ખરેખર વહાલનો દરિયો હોય છે. તુલસીનો ક્યારો હોય છે. મા બાપ પ્રત્યે પુત્ર કરતાં પુત્રીની લાગણી પ્રેમભાવ હંમેશા વધુ હોય છે. આ ચર્ચાપત્ર વાંચ્યા પછી રવિવારની પૂર્તિમાં દિનેશ પાંચાલની જીવન સરિતાના તીરે નો લેખ યાદ આવી ગયો. એક પત્ની પોતાની સાસુને લઈને ઘરડા ઘરમાં મૂકવા જાય છે. લાઈન ખૂબ લાંબી હોઈ પોતાની સાસુ સાથે લાઈનમાં ઊભી રહે છે. થોડી વારમાં બીજા દરવાજેથી પોતાની ભાભી એની સાસુ અર્થાત્ લાઈનમાં ઊભેલી પત્નીની મમ્મીને લઈને આવે છે. આ દૃશ્ય જોઈ પેલી બાઈ પોતાની ભાભી પાસે જાય છે. બંને વાત કરે છે અને પોતપોતની સાસુને લઈને ઘરે જાય છે અને જીવનભર પોતાની મા સમજી સારસંભાળ લેવાની ખાતરી આપે છે. એટલે સમજદારીથી ચઢિયાતો કોઈ વિકલ્પ ન હોઈ શકે.
સુરત – યશવંત પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.