દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી મધ્યમ વર્ગને ગૂંગળાવી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા અનુસાર રોજિંદા ખોરાકમાં લેવાતી ચીજોના ભાવોમાં ઉછાળો નોંધાયો છે. કઠોળ, શાકભાજી, દૂધની બનાવટો વગેરેના ભાવો વધી રહ્યા છે. કઠોળના ભાવમાં સાત ટકા તો શાકભાજીના ભાવોમાં દસ ટકાનો વધારો જોવા મળે છે. સંતોષકારક વરસાદ થયો હોવા છતાં અને કૃષિ ઉત્પાદનો સારાં થયાં હોવા છતાં અને અનાજના ગોદામો ભરેલાં હોવા છતાં લોકો સુધી અનાજ કઠોળ સસ્તા ભાવે કેમ પહોંચતાં નથી?! અનાજના ભાવો વધતાં તેનો સીધો લાભ વચેટીઆઓને મળે છે. અનાજ વેચનાર હોલસેલર અને રીટેલર લાખ્ખો કમાય છે! પરંતુ અનાજ ઉત્પાદન કરનાર ખેડૂતો કમાતા નથી! એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ભ્રષ્ટ રાજકારણીઓ પર જે રીતે સપાટો બોલાવ્યો તે રીતે સંગ્રહખોરો અને નફાખોરો પર પણ સપાટો બોલાવવાની જરૂર છે. મોંઘવારી ડામવા માટે સરકાર પગલાંઓ લે છે પરંતુ તેનું અસરકારક અમલીકરણ થતું નથી અને આ પગલાંઓની અસરકારક રીતે કોઇ સમીક્ષા પણ થતી નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રુડના ભાવો ચૂકવવા પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઊંચા હોવાથી રોજિંદી જીવનજરૂરી ચીજ વસ્તુઓની હેરફેર પણ મોંઘી બની રહેતાં આવી ચીજવસ્તુઓના ભાવમાં વધારાનો સામનો તો મધ્યમ વર્ગને જ કરવો ભારે પડી રહ્યો છે. લોકો પાસે રૂપિયા મંદ ગતિએ આવે છે અને રોકેટ ગતિએ જતા રહે છે. સરકારે મોંઘવારીને ઘટાડવા અને તેને અંકુશમાં લેવાને અગ્રતા આપી કડક, નકકર અને અસરકારક પગલાં આજે લેવાની તાતી જરૂર છે.લાગે છે કે લોકો હવે મોંઘવારી સહન નહીં કરી શકે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
