Charchapatra

દરેક ચૂંટણીમાં ગરીબાઇ અને બેરોજગારીનો મુદ્દો કેમ નેપથ્યમાં જ રહે છે?

હમણાં થોડા દિવસ પહેલાં જ પૂરી થયેલ ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં અનેક પ્રકારે નવીનતા જોવા મળી. સામાન્ય રીતે દરેક ચૂંટણીઓમાં  થોડાં–ઘણાં  અપક્ષ ઉમેદવારો સિવાય મહદ્ અંશે ચોક્કસ રાજકીય પક્ષ સાથે જોડાયેલ વ્યક્તિઓ જે તે પક્ષના ઉમેદવાર તરીકે એમની ઉમેદવારી નોંધાવે છે અને એમાંના મોટા ભાગના આર્થિક રીતે ઘણાં સક્ષમ હોય છે. હાલ પૂરી થયેલી ચૂંટણીમાં લગભગ પચાસ જેટલાં ઉમેદવારો એવાં પણ હતાં કે જેમની પાસે નગણ્ય સંપત્તિ હતી અને એમાંની દશ વ્યક્તિઓ પાસે સંપત્તિને નામે જાહેર કરવા જેવું કશું જ નહોતું. એમણે મહદ્ અંશે એમની કથળેલી આર્થિક પરિસ્થિતિ પ્રત્યે  લોકોનું અને સરકારનું ધ્યાન દોરવા માટે જ ઉમેદવારી નોંધાવેલ હોઇ શકે. 

ગાંધીનગર, ઉત્તરમાંથી ઉમેદવારી નોંધાવનાર મહેન્દ્ર પટનીએ એમની પૂરેપૂરી બચતના એક રૂપિયાના પાંચ હજાર સિક્કા ડીપોઝીટ રૂપે જમા કરાવેલ. ઝૂંપડામાં રહેતી ખંભાલિયા મ્યુનિસિપાલિટીમાંથી છૂટી કરાયેલ દૈનિક કામદાર તરીકે કામ કરતી મંજુ પીંગલાએ એની મિલકતમાં રૂ.૩૯૨/– જાહેર કરેલ. રાજેશ વાઘેલા નામના ડ્રાઇવરની નોકરીમાંથી નિવૃત્ત થયેલ એણે સસ્તા અને બહેતર શિક્ષણની વ્યવસ્થાની રજૂઆત કરવા માટે એની જિંદગીભરની રૂ.પાંચ હજારની બચત ઇલેક્શન ડીપોઝીટ પેટે ભરી એની ઉમેદવારી નોંધાવેલ. ગાંધીઘામ સિનેમામાં ક્લાર્ક તરીકે નોકરી કરતી અને ત્યાંની એકતાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી જીગીશા સોન્ડારવાએ એમની ઝૂંપડપટ્ટીમાં અનિયમિત પાણી, વીજળી અને સતત ઉભરાતી ગટરોની સમસ્યાના સમાધાન માટે એની ઉમેદવારી નોંધાવેલ.

આવાં અન્ય ગરીબ વંચિતોએ પણ એમની આવી જ કોઇ ને કોઇ તકલીફો/સમસ્યાઓને ઉજાગર કરવા માટે જ ઉમેદવારી નોંધાવેલ હશે. આમાંના કોઇને ચૂંટાઇ આવવાની શક્યતા કે આશા ન હોય પરંતુ આ જાગૃત વ્યક્તિઓની ઉમેદવારી એ બાબત  પ્રત્યે લોકોનું ધ્યાન દોરે છે કે  રાજ્યના વિકાસનાં બણગાં ફૂંકતા રાજકારણીઓની વાત અને જમીની હકીકતમાં ઘણો ફરક છે. સરકારી અને અન્ય એજન્સીઓ દ્વારા જાહેર કરાતા આંકડાઓ પણ દર્શાવે છે કે આપણા રાજ્યમાં ગરીબો અને ગરીબી રેખા નીચે જીવતાં વ્યક્તિઓની સંખ્યા ઓછી થવાને બદલે વધતી જણાઇ રહી છે. શું આ કારણે જ સને ૨૦૨૦ માં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાતના સમયે રસ્તામાં આવતી  ઝૂંપડપટ્ટીઓને/ગરીબોને છુપાવવા દિવાલ ખડી કરી દેવાયેલ હશે? આશા રાખીએ કે ગુજરાતની નવી ચૂંટાયેલ સરકાર વ્યક્તિવિકાસ, ધંધા–રોજગાર સહિતના સર્વાંગી વિકાસને જ અગ્રતાક્રમ આપે જેથી ગરીબ અને મધ્યમ વર્ગને રાહત થાય.    
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top