યુરોપ અને અમેરિકા જેવા ખંડોના દેશોમાં કોઇ પણ જાતના અકસ્માતો બને છે ત્યારે ખૂબ ઓછી જાનહાનિ થાય છે. જયારે આપણા દેશમાં થતા અકસ્માતોમાં ઘણાં બધાના મોત થાય છે. અમેરિકાના ફલોરિડા રાજયમાં હમણાં એક ચૌદ માળની બિલ્ડીંગ તૂટી પડી તો તેમાં માત્ર બે-કે ત્રણ માણસો જ મૃત્યુ પામ્યા હતા. આપણે ત્યાં તો એક દિવાલ પડે તો પણ સાઇઠેક માણસો દટાઇન મરે છે. અમેરિકામાં એકી સાથે પચાસ સાઠ કારો એક બીજીને અથડાઇ તો માત્ર બે ચાર વ્યકિતઓ જ જાન ગુમાવતી હોય છે.
ત્યારે આપણે ત્યાં તો રિક્ષા-સ્કુટરનો અકસ્માત થાય તો પણ પાંચ દસ વ્યકિતઓ જાન ગુમાવે છે. જર્મનીમાં એક ટ્રેન ઉથલી પડેલી. એમાં રોકડા પાંચેક માણસો મૃત્યુ પામ્યા હતા. જયારે આપણે ત્યાં આવા ટ્રેન અકસ્માતોમાં સેંકડો લોકો જીવ ગુમાવતા હોય છે. ઇંગ્લેન્ડની એક ભયચક હોટલમાં આગ લાગેલી એમાં એક જ વ્યકિતએ જાન ગુમાવેલો. જયારે આપણે ત્યાં બનતા આગના બનાવોમાં થોકબંધ વ્યકિતઓ બળીને ભડથુ થતી હોય છે. પશ્ચિમના દેશોમાં અતિશય વરસાદ અને વાવાઝોડાઓમાં થતી હોનારતોમાં ખુબ ઓછી જાનહાનિ થાય છે.
જયારે આપણે ત્યાં પૂર જેવી સ્થિતિએ ગામના ગામ તણાઇ જતા હોય છે. પશ્ચિમના એ દેશોમાં કાંઇ ચોમાસે વીજળી નહિ પડતી હોય??? પડતી જ હશેને! પણ જાનહાનિ લગભગ થતી નથી. જયારે આપણે ત્યાં તો ચોમાસુ વીજળી પડવાને કારણે ખેતરોમાં કામ કરનાર ઢગલાબંધ લોકો મૃત્યુને વરતા હોય છે. આમ સમગ્રપણે આપણે જોઇશું તો પશ્ચિમના દેશોમાં આવતી રહેતી આફતોમાં ખુબ જૂજ સંખ્યામાં લોકોના મૃત્યુ થતા હોય છે. જયારે આપણે ત્યાં ઘટતી આવી કુદરતી આફતોમાં અનેક ઘણા લોકો મોતને ભેટતા રહેતા હોય છે. કારણ માત્ર ભયંકર વસતી વિસ્ફોટ જ ને!!! સુરત – પ્રેમ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.