Charchapatra

દેશના ઉદ્યોગપતિઓ વિદેશમાં કેમ દાન કરે છે?

ભારત માતાના ખોળે જન્મ લઈ ઉચ્ચ શિક્ષણ કે ટેક્નોલોજી મેળવી પોતાના પિતાનો વારસો અથવા સ્વ પ્રયાસથી ઉદ્યોગ ક્ષેત્રે સારી નામના મેળવનાર ભારત માતાનાં હવા-પાણી-માટી-અન્ન ખાઈને દુનિયામાં ડંકો ફેલાવનાર અંબાણી, અદાણી, ટાટા કુ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મિત્તલ જેવા બે પાંચ ઉદ્યોગપતિઓ પાસે આ દેશમાં 80 ટકા થી 90 ટકા જેટલી સંપત્તિ ધરાવે છે ત્યારે ભારત માતાનું ઋણ ચૂકવવાને બદલે સરકારની જ તાજપોશી કરનાર લાખો-કરોડો ડોલર-રૂ. પોતાના નબીરાઓ માટે અથવા વૈભવી સ્વર્ગ જેવી સાહેબી ભોગવવા પાણીની જેમ વહાવી રહ્યા છે.

ભારત દેશ કે જ્યાં બે ટંક ખાવા પૂરતું મળતું નથી. જ્યાં બેકારો રોજી-રોટી માટે આત્મહત્યા જેવું પગલું ભરે છે. શું આ દેશ માટે સરકાર માટે કે ધનકુબેરો માટો શોભનીય છે ખરું! આ જ કરોડો ડોલરો ભારતમાં નવા નવા ઉદ્યોગો સ્થાપી બેકારી કે બેરોજગારી માટે વાપરતા હોય તો જ ખરેખર ભારત માતાનું ઋણ અદા કરેલ છે એમ કહેવાય. વર્ષો પહેલાં નાલંદા – તક્ષશિલા વિ. જેવી વિશ્વપ્રસિધ્ધ યુનિવર્સિટીઓ હતી. દેશ-પરદેશથી હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા ભારત આવતાં. આજે યુવાધન ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદેશ ચાલી જાય છે અને નોકરી મેળવી ત્યાં જ સ્થાયી થઈ જાય છે. હાલમાં આપણા દેશમાં વર્લ્ડ ક્લાસ આર્ટ ટેક્નોલોજી સંસ્થા નથી.

નથી વર્લ્ડ બેસ્ટ IIT-ટેક્નોલોજી સંસ્થા નથી. વર્લ્ડ બેસ્ટ ઈજનેરી કોલેજ કે વર્લ્ડ બેસ્ટ કમ્પ્યુટર ટેક્નોલોજી સંસ્થા નથી અને આપણે આપણા નેતાઓ આપણી યુનિવર્સિટીની વાહ વાહ બોલ્યે જ જાય છે. ભારતમાં આવી સંસ્થાઓ પાસે પૂરતાં સાધનો નથી. પૂરતો ટેક્નીકલ સ્ટાફ નથી. પૂરતો પગાર મળતો નથી અને હાલમાં આ સંસ્થાઓ મૃત:પ્રાય દશામાં ચાલી રહી છે. આ જ ધનકુબેરો, ઉદ્યોગપતિઓ હાલમાં ચૂંટણીમાં જાહેર કરેલ એક કરોડ ઉપરના સંપત્તિવાન નેતાઓ ભારતના બેરોજગાર સાહસિક યુવાનોને મદદરૂપ થાય તો આ દેશમાં સોનાનો સૂરજ ઊગશે અને ઊગશે જ. ભારતના ઉદ્યોગપતિઓ પરદેશમાં કેટલાં દાનનો ધોધ વહાવે છે તેના ઉદાહરણ રૂપે ‘ગુજરાતમિત્ર’ તા.19 જૂનના વિન્સી મરચન્ટના’ ભારતના ઉદ્યોગપતિઓનો દાનનો વરસાદ સમુદ્રમાં વરસે છે’ ના લેખમાં સવિગત છે.

વાંચી જજો કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગૃપે હાર્વડ યુનિવર્સિટીને, જીંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ કું.એ ડલ્લાસ સ્થિત યુનિવર્સિટી ઓફ ટેક્સાસને, 2010માં ટાટા કુ.એ હાર્વડ બિઝનેશ સ્કુલને કેટલું દાન આપ્યું. આ જ ઉદાહરણ દર્શાવે છે કે આપણા દેશના ઉદ્યોગપતિઓમાં ભારત પ્રત્યે ઋણ ચુકવવા ભૂલી ગયા કે પછી ભારત દેશમાં એવી કોઈ ચોક્કસ સરકાર નથી કે આટલા મોટા દાનનો પ્રામાણિકપણે દેશની જનતાની બેરોજગારી કે બેકારી કહો કે દેશના વિકાસ માટે વાપરી શકે? કારણ જે પણ હોઈ શકે.

એક અભ્યાસ મુજબ આવા માલેતુજાર ઉદ્યોગપતિઓ, કરોડપતિઓ પર આ નવી સરકાર એવું નક્કી કરે કે કોઈ પણ વ્યક્તિની આવક રૂા. 10 કરોડથી વધુ હોય તેના ઉપર 2 ટકા ટેક્ષ ફરજિયાત લેવો જેથી આ દેશનો મુદ્રા કોશ વધે અને પ્રજાહિત માટે નાણાં વપરાય. જો મા ભારતી પ્રત્યે ઋણ અદા કરવા ઉદ્યોગપતિઓ, ધનકુબેરો, માલેતુજાર જાહેરમાં અથવા ખાનગી રીતે પણ દેશની પ્રગતિ માટે આગળ આવશે તો દેશમાં દેશપ્રેમ માટે એક લહેર પેદા થશે.
નવસારી – એન. ગરાસિયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top