અમેરિકામાં ગર્ભપાતનો વિરોધ કરનારી લોબી અને તેની તરફેણ કરનારી લોબી વચ્ચે જોરદાર લડાઈ ચાલી રહી છે. જે રોમન કેથોલિક ચર્ચતરફી લોબી છે, તે પ્રો-લાઈફ લોબી તરીકે ઓળખાય છે અને તેઓ કોઈ પણ સંયોગોમાં થતાં ગર્ભપાતનો વિરોધ કરે છે. જે ગર્ભપાતતતરફી લોબી છે, તે પ્રો-ચોઈસ લોબી તરીકે ઓળખાય છે અને તેઓ સ્ત્રીઓના ગર્ભપાત કરાવવાના અધિકારનું સમર્થન કરે છે.
ગયાં વર્ષે અમેરિકાની સુપ્રિમ કોર્ટે ગર્ભપાતને ગેરબંધારણીય ઠરાવ્યો તે પછી અમેરિકાનાં ૧૩ રાજ્યોમાં ગર્ભપાત પર પ્રતિબંધ ફરમાવતા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આ ૧૩ રાજ્યોમાં પણ મિફેપ્રિસ્ટોન નામની ગર્ભપાત કરનારી ગોળી સહેલાઈથી મળી શકતી હતી. હવે ટેક્સાસ રાજ્યની કોર્ટે મિફેપ્રિસ્ટોનને આપવામાં આવેલી પરવાનગી પાછી ખેંચી લેતા ગર્ભપાતસમર્થક લોબીને જબરદસ્ત ફટકો પડ્યો છે. જો અમેરિકાનાં બીજાં રાજ્યોમાં પણ આ ગોળી ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવશે તો ગર્ભપાતના પ્રમાણમાં ભારે ઘટાડો જોવા મળશે.
ગર્ભપાત માટે વપરાતી ગોળીનું જિનેરિક નામ આરયુ-૪૮૬ છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા વર્ષ ૨૦૦૦માં આ ગોળીને મંજૂરી આપવામાં આવી તે પહેલાં પણ તેનો ભારે વિરોધ થયો હતો. આ ગોળી ગર્ભાવસ્થાના સાત સપ્તાહ સુધી લેવાની છૂટ આપવામાં આવી હતી. પાછળથી આ છૂટ વધારીને ૧૦ સપ્તાહની કરવામાં આવી હતી. આ ગોળી લેવાથી ગર્ભનો વિકાસ કરતાં પ્રોજેસ્ટરોન હોર્મોનનું ઉત્પાદન બંધ થઈ જાય છે. તેને કારણે ગર્ભ મરી જાય છે. તે પછી ૪૮ કલાકે મિસોપ્રોસ્ટોલ નામની ગોળી લેવામાં આવે છે, જેને કારણે મૃત ગર્ભ બહાર ફેંકાઈ જાય છે. આ ગોળી લેનારી ૯૫ ટકા મહિલાઓને ગર્ભપાત થઈ જાય છે, પણ પાંચ ટકા ગર્ભ ટકી જાય છે. આ ગર્ભનાં બાળકો ખોડખાંપણ લઈને જન્મતા હોય છે. અમેરિકામાં આવાં લાખો બાળકોનો જન્મ થયો હોવાથી વિવાદ થતાં મિફેપ્રિસ્ટોન પર અદાલત દ્વારા પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
ભારતમાં ગર્ભપાત માટે ‘મોર્નિંગ આફ્ટર’પિલનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. આ ગોળી શારીરિક સંબંધ બાંધ્યાના ૭૨ કલાકમાં લેવામાં આવતી હોય છે. જો ગર્ભ ધારણ થયો હોય તો તેના વડે ગર્ભપાત થઈ જાય છે. જે સ્ત્રીઓ સુરક્ષા વગરના શરીર સંબંધો બાંધતી હોય છે, તેઓ મોર્નિંગ આફ્ટર પિલનો છૂટથી ઉપયોગ કરતી હોય છે. તેમાં જે કેમિકલ હોય છે તેને કારણે ફલિત થયેલો ગર્ભ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી શકતો નથી અને નાશ પામે છે. મોર્નિંગ આફ્ટર પિલનો વારંવાર ઉપયોગ કરવાથી સ્ત્રીના ગર્ભાશયને નુકસાન થાય છે અને તેનામાં વંધ્યત્વ પણ આવી શકે છે. તેનું પ્રિસ્ક્રિપ્શન લખી આપનારા ડોક્ટરો આ વાત સ્ત્રીને ભાગ્યે જ જણાવતા હોય છે.
મોર્નિંગ આફ્ટર પિલ અને આરયુ-૪૮૬ વચ્ચે પાયાનો તફાવત એ છે કે આરયુ-૪૮૬ ગર્ભાવસ્થા કન્ફર્મ થઈ જાય તે પછી લેવાની હોય છે. અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં કુલ ૯.૩૦ લાખ ગર્ભપાત નોંધાયા હતા. તેમાંના ૫૩ ટકા ગર્ભપાત આરયુ-૪૮૬ગોળી થકી થયા હતા. જો ગર્ભની ઉંમર ૧૦ સપ્તાહ કરતાં ઓછી હોય તો ઘણાખરા કિસ્સાઓમાં એબોર્શન પિલનો જ ઉપયોગ કરવામાં આવે છે.
જો ગર્ભની ઉંમર ૧૦ સપ્તાહ કરતાં વધુ હોય તો જ સક્શન વગેરે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એબોર્શન પિલનો ઉપયોગ કરનારે હોસ્પિટલમાં જવું પડતું નથી. વળી તે ઇન્ટરનેટ દ્વારા પણ ઓર્ડર કરી શકાતી હોવાથી તેની લોકપ્રિયતા વધી ગઈ છે. અમેરિકાનાં જે ૧૩ રાજ્યોમાં ગર્ભપાત ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમાં પણ પોસ્ટ કે કુરિયરના માધ્યમથી આ ગોળી મળતી હોવાથી પ્રતિબંધનો ભંગ કરવામાં આવી રહ્યો છે. હવે જો આ ગોળીના વેચાણ પર મનાઈ ફરમાવી દેવામાં આવશે તો કુરિયર દ્વારા તેની થતી ડિલિવરી પણ બંધ થઈ જશે.
ઇ.સ. ૧૯૭૩ સુધી અમેરિકામાં ગર્ભપાત પર પ્રતિબંધ હતો અને ગર્ભપાત કરાવનાર કે તેમાં મદદ કરનારને જન્મટીપની સજા સુધીની જોગવાઈ હતી. ૧૯૭૩માં સુપ્રિમ કોર્ટે રો વિરુદ્ધ વાડેના વિવાદાસ્પદ કેસમાં ચુકાદો આપતાં અમુક શરતો સાથે ગર્ભપાત કરવાની છૂટ આપી દીધી હતી. લગભગ આ કાળમાં જ ભારતમાં પણ ગર્ભપાતની શરતી છૂટ આપતો કાયદો બન્યો હતો. ૧૯૭૩માં અમેરિકાની સુપ્રિમ કોર્ટે ગર્ભપાતની છૂટ આપી તે પછી ૪૯ વર્ષમાં અમેરિકામાં લગભગ ૬.૩ કરોડ કાયદેસરના ગર્ભપાત થયા છે. ૧૯૭૫ અને ૨૦૧૨ વચ્ચે તો અમેરિકામાં દર વર્ષે આશરે દસ લાખ ગર્ભપાત થતા હતા. હવે સુપ્રિમ કોર્ટે ગર્ભપાતને આપવામાં આવેલું કાયદાનું સંરક્ષણ હટાવી લીધું તે પછી પણ અમેરિકામાં ગર્ભપાત તદ્દન બંધ થઈ જવાના નથી.
અમેરિકાના આંકડાઓ કહે છે કે ગર્ભવતી બનતી દર પાંચમાંથી એક મહિલા પોતાના ઉદરમાં ઉછરી રહેલાં બાળકની હત્યા કરાવી નાખે છે. ગટ્ટમેચર ઇન્સ્ટિટ્યૂટના આંકડાઓ મુજબ ૨૦૨૦ની સાલમાં અમેરિકામાં કુલ ૯.૩૦ લાખ ગર્ભપાત થયા હતા. ૨૦૧૭માં અમેરિકામાં કુલ ૮.૬૨ લાખ ગર્ભપાત થયા હતા, જે ૧૯૭૩ પછી સૌથી નીચો આંકડો હતો. ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન ગર્ભપાતના પ્રમાણમાં વધારો થયો હતો. ૨૦૨૦માં કોરોનાને કારણે દસ પૈકી એક ગર્ભપાત ક્લિનિક બંધ હોવાથી ગર્ભપાતના પ્રમાણમાં ૬ ટકાનો ઘટાડો થયો હતો. ૨૦૨૦ની સાલમાં મહિલાઓ ગર્ભપાત કરાવવા માટે ક્લિનિકમાં જવાને બદલે ટેબ્લેટ ખાઈને ગર્ભપાત કરાવવા લાગી હતી, જેને કારણે ગોળી દ્વારા થતાં ગર્ભપાતની સંખ્યા વધીને ૫૪ ટકા પર પહોંચી ગઈ હતી. ગર્ભપાતની ગોળી પર પ્રતિબંધ આવતા આ સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે.
૨૦૨૦ની સાલમાં અમેરિકાની આશરે ૪૫ લાખ મહિલાઓ ગર્ભવતી થઈ હતી, પણ તેમાંની આશરે ૯.૩૦ લાખ મહિલાઓએ ગર્ભપાત કરાવીને બાળકની જિંદગીનો અંત આણ્યો હતો, જેને પરિણામે આશરે ૩૬ લાખ બાળકો જ જન્મ ધારણ કરી શક્યા હતા. ૨૦૨૦માં અમેરિકાની ૧૫થી ૪૪ની વયની હજાર મહિલાદીઠ ૧૪.૪ ગર્ભપાત નોંધાયા હતા. ૨૦૧૭માં આ આંકડો ૧૩.૫નો હતો. ઇલિનોઈસ નામનાં રાજ્યમાં ૨૦૧૮ પછી ગર્ભપાત કરાવતી મહિલાઓને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવતી હતી, જેને પરિણામે ૨૦૧૭ અને ૨૦૨૦ વચ્ચે ત્યાં ગર્ભપાતમાં ૨૫ ટકાનો ઉછાળો આવ્યો હતો.
પડોશના મિસૂરી રાજ્યામાં ગર્ભપાતનું પ્રમાણ ઘટ્યું તેનું કારણ એ હતું કે અનેક મહિલાઓ ગર્ભપાત કરાવવા ઇલિનોઈસ જતી હતી. અમેરિકામાં વર્તમાનમાં જે સરકાર છે તે ડેમોક્રેટિક પક્ષની સરકાર છે, જે ગર્ભપાતને સમર્થન આપે છે. અગાઉ રિપબ્લિકન પક્ષની સરકાર હતી, જે ગર્ભપાતના વિરોધમાં હતી. અમેરિકાના વર્તમાન પ્રમુપ જો બાઇડેન ગર્ભપાતના સમર્થક છે. તેમણે જાહેર કર્યું છે કે ટેક્સાસની અદાલત દ્વારા એબોર્શન પિલની વિરુદ્ધમાં અપાયેલા ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવામાં આવશે. ટેક્સાસની કોર્ટે પણ તેના ચુકાદાને પડકારવા માટે સાત દિવસનો સમય આપ્યો છે. ટેક્સાસની અદાલતે ગર્ભપાતની ગોળીની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે તો વોશિંગ્ટનની અદાલતે તેની તરફેણમાં ચુકાદો આપ્યો છે. તેના જણાવ્યા મુજબ અમેરિકાનાં જે ૧૨ રાજ્યોમાં ગર્ભપાતની કાયદેસર છૂટ છે, તેમાં ગર્ભપાતની ગોળી મળી રહે તે જોવાની જવાબદારી અમેરિકાના એફડીએની છે.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.