Columns

હરિયાણામાં ભાજપને અચાનક મુખ્ય મંત્રી બદલવાની જરૂર કેમ પડી?

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં અને દેશના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલની નિશાની જોવા મળી રહી છે. ભાજપની નીતિ રહી છે કે જે રાજ્યમાં તેની સરકાર અળખામણી થઈ ગઈ હોય ત્યાં મતદારો સરકાર બદલે તે પહેલાં જાતે સરકાર બદલીને લોકોનો રોષ હળવો પાડવો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં તેવો પ્રયોગ કરીને વિજયભાઈ રૂપાણીની સરકારને ઘરે બેસાડી ભૂપેન્દ્ર પટેલની સરકાર લવાઈ હતી, જે જુગાર સફળ થયો હતો. હવે હરિયાણામાં લોકપ્રિયતા ગુમાવી બેઠેલી મનોહરલાલ ખટ્ટર સરકારને લોકસભાની ચૂંટણીના ટાંકણે ઘરે બેસાડીને તેના સ્થાને નાયબ સૈનીની સરકારની સ્થાપના કરાઈ છે.

મનોહરલાલ ખટ્ટરની સરકાર બદલવા માટે નિમિત્ત દુષ્યંત ચૌટાલા દ્વારા પૂરું પડાયું હતું, જેમના પક્ષે ભાજપ સાથેનું ગઠબંધન તોડી પાડ્યું હતું. દુષ્યંત સિંહના પક્ષ જેજેપી દ્વારા લોકસભાની ચૂંટણી માટે બે બેઠકો મગાઈ હતી, જે ફાળવવાની ભાજપની તૈયારી હતી. હરિયાણામાં ગઠબંધન તૂટી જતાં નવી સરકારની રચના જરૂરી હતી, પણ નવી સરકારમાં મનોહરલાલ ખટ્ટરને બિહારમાં નીતીશકુમારની જેમ ચાલુ રાખી શકાયા હોત; પણ હરિયાણામાં ભાજપે સરકાર બદલવાની તક ઝડપી લીધી હતી. હરિયાણામાં હવે લોકસભાની સાથે કદાચ વિધાનસભાની ચૂંટણી પણ થશે.

હરિયાણાના મુખ્ય મંત્રી બનેલા નાયબ સિંહ સૈની હરિયાણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે. નાયબ સિંહ સૈનીની રાજકીય સફર વાસ્તવમાં ૨૦૦૨માં શરૂ થઈ હતી. આ વર્ષે તેમને હરિયાણામાં ભાજપના યુવા મોરચાની કામગીરી જોવાની જવાબદારી મળી હતી. આ પછી તેમણે જિલ્લા અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું અને ૨૦૦૯માં ભાજપ કિસાન મોરચા હરિયાણાના પ્રદેશ મહાસચિવ બન્યા હતા. ૨૦૧૪માં તેઓ નારાયણગઢ બેઠકથી ધારાસભ્ય બન્યા અને પછી ૨૦૧૬માં તેઓ હરિયાણા સરકારમાં ખાણ રાજ્ય મંત્રી બન્યા હતા. ૨૦૧૯માં તેઓ કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી સંસદમાં પહોંચ્યા હતા. નાયબ સૈની એક મોટા ગજાના OBC નેતા છે.

ભાજપમાં શિસ્તનું પ્રમાણ ખૂબ હોવાથી કોઈ પણ મુખ્ય મંત્રીને ઘરે બેસાડવામાં આવે તો તે વિરોધ કરવાનો કે બળવો કરવાનો વિચાર સુદ્ધાં કરતો નથી. મનોહર લાલ ખટ્ટર, જેઓ આજ સુધી રાજ્યના મુખ્ય મંત્રી હતા, તેમને લોકસભા ચૂંટણી પછી સંગઠન અથવા સરકારમાં કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. મિડિયા હેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે મનોહરલાલ ખટ્ટર હરિયાણાની કરનાલ બેઠકથી લોકસભા ચૂંટણી લડી શકે છે. મનોહરલાલ ખટ્ટર છેલ્લાં નવ વર્ષથી રાજ્યના મુખ્યમંત્રી પદ પર છે. પંજાબ તેમ જ હરિયાણામાં કિસાન મુદ્દે મનોહરલાલ ખટ્ટર સરકારની લોકપ્રિયતા ઘટી ગઈ હતી. ભાજપે તેનો ઉકેલ શોધી કાઢ્યો છે. મનોહરલાલ ખટ્ટરને બદલે નાયબ સૈનીને મુખ્ય મંત્રી બનાવી ઓબીસી વર્ગને રાજી કરવાનો પ્રયાસ કરાયો છે. ભાજપ દ્વારા વગદાર જાટ નેતાને મુખ્ય મંત્રીનું પદ ન દેવાની નીતિ ચાલુ રાખવામાં આવી છે.

હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી અને દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી વચ્ચે ગઠબંધન તૂટવાના સમાચાર આવ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં હરિયાણાની બેઠકોની વહેંચણી બાબતમાં ગઠબંધનમાં કોઈ સહમતિ સધાઈ નથી. આ પછી ભાજપે હરિયાણામાં જેજેપી સાથે ગઠબંધન તોડવાનો નિર્ણય લીધો હતો. જેજેપી હિસાર અને ભિવાની મહેન્દ્રગઢ લોકસભા બેઠકો પરથી પોતાના ઉમેદવારો ઊભાં કરવા માંગે છે. ભાજપ તે માટે તૈયાર નથી. હિસારથી વર્તમાન સાંસદ બ્રિજેન્દ્ર સિંહ રવિવારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, કારણ કે ભાજપમાં તેમની ટિકિટ કાપવામાં આવી હતી.

૯૦ સીટોવાળી હરિયાણા વિધાનસભામાં ભાજપ પાસે ૪૧ ધારાસભ્યો, જેજેપી પાસે ૧૦ અને કોંગ્રેસ પાસે ૩૦ ધારાસભ્યો છે. આ સાથે ભાજપને ૬ અપક્ષો અને હરિયાણા લોકહિત પાર્ટીના ધારાસભ્ય ગોપાલ કાંડાનું સમર્થન છે. ગોપાલ કાંડા બદનામ થયેલા રાજનેતા છે. અન્ય બે ધારાસભ્યોમાં INLDના અભય ચૌટાલા અને અપક્ષ બલરાજ કુંડુ છે. માનવામાં આવે છે કે જેજેપીથી અલગ થયા બાદ પણ ભાજપ પાસે કુલ ૪૮ ધારાસભ્યોનું સમર્થન રહેશે.

ભાજપના સહયોગી દુષ્યંત ચૌટાલા ગઈ કાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને મળ્યા હતા. દુષ્યંત ચૌટાલાએ મંગળવારે ​​તેમની પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને બોલાવ્યા હતા. હરિયાણામાં આ સમયે ઘણી અટકળો ચાલી રહી હતી કે મનોહર લાલ ખટ્ટર જ ફરીથી મુખ્ય મંત્રી તરીકે શપથ લઈ શકે છે. તે જ સમયે હરિયાણાના આગામી મુખ્ય મંત્રી તરીકે ભાજપના નાયબ સિંહ સૈની અને સંજય ભાટિયાનું નામ પણ ચાલી રહ્યું હતું. બંને નેતાઓ મનોહરલાલ ખટ્ટરના નજીકના હોવાનું કહેવાય છે. છેવટે ભાજપના મોવડીમંડળે પસંદગીનો કળશ નાયબ સિંહ સૈનીના માથે ઢોળ્યો હોવાનું સમજાય છે.

મનોહરલાલ ખટ્ટરના નજીકના નાયબ સિંહ સૈનીને ઓક્ટોબર ૨૦૨૩માં જ હરિયાણા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હવે માત્ર પાંચ મહિના બાદ તેઓ મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચી ગયા છે. હરિયાણાનાં રાજકીય સમીકરણને ધ્યાનમાં રાખીને ભાજપે નાયબ સિંહ સૈનીને મોટી જવાબદારી આપવાનો નિર્ણય કર્યો છે. ભાજપે જાટોને બદલે સમગ્ર ઓબીસી સમુદાયને સંતોષવા માટે નાયબ સિંહ સૈનીને આગળ કર્યા છે. ભાજપ હરિયાણાની દસ બેઠકો પોતાની તાકાત પર લડવા માગે છે. તે દુષ્યંત ચૌટાલાના પક્ષને કોઈ બેઠક ફાળવવા તૈયાર નથી; તેથી સ્વાભાવિક રીતે ગઠબંધન તોડવાનો નિર્ણય લેવાઈ ગયો હતો. ભાજપ સાથેનું ગઠબંધન તોડ્યા પછી દુષ્યંત ચૌટાલા કોંગ્રેસ સાથે પણ ગઠબંધન કરી શકે છે.

હરિયાણાના યુવાન મુખ્ય મંત્રી બનેલા નાયબ સિંહનો જન્મ ૨૫ જાન્યુઆરી ૧૯૭૦ના રોજ અંબાલાના નાના ગામ મિઝાપુર માજરામાં થયો હતો. તેઓ મુઝફ્ફરપુરમાં બી.આર. આંબેડકર બિહાર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. તેમણે મેરઠની ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી.ની ડિગ્રી લીધી હતી. આ પછી તેઓ રાજકારણ તરફ વળ્યા હતા. ભાજપ પહેલાં નાયબ સિંહ સૈની આર.એસ.એસ. સાથે જોડાયેલા હતા. આ દરમિયાન તેઓ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરને મળ્યા હતા. તેમણે ૧૯૯૬માં ભારતીય જનતા પાર્ટીમાંથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૦૨માં તેમને ભાજપના યુવા મોરચાના અંબાલાના જિલ્લા મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી તેઓ ૨૦૦૫માં અંબાલાથી જિલ્લા અધ્યક્ષ બન્યા હતા. નાયબ સિંહ સૈની ઝડપથી ઉપર પહોંચ્યા છે.

હરિયાણાના નવા મુખ્ય મંત્રી નાયબ સિંહ સૈનીની સંપત્તિની વાત છે તો તે કરોડોની મિલકતોના માલિક છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં ફાઈલ કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરા મુજબ તેમની કુલ સંપત્તિ ૩.૫૭ કરોડ રૂપિયા છે, જ્યારે તેમના પર લગભગ ૫૭.૩૪ રૂપિયાનું દેવું પણ છે. તેમના નામ પર ટોયોટા ઈનોવા અને ક્વાલિસ જેવી બે કાર પણ છે. હરિયાણાના નવા મુખ્ય મંત્રીના નામ પરથી રહેણાંકની બે મૂલ્યવાન ઇમારતો છે.

ચૂંટણી ઢંઢેરામાં નાયબ સિંહ સૈનીએ પંચકુલા અને અંબાલામાં બે રહેઠાણો હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જેની કિંમત ૨૦૧૯માં આશરે રૂ. ૨.૫૦ કરોડ હતી. નાયબ સિંહ સૈનીનું LICમાં લગભગ ૩ લાખ રૂપિયાનું રોકાણ છે. તેમની પાસે ૩૦ ગ્રામ સોના સહિત લગભગ ૫.૪૦ લાખ રૂપિયાના દાગીના છે. નાયબ સિંહ સૈની પાસે લગભગ ૫૫ લાખ રૂપિયાની ખેતીની જમીન પણ છે. નાયબ સિંહ સૈની અને તેમની પત્નીના નામે કુલ ૭ બેંક ખાતાં છે, જેમાં વર્ષ ૨૦૧૯માં ૨૪.૧૧ લાખ રૂપિયા જમા થયા હતા.   
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top