તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ જે દિવસે ભારતની મુલાકાત શરૂ કરી હતી તે જ દિવસે પાકિસ્તાને કાબુલ પર હુમલો કર્યો હતો. હજુ થોડા જ સમય પહેલાં પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે દોસ્તી હતી. અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજૂતી કરાવવામાં પાકિસ્તાને ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી; તો અચાનક એવું શું બન્યું કે તાલિબાન પાકિસ્તાનનું દુશ્મન બની ગયું છે અને ભારત સાથેના સંબંધો સુધારવા આતુર બની ગયું છે? ૨૦૨૧ માં તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા પછી તાજેતરનો તણાવ બંને પડોશીઓ વચ્ચેની સૌથી ગંભીર અથડામણોમાંની એક છે. બંને દેશો વચ્ચેના સંબંધો બગડી રહ્યા છે, કારણ કે પાકિસ્તાન તાલિબાન પર તહરીક-એ-તાલિબાન TTP પાકિસ્તાનના સભ્યોને આશ્રય આપવાનો આરોપ લગાવે છે, જેણે પાકિસ્તાનમાં ઘાતક હુમલાઓ કર્યા છે. તાલિબાન પાકિસ્તાનના આ આરોપને નકારે છે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે બે હજાર કિલોમીટરથી વધુ લાંબી સરહદ છે, જેને ડ્યુરન્ડ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. અફઘાન તાલિબાનને ટેકો આપવો એ પાકિસ્તાન રાષ્ટ્રીય હિતનો વિષય માનતું આવ્યું છે. મહિનાઓ સુધી ચાલેલા રાજદ્વારી તણાવ પછી થયેલી તાજેતરની લડાઈ દર્શાવે છે કે બંને પડોશીઓ વચ્ચેના સંબંધો ફરી એક વાર નવા સંઘર્ષની અણી પર પહોંચી ગયા છે. ઓગસ્ટ ૨૦૨૧ માં તાલિબાને સત્તા કબજે કરી ત્યારથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘણી વખત તણાવ ભડક્યો છે.
પાકિસ્તાને શરૂઆતમાં તાલિબાનના પુનરાગમનનું સ્વાગત કર્યું હતું. તેને આશા હતી કે તાલિબાન તેની પશ્ચિમી સરહદને સ્થિર કરશે અને TTP દ્વારા કરાતા હુમલાઓને રોકશે. TTP એક જૂથ છે જે વૈચારિક રીતે અફઘાન તાલિબાન સાથે જોડાયેલું છે. પાકિસ્તાન કહે છે કે સરહદ પારથી ટીટીપીના હુમલાઓમાં તેના સેંકડો સૈનિકો માર્યા ગયા છે. તાજેતરનાં વર્ષોમાં બંને પક્ષોએ ડ્યુરન્ડ લાઇન પર વાડ બનાવવા અંગે પણ અથડામણ કરી છે. ડ્યુરન્ડ લાઇન વસાહતી યુગની સરહદ છે, જેને અફઘાનિસ્તાને ક્યારેય ઔપચારિક રીતે માન્યતા આપી નથી. ચમન, કુર્રમ અને બાજૌર જેવા વિસ્તારોમાં સરહદ પારથી ગોળીબારની ઘટનાઓ વધી છે, જેના કારણે અનેક વખત મુખ્ય વેપાર માર્ગો બંધ કરવા પડે છે.
શનિવારે રાત્રે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ભીષણ અથડામણ થઈ હતી, જેમાં બંને પક્ષોએ એકબીજા પર આખી રાત હુમલા કરવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાની સૈન્યનું કહેવું છે કે અફઘાન તાલિબાન લડવૈયાઓ અને સાથી આતંકવાદી જૂથોએ શનિવારે મોડી રાત્રે કોઈ પણ ઉશ્કેરણી વિના હુમલો કર્યો, જેમાં પાકિસ્તાની સરહદ પરની અનેક ચોકીઓને નિશાન બનાવવામાં આવી. પાકિસ્તાની સેનાએ કહ્યું કે તેમણે હુમલાને નિષ્ફળ બનાવવા માટે તોપખાના અને હવાઈ હુમલાનો ઉપયોગ કરીને જોરદાર જવાબ આપ્યો. પાકિસ્તાની અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમનાં દળોએ થોડા સમય માટે ૨૧ અફઘાન ચોકીઓ પર કબજો કર્યો હતો અને પાકિસ્તાન સામે હુમલાઓનું આયોજન કરી રહેલાં આતંકવાદી તાલીમ કેન્દ્રોનો નાશ કર્યો હતો.પાકિસ્તાની સેનાએ અહેવાલ આપ્યો હતો કે તેના ૨૩ સૈનિકો માર્યા ગયા અને ૨૯ ઘાયલ થયા હતા, જ્યારે પાકિસ્તાનની જવાબી કાર્યવાહીમાં તાલિબાન સાથે જોડાયેલા ૨૦૦ થી વધુ લડવૈયાઓ માર્યા ગયા હતા. તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૫૮ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.
પ્રવક્તાએ તેને બદલો ગણાવ્યો અને પાકિસ્તાન પર ગુરુવારે અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરવાનો અને કાબુલ નજીકના બજારમાં બોમ્બમારો કરવાનો આરોપ મૂક્યો હતો. પાકિસ્તાની લશ્કરી પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ હવાઈ હુમલાઓ અંગેના પ્રશ્નોના સીધા જવાબ આપ્યા ન હતા. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનના લોકોના જીવ બચાવવા માટે જે કંઈ જરૂરી હશે તે કરી રહ્યા છીએ અને કરતા રહીશું. તેમણે અફઘાનિસ્તાનને અપીલ કરી કે તે તેની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થતો અટકાવે.
વિશ્લેષકો કહે છે કે બંને પક્ષો વચ્ચે વિશ્વાસનો અભાવ, આર્થિક તણાવ અને અસરકારક સુરક્ષા ઉપકરણના અભાવે એક સમયે છુપાયેલા સંઘર્ષને ખુલ્લી દુશ્મનાવટમાં ફેરવી દીધો છે. ઇસ્લામાબાદ સ્થિત સુરક્ષા વિશ્લેષક ઇમ્તિયાઝ ગુલે તાજેતરની હિંસાને મહિનાઓના તણાવની પરાકાષ્ઠા ગણાવી હતી. પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓનું નેતૃત્વ કરી રહેલા TTP સામે નિર્ણાયક પગલાં લેવાનો અફઘાન શાસનનો ઇનકાર કરવાથી પાકિસ્તાન પાસે મર્યાદિત વિકલ્પો બચ્યા છે. પાકિસ્તાને તાલિબાન પર પ્રભાવ ધરાવતા દેશો, જેમાં ચીન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.
તેમની પાસેથી રાજદ્વારી મદદ લેવી જોઈએ જેથી તે TTP સામે કાર્યવાહી કરવા માટે દબાણ કરી શકે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ તાજેતરમાં એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં જણાવાયું છે કે કોઈ પણ દેશ સામે કોઈ પણ આક્રમણને બંને દેશો સામેનું આક્રમણ ગણવામાં આવશે. વિશ્વાસની કટોકટીએ પરિસ્થિતિને વધુ વણસાવી છે. તાલિબાન પાસે પાકિસ્તાની સેના સામે સીધી લડવાની ક્ષમતા નથી અને બદલાની કાર્યવાહીને કારણે જાહેર ગુસ્સો શાંત થયા પછી તેઓ પીછેહઠ કરે તેવી શક્યતા છે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આ ક્ષેત્રમાં સંભવિત અશાંતિ અને અસ્થિરતા અંગે નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ તણાવ મોટા સંઘર્ષમાં ફેરવાય તે પહેલાં પ્રભાવશાળી દેશોએ પાકિસ્તાન પર દબાણ લાવવાની જરૂર છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં ચાલી રહેલા તણાવ અને અથડામણો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે. સાઉદી અરેબિયાએ કહ્યું કે તે આ બાબત પર નજર રાખી રહ્યું છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે પાકિસ્તાને ઉગ્રવાદના મુદ્દા પર તાલિબાન પર દબાણ લાવવા માટે કાબુલ પર હવાઈ હુમલો કર્યો હતો. પરંતુ પ્રશ્ન એ છે કે શું આનાથી ઉગ્રવાદને કાબૂમાં લેવામાં સફળતા મળશે?
ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી વીણા સીકરીએ જણાવ્યું હતું કે આ હુમલા દ્વારા પાકિસ્તાન તાલિબાનના વિદેશ પ્રધાનની ભારત મુલાકાત પર અફઘાનિસ્તાન પ્રત્યે પોતાનો ગુસ્સો બતાવી રહ્યું છે. વીણા સિકરી કહે છે કે જ્યારે ઇઝરાયલે દોહા પર હુમલો કર્યો ત્યારે મધ્ય પૂર્વના દેશો સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ઘણો ગુસ્સો હતો તેથી પાકિસ્તાન દ્વારા કાબુલ પર હુમલો કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. પાકિસ્તાને કાબુલ પર હુમલો કરીને ખોટું કર્યું છે. આની પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર નકારાત્મક અસર પડી રહી છે. એક રીતે પાકિસ્તાન પણ અફઘાનિસ્તાન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યું છે કે તેના વિદેશ પ્રધાન ભારત કેમ આવ્યા? ભારત અને અફઘાનિસ્તાને સંયુક્ત નિવેદન પણ બહાર પાડ્યું છે.
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંરક્ષણ સંબંધો છે, તેથી બંને દેશો વચ્ચેના સંરક્ષણ કરારને અન્ય કોઈ રીતે જોવો જોઈએ નહીં. તેને ફક્ત એક આર્થિક વ્યવહાર તરીકે જોવો જોઈએ. મને નથી લાગતું કે સાઉદી અરેબિયા પોતાની રીતે આવું કોઈ પગલું ભરશે, કારણ કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સંબંધો છે. આ ઉપરાંત, સાઉદી અરેબિયાના અન્ય દેશો સાથે પણ પોતાના સંબંધો છે. પાકિસ્તાન આવા હુમલાઓનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર પર ટીટીપી અંગે દબાણ કરવા માટે કરી રહ્યું છે. પાકિસ્તાનના મતે TTP અફઘાનિસ્તાનમાં સક્રિય છે અને ભારતની મદદથી ત્યાંથી પાકિસ્તાનમાં હુમલાઓ કરી રહ્યું છે.
પાકિસ્તાનમાં સુરક્ષા દળો પર વારંવાર થઈ રહેલા હુમલાઓએ પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ પર દબાણ લાવ્યું છે અને તેઓ અફઘાનિસ્તાનમાં હુમલા કરીને પોતાનાં લોકોને બતાવવા માંગે છે કે તેઓ બદલો લઈ રહ્યા છે. પાકિસ્તાનના અફઘાનિસ્તાન પરના હુમલા ભારત માટે એક ભેટથી ઓછા નથી. પાકિસ્તાન અને ભારત વચ્ચે પહેલાથી જ તણાવ ચાલી રહ્યો છે. હવે, અફઘાનિસ્તાન સાથે વધતા તણાવ સાથે પાકિસ્તાન એક સાથે બે મોરચે દબાણ અને અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. આનાથી પાકિસ્તાનની રાજનીતિ, સુરક્ષા અને અર્થતંત્ર સામે પણ ઘણા પડકારો ઊભા થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.